યુવાનોમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ચરમસિમાએ: ડિસ્કાઉન્ટ, પ્રમાણમાં ઓછી કિંમત, સમયની બચત, ઘરબેઠા ખરીદી અને વિશાળ પસંદગીનાં વિકલ્પ સહિતના પ્લસ પોઇન્ટથી ઓનલાઇન શોપિંગને વેગ મળ્યો
મોલ, શો-રૂમ, દુકાનો કે પરંપરાગત બજારોમાં દિવાળીની ખરીદી ભલે હજુ પુરબહારમાં ખીલી ના હોય, પરંતુ ઓનલાઇન માર્કેટમાં તેજીના વાવટા ફુંકાયા છે. ઇ-શોપિંગની સુનામીમાં પરંપરાગત ખરીદીની પ્રથા તણાઇ ગઇ છે. મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિકસ ગેજેટસ, કપડા ઘરવખરી, ગિફટ આર્ટિકલ જેવી વસ્તુઓની ઇ-શોપિંગનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
સ્માર્ટ સીટી તરફ દોડતા રાજકોટ શહેરમાં યુવાનો બહોળા પ્રમાણમાં ઓનલાઇન શોપિંગ કરતા હોય છે. ઇ-શોપિંગનો કેઝ ચરમસિમાએ પહોચ્યા છે. બીજી તરફ પરંપરાગત બજારોને ઘણા અંશે મંદીનો માર પડયો છે.
એસોચેમ નેશનલ કાઉન્સિલ ઓન ઇ-કોમર્સે અમદાવાદ સહિત દેશના ૧૦ ટોચના શહેરોમાં હાથ ધરેલા અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું હતું કે,દિવાળીમાં ઓનલાઇન શોપિંગ રૂ. ૩૦ હજાર કરોડ જેટલું રહેવાનો અંદાજ છે! તહેવારોની સીઝનમાં ઓનલાઇન માર્કેટમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કપડા, ઘરવખરી, ગિફ્ટ આર્ટિકલ જેવી વસ્તુઓની ખરીદીનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મુખ્ય મેટ્રો સિટી ઉપરાંત નાના-નાના શહેરો અને ગામડાઓમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધાના પગલે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જબરજસ્ત રીતે વધ્યાનું આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ, મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, દિલ્હીમાં તાજેતરમાં આ અભ્યાસ એસોચેમ દ્વારા હાથ ધરાયો હતો. જેમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે કે,ફક્ત મેટ્રો શહેરો જ નહીં પરંતુ વર્ગ-બે અને ત્રણની કેટેગરીમાં આવતા શહેરોમાં પણ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઇન્ટરનેટની સુવિધા પહોંચી છે. ખાસ કરીને સ્માર્ટ ફોનના લીધે ઇન્ટરનેટની સુવિધા હાથવગી બની હોવાથી ઓનલાઇન શોપિંગને જોરદાર વેગ મળી રહ્યો છે.
એસોચેમ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ૩૫૦ પ્રોફેશનલ, ઓફિસર્સ અને કર્મચારીઓને સાથે રાખીને આ અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે,દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિવાયના નાના શહેરોમાં પણ ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ ૬૫% જેટલો વધ્યો છે. ૩૫% ગ્રાહકો નિયમિત રીતે ઓનલાઇન શોપિંગ જ કરતાં હોવાનું સામે આવ્યું હતું. આ શોપર્સમાં ૩૫ ટકાની ઉંમર ૧૮થી ૩૫ વર્ષની, ૫૫%ની ઉંમર ૨૬થી ૩૫ વર્ષની અને ૮%ની ઉંમર ૩૬થી ૪૫ વર્ષની છે. જ્યારે કે ૪૫થી ૬૦ વર્ષના માત્ર ૨% લોકો ઓનલાઇન શોપિંગ કરે છે. જેન્ડરની દૃષ્ટિએ જોઇએ તો ૬૫% પુરુષો અને ૩૫% મહિલાઓ ઓનલાઇન શોપિંગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તે સિવાય સૌથી વધુ ઓનલાઇન શોપિંગ ૨૫થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનો કરે છે.
સર્વેમાં દુકાનો, સ્ટોર્સ કે મોલમાં વેચાતી વસ્તુઓ કરતા ઓનલાઇન શોપિંગમાં વધુ વેચાતી વસ્તુઓ પણ ટાંકવામાં આવી છે. જેમાં મોબાઇલ ૭૮%, ઇલેક્ટ્રોનિક્સ ૭૨% ક્ધઝ્યુમર ડ્યુરેબલ ૬૯%, ગિફ્ટ ૫૮%, એસેસરિઝ ૫૬% અને ઘરવખરી ૪૫% જેટલી વધુ વેચાય છે. જો કે, આ વર્ષે બજારોમાં તહેવારોની સિઝનમાં ખરીદી થોડી પાછી ઠેલાઇ છે.