2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માત્ર ર3 બેઠકો જ મળતા ભાજપ ડબલ ફીગરમાં સમેટાયો હતો: આ વખતે સૌરાષ્ટ્ર રીઝશે તેનો બેડો પાર
ગાંધીનગરની ગાદી સુધી પહોચવા માટે સૌરાષ્ટ્રની 48 અને કચ્છની 6 બેઠકો ખુબ જ નિર્ણાયક સાબિત થાય છે વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માત્ર ર3 બેઠકો મળતા ભાજપ માત્ર 99 બેઠકો પર સમેટાય ગયો હતો. ચાર ચૂંટણી બાદ ભાજપને સૌથી ઓછી બેઠકો પ્રાપ્ત થઇ હતી. આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છના લોકો જેના પર રિઝશે તે રાજકીય પક્ષનો બેડો પાર થઇ જશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણીમાં ભાજપ સામે કોઇ મોટો પડકાર નથી. રાજયમાં કયારેય ત્રીજો મોરચો ફાળ્યો નથી. છતાં આ વખતે આમ આદમી પાર્ટીની નોંધ લેવામાં આવી રહી છે. જો સેન્ટી ઇન્કમ બન્સી (સત્તા વિરોધી લહેર) ન નડે તો ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સત્તારૂઢ થાય તેવા સ્પષ્ટ અગણસારો મળી રહ્યા છે. હમેંશા સૌરાષ્ટ્ર ભાજપના પડખે જ ઉભુ રહ્યું છે. જેના કારણે ગાંધીનગર સુધી પહોચવાનો ભાજપનો રસ્તો સરળ બની જાય છે.
2017માં વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ અને ભાવનગર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભાજપનું પ્રદર્શન નબળુ રહ્યું છે. મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તો ભાજપનું ખાતુ પણ ખુલ્યું ન હતું. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચમાંથી માત્ર એક બેઠક ભાજપને ફાળે આવી હતી. રાજકોટ જિલ્લામાં ભાજપનું પ્રદર્શન સારુ રહ્યું હતું. જિલ્લાની આઠ માંથી છ બેઠકો પર કમળ ખુલ્યુ હતું. જયારે બે બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બોટાદ જીલ્લામાં ભાજપનું પર્ફોમન્સ સામાન્ય રહેવા પામ્યું હતું. કચ્છમાં ભાજપને સારી સફળતા પ્રાપ્ત થઇ હતી. વર્ષ 2012માં 115 બેઠકો જીતનારો ભાજપ 2017માં 16 બેઠકોની નુકશાની સાથે ડબલ ફીગર અર્થાત 99 બેઠકો પર સમેટાય ગયો હતો.
ચુંટણી પંચ દ્વારા ગુજરાતને ઓફ ધ રેકોર્ડ અલગ અલગ ચાર ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં પ4 બેઠકો, ઉત્તર ગુજરાત ઝોનમાં 3ર બેઠકો, મઘ્ય ગુજરાત ઝોનની 61 બેઠકો અને દક્ષિણ ગુજરાત ઝોનમાં કુલ 35 બેઠકો આવેલી છે. સૌથી વધુ બેઠક હોવા છતાં મઘ્ય ગુજરાતના મતદારોનો મિજાજ હમેશા મિશ્ર રહ્યો છે. જયારે દાયકાઓથી સૌરાષ્ટ્ર-કચ્છ અડિખમ રીતે ભાજપની પડખે ઉભુ રહે છે. 2017માં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માત્ર ર3 બેઠકો જ પ્રાપ્ત થઇ હતી.
જેના કારણે ભાજપને બહુમતિથી માત્ર આઠ બેઠકો જ વધુ મળી હતી. જયારે સામા પક્ષે કોંગ્રેસને 30 બેઠકો મળતા કોંગ્રેસ સત્તાથી માત્ર 14 બેઠકો જ દુર રહ્યું હતું. પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરતા હાલ વિધાનસભામાં ભાજપની સંખ્યા 111 અને કોંગ્રેસની સંખ્યા 65 સભ્યોની છે.
વિધાનસભાની આગામી ચુંટણીમાં અલગ અલગ બે તબકકામાં મતદાન થવાનું જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો માટે પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે. સૌરાષ્ટ્રની જનતા જે રાજકીય પક્ષ પર રીઝશે તેનો બેડો પાર થઇ જશે આ વખતે ભાજપ પણ આ ઝોનમાંથી 54 પૈકી 40 બેઠકો પર જીતના લક્ષ્યાંક સાથે વ્યુહ રચના ઘડી રહી છે. ટિકીટની ફાળવણીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને ઘ્યાનમાં રાખવામાં આવશે ગાંધીનગરની ગાદી સુધી પહોચવાનો રસ્તો સૌરાષ્ટ્ર-કચ્છથી પ્રસાર થાય છે. આમ તમામ રાજકીય પક્ષો સૌરાષ્ટ્રમાં એડી ચોટીનું જોર લગાવશે.