- જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ, આચારસંહિતા સમિતિની તત્કાલ કામગીરી
- પોસ્ટર્સ, બેનર્સ, દીવાલ પરના લખાણો દૂર કરવાની કામગીરી આજે પણ ચાલુ રહેશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની જાહેરાત સાથે રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઇ છે, જેના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ સક્રિય થઈ ગઈ છે. ચૂંટણી જાહેરાતના પ્રથમ દિવસે જ જિલ્લામાં સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે 3647 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. આ કામગીરી હજુ આજે શુક્રવારે પણ ચાલુ રહેશે.
રાજકોટ જિલ્લામાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારીશ્રી આશિષ કુમાર તથા રાજકોટ ગ્રામ્યના નોડલ અધિકારીશ્રી ઇલાબહેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ, શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર,ઝંડીઓ ઉતારવાની, દિવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે રાજકોટની આઠેય વિધાનસભા વિસ્તારોમાંથી કુલ 3647 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી 1249 દિવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો 334 પોસ્ટર્સ તથા 702 બેનર્સ તેમજ 543 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ 2828 સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 338 દિવાલ પરના લખાણો, 222 પોસ્ટર્સ, 241 બેનર્સ, 18 અન્ય મળીને કુલ 819 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
રાજકોટ પૂર્વ-68 વિધાનસભા વિસ્તારમાંથી સરકારી મિલકતો પરથી કુલ 96 જ્યારે ખાનગી મિલકતો પરથી પાંચ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. રાજકોટ પશ્ચિમ-69 વિધાનસભા ક્ષેત્રેમાંથી સરકારી મિલકતો પરથી 59 જ્યારે ખાનગી મિલકતો પરથી બે, રાજકોટ દક્ષિણ-70 વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 512ણ જ્યારે ખાનગી મિલકતો પરથી 75, રાજકોટ ગ્રામ્ય-71 વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 85 તથા ખાનગી મિલકતો પરથી 45, જસદણ-72 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 485 તથા ખાનગી મિલકતો પરથી 278, ગોંડલ-73 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 349 તથા ખાનગી મિલકતો પરથી 39, જેતપુર-74 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 50, જ્યારે ધોરાજી-75 મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી 707 અને ખાનગી મિલકતો પરથી 97 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે.
- ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 5(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓને કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન આગામી તા.01-12-2022 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ તા. 03 નવેમ્બરથી તા. 10 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે રાજકોટના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવ્યું છે.
- જિલ્લામાં 11.96 લાખ જેટલા પુરુષ તથા 11.09 લાખ જેટલા મહિલા મતદારો
- જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આઠેય વિધાનસભા વિસ્તારોની મતદારોની સંખ્યા જાહેર કરાઈ: જિલ્લામાં 34 જેટલા થર્ડ જેન્ડર મતદારો
જેમણે નવું નામ દાખલ કર્યું છે, તેવા મતદારોને ટૂંક સમયમાં પોસ્ટ મારફત ચૂંટણીકાર્ડ મળી જશે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના આઠેય વિધાસનભા વિસ્તારોમાં મતદારોની સંખ્યા સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં 10 ઑક્ટોબર 2022ની સ્થિતિએ કુલ 23,05,601 મતદારો નોંધાયા છે. જેમાં 11, 96, 011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રીઓ નોંધાયેલા છે. જિલ્લામાં થર્ડ જેન્ડર શ્રેણીમાં 34 મતદાતાઓ નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી ઉપરના વરીષ્ઠ નાગરીકોની સંખ્યા 52,238 જેટલી છે તેમજ દિવ્યાંગ મતદારો 15,633 જેટલા છે. વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો, 68-રાજકોટ પૂર્વમાં 1,56,315 પુરુષ, 1,40,889 સ્ત્રી મતદારો જ્યારે 2 થર્ડ જેન્ડર મળીને કુલ 2,97,206 મતદારો નોંધાયા છે. 69-રાજકોટ પશ્ચિમમાં 1,79,559 પુરુષ મતદારો, 1,74,382 મહિલા મતદારો, 6 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 3,53,947 મતદારો નોંધાયા છે. 70-રાજકોટ દક્ષિણમાં 1,32,933 પુરુષ મતદારો, 1,25,736 સ્ત્રી મતદારો, 4 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 2,58,673 મતદારો નોંધાયા છે.
71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં 1,92,763 પુરુષ મતદારો, 1,74,186 સ્ત્રી મતદારો તથા 7 થર્ડ જેન્ડર મતદારો મળીને 3,66,956 મતદારો નોંધાયા છે.
72-જસદણ ક્ષેત્રમાં 1,34,011 પુરુષ, 1,22,277 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,56,289 મતદારો નોંધાયા છે.
73-ગોંડલ ક્ષેત્રમાં 1,18,218 પુરુષ, 1,10,212 સ્ત્રી તથા 8 થર્ડ જેન્ડર મળીને કુલ 2,28,438 મતદારો નોંધાયા છે.
74-જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1,43,504 પુરુષ, 1,32,108 સ્ત્રી તથા પાંચ થર્ડ જેન્ડર મળીને કુલ 2,75,617 મતદારો નોંધાયા છે.
75-ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 1,38,708 પુરુષ, 1,29,766 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,68,475 મતદારો નોંધાયા છે.
તા.10/10/2022 બાદ 5ણ મતદાર યાદી સતત સુધારણા ચાલુ છે. જે મુજબના નવા અ5ડેટ થયા બાદ મતદારયાદી રોલ પ્રસિદ્ધ થશે. જેમાં નવા ઉમેરાયેલા મતદારો સાથેની વિગતો જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં તા.10/10/2022 પહેલા જે અરજદારોએ મતદારયાદીમાં તેઓનું નામ દાખલ કર્યું છે તેવા75,753 જેટલા અરજદારોને પોસ્ટ મારફત ચૂંટણી કાર્ડ ઘરબેઠા મળી રહેશે. રાજકોટ જિલ્લામાં ચૂંટણી કાર્ડ ટૂંક સમયમાંપોસ્ટ મારફત વિતરીત થઈ જશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે.
- રાજકોટ જિલ્લામાં સભા સરઘસબંધી
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2022 અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ રાજકોટ શહેર, રાજકોટ તાલુકા તથા સમગ્ર જિલ્લા વિસ્તારમાં તા.10.12.2022 સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સભા-સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધીત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે.સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ.
- ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવાની રહેશે
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ – 2022 અન્વયે રાજકોટ જીલ્લા તથા શહેરમાં તા. 1 ડિસેમ્બરે પ્રથમ તબકકાનું મતદાન યોજાનાર છે. આ ચૂંટણી દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર માટે વપરાતા કોઈ પણ પ્રકારના વાહનોની સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી પાસે ફરજિયાતપણે નોંધણી કરાવવા રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આદેશો જારી કર્યા છે. આ મંજૂરી વાહનના વિન્ડસ્ક્રીન પર સ્પષ્ટ પણે દેખાઈ આવે એ રીતે લગાડવાની રહેશે. આ હુકમો તા.10/12/2022 સુધી અમલમાં રહેશે. ઉપયોગમાં લેવામાં આવતા વાહનોનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાવામાં આવશે. આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
- શહેર-જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે યોજાઈ બેઠક
- જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓને અપાયું માર્ગદર્શન
ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સંબંધિત અધિકારીઓને આદર્શ આચાર સંહિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, શું શું કરવું અને શું શું ના કરવું તેની વિસ્તૃત સમજૂતી આપી હતી. રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારે રાજકોટમાં બેનર્સ, પોસ્ટર્સ ઉતારવાની શરૂ થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, રાજકોટ પ્રાદેશિક નગર પાલિકા કમિશનરશ્રી ધીમંત વ્યાસ, અધિક કલેકટર ઇલાબહેન ચૌહાણ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.