ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ રાજકીય આગેવાનો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા
સુરેન્દ્રનગર જીલ્લાનાં ત્રણ તાલુકાનં 31 ગામોનાં ખેડુતો-પશુપાલકોની બનેલી ખેડૂત વિકાસ હિતરક્ષક સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર અને રાજકીય આગેવાનોને નો-એન્ટ્રીનાં બેનરો લગાવવામાં આવતા ચકચાર સાથે રાજકીય ગરમાવો ફેલાયો છે.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રા તાલુકાનાં 31 ગામોનાં ખડૂતો અને પશુપાલકો દ્વારા સિંચાઈનાં પાણીની માંગ સાથે છેલ્લા એક કરતા વધુ વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે.
મૂળી તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી કેમ નહીં, 31 ગામના લોકો પાણી માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે
મૂળી તાલુકામાંથી નર્મદાની ત્રણ લાઇનો પસાર થાય છે તેમ છતાં તાલુકાને નર્મદાનું પાણી મળતું નથી. અગાઉ કુંતલપુર ગામે મૂળી વઢવાણ, ધ્રાંગધ્રાનાં 31 ગામનાં ખેડૂતોએ બેઠક યોજી નર્મદાનાં પાણી માટે કાંઇપણ કરવા તૈયારી દેખાડી છે. સરકાર દ્વારા પાણી આપવા માગ કરી હતી. જ્યારે મંગળવારે કુંતલપુર ગામે ચૂટણીમાં આગામી સમયમાં રાજકીયનેતા માટે પ્રવેશબંધીના બેનરો લાગતા દોડધામ મચી જવા પામી હતી.
મૂળી તેમજ વઢવાણ,ધ્રાંગધ્રા તાલુકાનાં 31 ગામોમાં હજું સુધી નર્મદાનાં નીર ઝાંઝવાના નીર રૂપ બન્યા છે. આથી ખેડૂતોની ગામોગામ રાત્રીસભા યોજી આંદોલન સાથે લડત કરી અગાઉ અનેક આવેદન અને રજૂઆત કરાઇ હતી. અગાઉ થોડા દિવસ પહેલા મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે મોટીસંખ્યામાં ખેડૂતો રાત્રી સભામાં ઉપસ્થિત રહી લડત માટે કટિબદ્ધ બન્યા હતા.