વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ભાજપને ફટકો: હવે જયનારાયણભાઇ વ્યાસ કોંગ્રેસનો પંજો પકડે તેવી સંભાવના
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ટાંકણે જ સત્તાધારી પક્ષ ભાજપને જોરદાર ફટકો પડયો છે. રાજય સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી, ભાજપના પૂર્વ પ્રવકતા અને દિગ્વજ નેતા જયનારાયણભાઇ વ્યાસે આજે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણભાઇ વ્યાસ ભાજપથી ભારોભાર નારાજ હતા. તેઓ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સતત ટીકા કરતા હતા તેઓની ગણના ગુજરાત ભાજપના ટોચના નેતાઓમાં થતી હતી. તેઓ ખુબ જ અભ્યાસુ છે પક્ષમાં સતત અવગણનાથી કંટાળી આજે ભાજપના પ્રાથમિક સભ્ય સહિતના તમામ પદો પરથી રાજીનામું ફગાવી દીધું છે.
તાજેતરમાં તેઓએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર ચુંટણી ઓબ્ઝર્વેર અશોક ગેહલોત સાથે મેરેથોન બેઠક કરી હતી ત્યારે જ એવી અટકળ વહેતી થઇ હતી કે પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્વજ નેતા જયનારાયણ વ્યાસ કેસરિયો ખેસ ફગાવી કોંગ્રેસનો પંજો પકડી લેશે. આજે તેઓએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે. પરંતુ કોંગ્રેસમાં જશે કે આપમાં તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. જે રીતે તેઓ કોંગ્રેસની કામગીરીની સરાહના કરી રહ્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે પંજો જ પકડશે.
ભાજપને છોડયા બાદ આજે જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે સિઘ્ધપુર (પાટણ) વિધાનસભા બેઠક પર દલીત, અને લધુમતિઓના1.30 લાખ પરંપરાગત મતો હોવા છતાં મેં ભાજપને વિજય અપાવ્યો હતો ભાજપમાં મને નબળો પાડવા માટે પક્ષમાંથી પ્રવૃતિ થતી હતી મારી સામે જુથ ઉભી થયું છે. હું ભાજપથી નારાજ નથી પરંતુ મને દુ:ખ છે માટે મારી શકિત શા માટે પક્ષ માટે વેકફવી? તેવું લાગતા ભાજપનો સાથ છોડયો છે.
ટુંક સમયમાં જયનારાયણભાઇ વ્યાસ કોંગ્રેસમાં જોડાઇ જશે. કોંગ્રેસ પણ તેઓને વિધાનસભાની ચુંટણીના મેદાનમાં ઉતારશે ટીકીટ આપે તેવી અટકળો પણ ચાલી રહી છે.