રિટ એટલે ન્યાયાલય દ્વારા કાનૂની કે ન્યાયીક આજ્ઞા અથવા હુકમ કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી. ભારતમાં બંધારણ મુજબ સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયને પાંચ પ્રકારની રિટ બહાર પાડવાની સત્તા છે.
1. બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોર્પસ / હાજર હુકમ) (Habeas Corpus) :
આ રિટ ‘વૈયક્તિક સ્વતંત્રતા” નો પાયો ગણવામાં આવે છે. આ લેટિન ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે “શરીરને હાજર કરો.” “To have a body”
ક્યારે કરી શકાય આ રીટ ?
જ્યારે કોઈ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે કેદમાં રાખ્યો હોય ત્યારે તે વ્યક્તિ અથવા અધિકારી વિરૂદ્ધ ન્યાયાલય દ્વારા “હેબિયસ કોર્પસ’”ની રિટ જાહેર કરવામાં આવે છે, અને કેદમાં રખાયેલ વ્યક્તિને ન્યાયાલય સમક્ષ હાજર કરવાનું કહેવામાં આવે છે. ન્યાયાલયને જો તપાસ કરતાં તેની ધરપકડ કે કેદ કાયદા વિરૂદ્ધની લાગે તો તેને મુક્ત કરવાનો આદેશ કરી શકે છે.
કોણ કરી શકે આ રીટ ?
આ રીટ ભોગ બનનાર વ્યક્તિ સાથે લોહીનો સબંધ ધરાવતી વ્યક્તિ કરી શકે
2. પરમાદેશ (મેન્ડેમસ / અધિકારી હુકમ) (Mandamus) : તેનો અર્થ થાય છે, ‘“અમે આદેશ આપીએ છીએ.”
જ્યારે સાર્વજનિક નિગમ, પદાધિકારી કે અન્ય ન્યાયાલય પોતાની કાયદાકીય અને બંધારણીય જવાબદારીઓનું પાલન કરતાં નથી ત્યારે સર્વોચ્ચ કે ઉચ્ચન્યાયાલય તેમની વિરૂદ્ધ પરમાદેશ રિટ આપે છે.
3. પ્રતિષેધ (પ્રોહિબિશન | પ્રતિબંધ હુકમ) (Prohibition) : આ માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરૂદ્ધ જ આપવામાં આવે છે. તેનો અર્થ ‘“અટકાવવુ‘’ એવો થાય છે.
જ્યારે તાબા હેઠળની નીચલી અદાલતો પોતાના ન્યાયક્ષેત્રની બહાર જઈ કોઈ કેસની સુનવણી કરે છે. ત્યારે તેમને અટકાવવા સર્વોચ્ચ અથવા ઉચ્ચ ન્યાયલ તાબા હેઠળની અદાલતો વિરૂદ્ધ પ્રોટિબિશન રિટ બહાર પાડે છે. પ્રોહિબિશન રિટ ત્યારે જ બહાર પાડવામાં આવે છે.
કયારે રીટ બહાર પાડવામાં આવે છે ?
જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે જ આ રીટ બહાર પાડી શકાય છે
4. ઉત્પ્રેષણ (સર્ટીઓરરી) (certiorari) :આ ન્યાયિક, અર્ધન્યાયિક ઉપરાંત વહીવટી સંસ્થાઓની વિરૂદ્ધમાં આપવામાં આવે છે. (1991ના સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ) તેઓ અર્થ “જાહેર કરવું” અથવા “સૂચના આપવી’ એવો થાય છે.
ક્યારે આ રીટ બહાર પાડવા આવે છે ?
જ્યારે તાબા હેઠળની અદાલતો અથવા વહીવટી અધિકારી કે સંસ્થા પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈ કોઈ કૈસની સુનવણી કરે છે. ત્યારે તેમને અટકાવવા સર્વોચ્ચ અથવા ઉચ્ચ ન્યાયાલય તાબા હેઠળની અદાલતો કે વહીવટી અધિકારી કે સંસ્થા વિરૂદ્ધ સર્ટીઓરી રિટ બહાર પાડે છે.
નોંધ: ઉત્પ્રેષણ રિટ ત્યારે જ બહાર પાડવામાં આવે છે જયારે કોઈ બાબતમાં નિર્ણય અપાઈ ચૂક્યો હોય.
5. અધિકાર પૃચ્છા (કો-વોરન્ટો / અધિકાર ભંગ હુકમ) (Quo-warranto) :
જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ સાર્વજનિક પદ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે આ રિટ સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
કોણ કરી શકે ?
કોઈપણ ભારતનો નાગરિક આ રીટ કરી શકે છે.