સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં 18 જેટલા તબીબોની તંગી
સુરેન્દ્રનગરમાં કોઠારીયા રોડ ઉપર રૂા.136 કરોડના ખર્ચે નવી બનનાર આયુર્વેદીક કોલેજ એન્ડ હોસ્પીટલનું તાજેતરમાં ખાતમુહુર્ત કરવામાં આવતા શહેરીજનોમાંથી સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહે છેકે,સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં 18 જેટલા નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે.
તે સરકાર દ્વારા ભરાતી નથી. તો નવી સરકારી હોસ્પિટલ બનાવતા પહેલા મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યાઓ વહેલીતકે ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.
આ અંગે જાણવા મળતી વિગત એવી છેકે, જીલ્લા મથક સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ગાંધી હોસ્પીટલમાં વર્ગ-1ના કાયમી એક અને હંગામી ત્રીસ મળીને કુલ 31 નિષ્ણાંત ડોક્ટરોનું મહેકમછે. તેની સામે હાલ 18 નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ઉપરાંત સી.ડી.એમ.ઓ.ની જગ્યા તા.1/6/2013થી એટલે કે નવ વર્ષથી ખાલી છે.
બાળ રોગ નિષ્ણાંતની ત્રણ જગ્યા છે ત્રણે ત્રણ જગ્યા હાલ ખાલી છે. આંખના સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પુર્ણકાલીન સર્જન,ઓર્થોપેડીક સર્જન, ફિજીશીયન, ઈ.એન્ડ.ટી સર્જન, સહીત કુલ 18 ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનું જાણવા મળે છે.