- ‘સંતોષી નર સદા સુખી’ પણ આજના યુગમાં દેખાદેખીમાં માનવીએ પોતાનું જીવન બરબાદ કર્યુ છે: આજે 99 ટકા લોકોને તેના જીવન પ્રત્યે અસંતોષ જોવા મળે છે: અનંત ઇચ્છાઓની પૂર્તિ કરવા માનવી જીંદગીના અંત સુધી દોડયા જ કરે છે
- જીંદગીની સફર સુહાની જ હોય છે, આપણે જ સુખ સગવડો મેળવવા નષ્ટ કરીએ છીએ: જીવન સુખ દુ:ખ તો આવે ને જાય પણ તેમાં માનવીએ ડગવું ન જોઇએ: નિરોગી શરીર પણ એક શ્રેષ્ઠ સંપત્તિ છે: જીવનને માણતા શીખો
આ પૃથ્વી પર વસતો દરેક નાગરીક પોતાના જીવનમાં વધુને વધુ સુખ મેળવવા સતત દોડધામ કરી રહ્યો છે. 99 ટકા માનવીઓને પોતાના જીવન પરત્વે અસંતોષ છે. જન્મ થયા બાદ બચપણનું જીવન આ બધાથી પર હોવાથી સૌથી સુખી જીવન બાળપણ છે. સમજણ આવ્યા બાદ ને આસપાસનું વાતાવરણને જોતાએ પામવાની ઇચ્છાને કારણે આજનો તરૂણ – કિશોર પણ પોતાના જીવન પ્રત્યે નાખુશ જોવા મળે છે. જીવન તો ચાલવાનું નામ છે આપણે સૌ એ સવારથી સાંજ સુધી ચાલવાનું છે પરિવારનું લાલન પાલન કરવાનું છે. જીવનના પરમ સુખને માણવું હોય તો જરુરીયાત ઓછી કરીને જે છે તેમાં જ આનંદીત જીવન જીવો
આજની ર1મી સદીની ફાસ્ટ જીવન શૈલીમાં માનવી સુખ મેળવવા દોટ મુકે છે. ગજા બહારની દોટની સાથે પોતાના શરીરની પણ પરવાને કરતો નથી છેલ્લે જે મળે છે તેમાં પણ સંતોષ મળતો નથી. બધાને નવી નવી ઇચ્છાઓ જન્મે જ રાખે છે તેથી તેને મેળવવા જે ધમપછાડા કે ગધેડાની જેમ કામ કરે છે તેને જીવન કહેવાય જ નહીં, ‘સંતોષી નર સદા સુખી’ વર્ષો પહેલાની આ કહેવત આજના યુગમાં શબ્દસ: સાચી પડી છે. પહેલાનો માનવી સુખી હતો કારણ કે તેની પાસે જે હતું તેમાં જ સુખી હતો. આજનો માનવી આ મળ્યું ને હવે આ મળી જાય એટલે પણ એ મળ્યા બાદ ફરી નવી આકાંક્ષા જન્મતા ફરી એ જ અધુરપ વાળી જીંદગી લાગવા લાગે છે.
જીવન એક મધુર સંગીત છે, તેનો સાર, સુર કે તેના મેધધનુષી રંગોને માણવા આપણાં જીવનને પણ ‘સંતોષ’ થી રંગવું પડશે. આજના ઇલેકટ્રોનિક યુગમા: તમે ગમતી ગમે તે વસ્તુ ખરીદો તો બીજા-ત્રીજા મહિને નવા સ્વરુપે તેનું અપડેટ વર્ઝન આવી જતાં આજનો યુવાધન તેના ઇલેકટ્રોનિક ગેઝેટ માટે કાયમી અસંતોષી જ રહે છે. જન્મથી મૃત્યુ સુધીની તમામ અવસ્થામાં માનવી જે છે તેમાં સંતોષ માનીને જીવન જીવે તો તે જીંદગી નો સાચો આનંદ માણી શકે છે.
જીવન કેમ જીવવું તે આજે સૌનું શિખવાની જરુર છે. આજના માનવી તો ઓનલાઇન જીંદગી જીવી રહ્યો છે, બાળથી મોટેરા સૌ આજે સામાજીક સંબંધોથી દૂર એક આ ભાષી જીવન જીવી રહ્યો છે. જેમાં તેને સતત વસ્તુની ખામીની અધુરુપે લાગે છે. પરિવારના પ્રેમ-હૂંફ અને લાગણી જેવા શબ્દોને તે ટચ સ્ક્રીનના માઘ્યમ અને સોશિયલ મીડિયાના લાઇક સાથે સરખાવવાની ગંભીર ભૂલ કરી રહ્યો છે. કાળા માથાના માનવીને તમે ગમે તેટલું આપો કે મેળવે છેલ્લે તો તે વધું જ હજી આ ઉણપ છે જે મેળવવા ઝંખના કરતો જ રહે છે.
જીવન જીવવાના, આનંદથી જીવવા કે ગુણવતા સભર જીવન જીવવા માટે એક પઘ્ધતિસરની સમજની જરુર છે. જીવનમાં સંકલ્પનું પણ મહત્વ છે તે કાર્ય કરવામાં પ્રાણ પુરે છે. માનવીને સફળતા મળે તો રાજીને અસફળતા મળે તો દુ:ખી થાય છે. જીવનનો કોઇ ચોકકસ માર્ગ કે લક્ષ્ય દરેકનો નકકી હોવો જોઇએ. આપણું મન ચંચળ હોવાથી નવી નવી ઝંખનાઓ કરતું જ રહે છે.આજે તમે ગમે તે સફળ વ્યકિતને પૂછશો તો તે કહશે કે મારા જીવનમાં આ ખુટે છે. ગમે તેવી મળેલી સફળતા બાદ પણ અસંતોષની લાગણી અનુભવે છે. આજનો માનવી સંતોષને કડવું ફળને અસંતોષને મધુર ગણવા લાગ્યો તેથી જ મુશ્કેલી સર્જાય છે. માણસ વૃઘ્ધ થઇ જાય તો પણ તેની ઇચ્છાઓ તો જુવાન જ હોય છે. આજના યુગનો દરેક માનવી આધિ- વ્યાધિ અને ઉપાધિથી સતત ઘેરાયેલો રહે છે. ગમતી વસ્તુનો ખાલિપો અને મળેલી વસ્તુમાં દુ:ખ જોવા મળે છે. તૃષ્ણા જ અસંતોષની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. જીવનમાં સૌથી મુલ્યવાન મુડી ‘સંતોષ ’ છે જે આજે કોઇનામાં જોવા ન મળતા બધા જ લોકો દુ:ખી જોવા મળે છે. માણસ હાસ્ય પણ ભૂલી ગયો છે.
‘મળેલું ગમતું નથી ને, ગમતું મળતું નથી’
આ નાનકડા વાકયમાં જીવનનો મર્મ સમાયેલો છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ પર્યાવરણમાં ઘરનો જ આરોગ્ય પ્રદ ખોરાક ખાતો માનવી ચાલતો ને મહેનત કરતો તેથી લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકતો હતો. આજ જીવન શૈલીમાં માનવી આનાથી ઉલટું જીવન જીવવા લાગતા તેને જીવ કષ્ટમય લાગે છે. જીવન પણ અંધારા અજવાળા જેવું છે તેથી જ આપણે જીવનનો તડકો છાંયો બોલીએ છીએ. રોજ જીવનને સુખી બનાવવા જોવાતા સપનાઓની પૂર્તિ કરવા માટે માનવી જીવનભર મહેનત કરીને છેલ્લે પોતે પણ ભોગવી શકતો નથી.
રોજીંદા જીવનની ઘટમાળામાં અટવાતો આજનો માનવી તેના જીવનમાં સૂર્યાસ્ત કયારે આવી જાય છે તે પણ તેને ખબર રહેતી નથી. રોજીંદા જીવનમાં જે વિચારો, નિર્ણયો લઇએ છીએ તેને કારણે પણ આપણે હેરાન થતાં હોય છીએ. જીવન જીવવાની જડીબુટ્ટીમાં આપણે વ્યવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવતા શીખવું જ પડશે. આજે પોતાના સંતાનો માટે પણ પિતા પાસે ટાઇમિન નથી હોતો જે તેના સંર્વાગી વિકાસ માટે ઘાતક પૂરવાર થાય છે. ભાગ દોડ વાળી જીંદગીમાં આરામ, ટેકનોલોજીનો ઉપયોગ, કામની પ્રાથમિકતા, વિક્ષેપને દૂર કરો, વીક એન્ડમાં ફરવા જાવ વિગેરે આયોજન થકી તણાવ મુકત રહીને જીવન જીવવું પડે અન્યથા ટ્રેસને કારણે ઘણા રોગો થવાની શકયતાઓ વધી જાય છે.
જીંદગી કે જીવનને પ્રેમ કરતાં શીખો, કારણ કે તે જ તમારું સાચુ જીવન જ છે. બે ટાઇમ ભોજન, સારી ઊંઘને પહેરવા કપડાં સાથે ઘર મળે એટલે બાકી બધુ બહુ જરુરી નથી જીવન માટે કારખાનામાં કામ કરતો મજુર 8 હજાર રૂપિયામાં ભાડાના ઘરમાં રહીને પરિવારનું પાલન કરતો હોય તો આપણે કેમ નહીં? જરૂરિયાત ઓછી ને જે છે તેમાં જીવતાં શીખી લેનાર માનવી કયારે દુ:ખી નથી થતો. મેરા નામ જોકર ફિલ્મના એક ગીત જીના યર્હાં મરના યર્હા, ઇસકે સીવા જાના કર્હામાં જીવનની ફિલસૂફી સમજાવાય છે.
જીવનને ‘મહાજીવન’ બનાવો !!
જીવન એક મધુર સંગીત છે, તેનો સાર, સુર કે તેના મેધ ધનુષી રંગોને માણવા આપણાં જીવનને પણ ‘સંતોષ’ થી રંગવું પડશે. ઇશ્ર્વર તરફથી મળેલા જીવનને મહાજીવન બનાવો.
જીંદગી: એક સફર હે સુહાના……
સંસાર કે જીવન એક નદી જેવું છે, સુખ-દુ:ખ તેના બે કિનારા છે. આપણે સૌ આ વહેતા પાણીમાં કયાં જઇ રહ્યા છે. તે કોઇને ખબર નથી લક્ષ્ય આધારીત જીવન શૈલી માનવીને સક્ષમ બનાવે છે. આજે લોકો મહામુલા જીવનને વેડફી રહ્યા છે. સુખ-દુ:ખમાં પણ સ્થિત યજ્ઞની જેમ ઉભા રહીને મુશ્કેલીનો સામનો કરતો માનવી જ સફળતાના ફળ ચાખે છે. આપણી જીંદગી તો એક સુહાની સફર છે જેમાં કાલે શું થશે તે કોઇને ખબર નથી.
જીવનને પ્રેમ કરો !
આજની દોડધામ વાળી જીંદગીમાં માણસ પોતાને પણ ભૂલી ગયો છે. રાતો રાત પૈસાદાર બનવા માટે ‘સેલ્ફ લવ’ કરવાનું ભૂલી ગયો છે. જીવનમાં સુખ-શાંતિ મેળવવાની સાચી રીતે પોતાને મળેલા જીવનને પ્રેમ કરો આજની ર1મી સદીની ફાસ્ટ જીવનશૈલીમાં માનવી સુખ મેળવવા દોટ મુકી રહ્યો છે. આજે બધે જ ભીડ જોવા મળી રહી છે ત્યારે સાચા સુખ-શાંતિ મેળવવાના રસ્તે કોઇ એકલ-દોકલ માનવી ચાલતો જોવા મળી રહ્યો છે.