સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેના નામોની બીજી યાદીમાં કરાશે ઘોષણા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે આગામી 1લી ડિસેમ્બરના રોજ મતદાન થયાનું છે. જેના માટે આજે જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જવા પામી છે. કોંગ્રેસ દ્વારા ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છની 10 સહિત રાજ્યની કુલ 43 બેઠકો માટે ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. દરમિયાન હવે કોંગ્રેસની બીજી યાદી ભાજપના ઉમેદવારો જાહેર કરાયા બાદ કરવામાં આવશે. તેવું આજે મીડિયા સાથેની વાતચિતમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.
ઉમેદવારોની પ્રથમ યાદીમાં કોંગ્રેસ દ્વારા એકપણ સિટીંગ ધારાસભ્યના નામની ઘોષણા કરવામાં આવી નથી. જે બેઠકો પર નામનોની સર્વસંમતિ હતી તેવી બેઠકો માટે જ નામો જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગની તમામ 182 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે પરંતુ નામની ઘોષણા કરવામાં આવશે નહિ કારણ કે જાતિ-જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ પોતાના ઉમેદવારોના નામની વિધિવત ઘોષણા કરે તેવું મનાઇ રહ્યું છે.
જો કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આજે સવારે મીડિયા સાથેની વાતચિતમાં પણએ વાતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી કે હવે કોંગ્રેસ ઉમેદવારોની નામની બીજી યાદી જાહેર કરવામાં કોઇ ઉતાવળ કરશે નહિ. ભાજપના ઉમેદવારો જાહેર થઇ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થશે. બીજી યાદીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા બાદ એકપણ બેઠક પર ખોટા વાદ-વિવાદ જોવા મળતા નથી.