- કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી જીત્યા બાદ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યા વિના આમ આદમી પાર્ટીમાં ભળતા વિપક્ષી નેતા
- ભાનુબેન સોરાણીએ દાખલ કરી હતી અરજી: શહેરી વિકાસ સચિવના હુકમથી વિધાનસભાની ચૂંટણી સમયે જ ખળભળાટ
રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી વોર્ડ નં.15ના કોર્પોરેટર તરીકે ચુંટાયા બાદ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યા વિના જ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લેનાર પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને કોર્પોરેટર પદેથી ડિસક્વોલીફાઇ કરવાનો હુકમ શહેરી વિકાસ સચિવ દ્વારા કરવામાં આવતા વિધાનસભાની ચૂંટણી સમયે જ ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષે યોજાયેલી રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.15માંથી વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. દરમિયાન થોડા મહિનાઓ પહેલા આ બંનેએ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી લીધો હતો. જેની સામે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરી વિકાસ સચિવને ફરિયાદ કરી હતી અને એડવોકેટ ગૌરવ વ્યાસને રોકીને અદાલતના દ્વાર પણ ખખડાવ્યા હતા.
આ બંનેને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન આજે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના સચિવ દેવેન્દ્ર રાવલે અધિનિયમ-1986 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો 187ના પેટા નિયમ-8ની જોગવાઇ અન્વયે વશરામભાઇ આલાભાઇ સાગઠીયાએ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી મેદાનમાં ઝંપલાવ્યું હતું અને વિજેતા બન્યા છે. તેઓએ પક્ષને છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પોતાની મરજી મુજબ સ્વૈચ્છાએ મૂળ પક્ષ છોડી દીધો હતો પરંતુ નગરસેવક તરીકે રાજીનામુ આપ્યું ન હતું.
ગુજરાતના પક્ષાંતરધારા મુજબ સત્તામંડળના સભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઇ અધિનિયમ-1986ની કલમ(1)(ક) અન્વયે તાત્કાલીક અસરથી કોર્પોરેશનના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે છે.સામાન્ય નિયમ અનુસાર જો કોઇ ચુંટાયેલો સભ્ય ગેરલાયક ઠરે તો તે છ વર્ષ સુધી એકપણ ચૂંટણી લડી શકતો નથી. આમ આદમી પાર્ટી દ્વારા વશરામ સાગઠીયાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહે છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ? જો કે તેઓ શહેરી વિકાસ વિભાગના સચિવના હુકમ સામે ઉચ્ચ અદાલતમાં પણ જઇ શકે છે. વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવાના હુકમથી ખળભળાટ મચી જવા પામ્યો છે.