ગત 10મી ઓક્ટોબરે પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદી જ ધ્યાનમાં લેવાશે
ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કર્યા મુજબ વિધાનસભાની ચૂંટણી માટે તા.1-10-2022ની લાયકાતની તારીખની મતદારયાદી ધ્યાને લેવાની રહેશે. આ ચૂંટણીઓમાં મતદાન માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો તેમજ તમામ મતદાન મથકે વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ)નો ઉપયોગ કરવામાં આવશે.
આ ઉપરાંત મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા અન્ય 12 પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.
જેમાં આધારકાર્ડ,મનરેગા જોબકાર્ડ,બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ,પાનકાર્ડ, એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ,ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર,જાહેરસાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, સંસદસભ્ય,ધારાસભ્ય,વિધન પરિષદના સભ્ય આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, યુનિક ડિસેબિલિટી આઈ.ડી. કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર માન્ય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.