ફાયરની ટીમ આગ બુઝાવે તે પહેલાં ત્રણેય વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા : પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો
રાજકોટમાં આજે ફરી વાહનને સળગાવી દેવાની ઘટના પોલીસ પ્રકાશમાં આવી છે.જેમાં નાણાવટી ચોકમાં આવેલી સતાધાર સોસાયટી 3માં રહેતા પરિવારના ત્રણ ટુ વ્હીલર ને કોઈ અજાણ્યા આવારા તત્વોએ તેમાં આગ ચાપી સળગાવી દીધા હતા. આ બનાવની જાણ ફાયર ની ટીમને થતા ફાયર ફાઈટર નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ તે લોકો આગ બુઝાવે તે પહેલાં જ ત્રણેય વાહનો આગમાં ભરીને ખાખ થયા હતા. હાલ આમ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
બનાવની વિગતો મુજબ મૂળ જૂનાગઢનાં અને હાલ નાણાંવટી સોસાયટી-3માં રહેતાં અયલેશભાઈ હર્ષદભાઈ વસાવડા (48) એક ચાની કંપનીમાં માર્કેટીંગનું કામ કરે છે. તેણે પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે અઢી વાગ્યાની આસપાસ તેનાં માસીનાં પુત્ર પિનાકીન રાવલે તેને ઉંઘમાંથી ઉઠાડી કહ્યું તમે જલ્દી નીચે આવો, ગાડી સળગે છે. જેથી તે તત્કાળ નીચે ગયા હતાં અને જોયું તો તેનાં મકાનની બહાર તેનું બાઈક, તેની બહેન પૂર્વશીબેન પ્રતિકભાઈ પારેખનું સ્કુટર અને માસીનાં પુત્ર આશિષભાઈનું સ્કૂટર આગમાં સળગતું હતું.તેથી તેને તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરતા તેનાં સ્ટાફે આવી આગ બુઝાવી હતી.
પરંતુ ત્યાં સુધીમાં ત્રણેક ટુ વ્હીલર સળગીને ખાક થઈ ગયા હતાં. આ રીતે કુલ રૂા 1.20 લાખની કિંમતનાં ત્રણ ટૂ વ્હીલર કોઈએ સળગાવી દેતા તેને આજે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ પરથી તપાસ કરતા ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી આ કૃત્ય તેણે અને કયા ઈરાદે કર્યું, તે માલૂમ કરવા માટે તેમને વધુ મથામળ કરવી પડશે.