પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ 3 લાખ કાપડની થેલીનું વિતરણ કરાશે: પરિક્રમા રૂટ પર હોસ્પિટલ એમ્બ્યુલન્સની સુવિધા
ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.4-11-2022ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ લીલી પરિક્રમમાં ભકિતનું ભાથુ બાંધવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનાર ફરતે 36 કી.મી. ની આ પરિક્રમાનું આગવુ ધાર્મિક મહત્વ છે. ત્યારે ભકિતનું ભાથુ બાંધવા આવતા શ્રધ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા માટે જૂનાગઢ વહીવટી તંત્ર, વન વિભાગ સહિતના વિભાગો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આ સાથે વિવિધ સૂચનાઓ અને જાહેરનામા પ્રસિદ્ધ કરવર્યાઆની સાથે ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, તથા વન અને પર્યાવરણની જાળવણી સહિત કેટલીક બાબતોએ તંત્ર દ્વારા પરિક્રમારથીઓને સહયોગ આપવા અપીલ કરી છે.
પરિક્રમા રૂટ પર સરકારી દવાખાના, એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધા
ગિરનાર પરિક્રમાનો રૂટ 36 કિ.મી. જેટલા લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે, ત્યારે પરિકમાર્થીઓને આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર ઝીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે.
ગિરનાર પરિક્રમા દરમિયાન ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાર્થીઓ માટે કાર્યરત રાખવામાં આવશે. ઉપરાંત વન વિભાગ દ્વારા પણ સમગ્ર પરિક્રમાના રૂટ ઉપર 16 જેટલી હંગામી રાવટીઓ ઊભી કરવામાં આવી છે. અહીંયાથી પણ લોકોને જરૂરી પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવે છે.
ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આવેલ પક્રિમાના રસ્તા તથા કેડીઓ, ભવનાથથી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તો, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો , ઝીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી,માલીડાથી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ત્રણ રસ્તાથી બોરદેવી સુધીનો રસ્તો, બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો વન વિભાગ ધ્વારા રસ્તાઓ નિયત કરાયેલ છે. અને તેનો ઉપયોગ કરવા વન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવેલ છે.
પરિક્રમાના સમય પહેલા અને પછીના સમય તથા પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા સરકારી વાહનો તેમજ આ ખાતાની પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઈપણ પ્રકારના વાહનોને જાહેર રસ્તા કે કેડી ઉપર અવરજવર કરવા દેવામાં આવશે નહિ, તે સાથે સેવામાં આવેલ સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્ર, પાણીના પરબ વગેરેને નિયત શરતોને આધીન મંજૂરી આપવામાં આવશે. તે જ સંસ્થાઓ જંગલ વિસ્તારમાં રાઉટી નાંખી શકશે. અને તેમના માટે જ વાહનની મંજૂરી આપવામાં આવશે. તે વાહનોને સામાન ઉતાર્યા બાદ જંગલ ભાગમાંથી બહાર નીકળી જવાનું રહેશે, સેવા આપતી સંસ્થાઓને ફક્ત માલસામાન વાહતુક કરવા પરમિટ આપવામાં આવશે. વાહન સાથે ફક્ત સંસ્થાના ફોટો આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા સ્વયંક સેવકોને જ પ્રવેશ આપવામાં આવશે.
માવા, ગુટકા, બીડી પર પ્રતિબંધ
પરિક્રમા રૂટ પર વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ, રેકડી, સ્ટોલ રાખવાની સખત મનાઈ છે. ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચ ગાનની પ્રવૃત્તિની સંપૂર્ણ મનાઈ છે. પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા રેડિયો,સ્પીકરો વગેરે સાથે લઈ જવાની મનાઈ છે.
પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની થેલી લઈ જવા પર પ્રતિબંધ છે, ત્યારે ગિરનાર જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવા 152 કાર્યકર્તાઓની એક ટીમ 24 કલાક ખડે પગે રહેશે અને પરિક્રમાથીઓ પાસ્થી પ્લાસ્ટિકની થેલી લઈ કાપડની ત્રણ લાખથી વધુ થેલીનું વિતરણ કરાશે.
વન વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ વન્ય સંપ્રદા માટે અતિ જોખમી ગણાય છે, ત્યારે આગામી 4 નવેમ્બરથી શરૂ થતી લીલી પરિક્રમા રૂટ ઉપર જે પરિક્રમાથી પ્લાસ્ટિકની થેલી કે ઝભલા લઈને આવશે તેની થેલી અને ઝભલા લઈને 3 લાખથી વધુ કાપડની થેલીઓ પરિક્રમાથીઓને આપવામાં આવશે.
આ કાર્યમાં રાજુ એન્જિનિયર્સના રાજુભાઈ દોશી દ્વારા લાખોની સંખ્યામાં કાપડની થેલીઓ ફ્રીમાં આપવામાં આવી છે. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના વન મેન આર્મીના સંયોજક કિરીટભાઈ સંઘવી અને પ્રકૃતિ મિત્રની ટીમના તમામ કાર્યકરો જહેમદ ઉઠાવી રહ્યા છે.
વૃધ્ધ-અશકતો માટે ટેન્ટ બનાવાયા
ગિરનારની 36 કિલો મીટર લાંબી પરિક્રમા અતિ કઠિન છે. પરંતુ જ્યાં આસ્થા છે ત્યાં કોઈ દલીલ કામ નથી કરતી, તે મુજબ આ પરિક્રમા દરમિયાન હજારોની સંખ્યામાં યુવક, યુવતીઓની સાથે પાંચ કે છ દાયકા વટાવી ચૂકેલા વૃદ્ધો મોટી સંખ્યામાં પુણ્યનું ભાથું મેળવવા આવે છે ત્યારે આવા કોઈ વૃદ્ધ, અશક્ત ચાલીને થાકી જાય અથવા તેમને કોઈ શારીરિક તકલીફ થાય અને તેમને આરામ કરવાની જરૂરત જણાય તો તંત્ર દ્વારા રૂટ પર આવેલ પોલીસની રાવટીની બાજુમાં ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગાદલા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને બોરદેવી, શ્રવણના કાવડ વિસ્તારમાં આ વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે.
ગિરનારની કપરી પરિક્રમા દરમિયાન કોઈ યાત્રિક પડી જાય, ઘોડી ચડી ન શકે અથવા તો કોઈ શારીરિક અક્ષમતા ઊભી થાય તો, આવા યાત્રિકોને તાત્કાલિક ભવનાથ લઈ આવવા અથવા નજીકમાં શરૂ કરવામાં આવેલ દવાખાના સુધી પહોંચાડવા માટે ડોળીવાળાને ડોળી સાથે તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવ્યા છે, તથા ડોળીવાળા તાકીદના સંજોગોમાં જીના બાવાની મઢી, માળવેલા ઘોડી, અને નળ પાણીની ઘોડીએ પરિક્રમાથીઓની સેવા માટે તૈયાર રહેશે.
પરિક્રમા માર્ગ પર જનરેટર્સથી અજવાળા
વનવિસ્તારમાં સામાન્ય રીતે લાઈટો કે ઝળહળતા પ્રકાશ વન્યજીવો, પ્રાણીઓ અને પ્રકૃતિને નુકસાન કરતા હોય ત્યારે સામાન્ય દિવસોમાં વન વિસ્તારમાં લાઈટની સુવિધા રાખવામાં આવતી નથી. પરંતુ પરિક્રમા દરમિયાન લાખો પરિક્રમાથીઓ આરક્ષિત કરેલ વન વિસ્તારમાં વિચરણ કરી રહ્યા હોય ત્યારે પરિક્રમાથીઓને અંધારાનો સામનો ન કરવો પડે તે માટે વન વિસ્તારમાં અંધારા ઉલેચવા તંત્ર દ્વારા બોરદેવી માળવેલા વિસ્તારમાં જનરેટર ગોઠવી એલઆઇડી લાઇટો લગાડવામાં આવી છે.
એસટી વિભાગની 243 બસ સતત દોડતી રહેશે
આગામી તા. 4 નવેમ્બર થી 8 નવેમ્બર સુધી એસટી વિભાગની 66 મીની બસો અને 178 મોટી બસો પરિક્રમાથી ઓના વહન માટે ખાસ દોડાવવામાં આવશે, જે માટે જૂનાગઢના બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીનું બસનું ભાડું રૂ. 20 તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત એસટી તંત્ર દ્વારા જુનાગઢ થી રાજકોટ, સોમનાથ, સતાધાર, અમરેલી, પોરબંદર, અમદાવાદ, ભાવનગર, મોરબી, સાવરકુંડલા, બગસરા, ધોરાજી, ઉપલેટા, જામનગર, જામજોધપુર સહિતના શહેરો માટે પણ સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તેના માટેનો સ્ટાફ પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યો હોવાનું એસટીના ટીડીઓ પી.પી. ધામાં જણાવી રહ્યા છે.