સામાજીક, રાજકીય કાર્યક્રમો રદ, શોકમગ્ન વાતાવરણમાં મૃતકોને અંજલી
અબતક,રાજકોટ
મોરબી ઝુલતા પુલની કરૂણાંતીકા અને 141થી વધુ મૃતકોને સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને વિશ્ર્વભરમાંથી અંજલીઓ આપવામાંઆવી રહી છે. દુનીયાભરનાં મહાનુભાવોએ મોરબી દુર્ઘટના અંગે સાત્વના આપી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તમામ કાર્યક્રમો મોકુફ રાખી જીવાત્માઓને અંજલી અને પરિવારો પર તુટી પડેલા દુ:ખના ડુંગર સાંત્વનાઓના ઘોડાપુર ઉમટી રહ્યા છે.
અમરેલી
અમરેલીમાં જુના માર્કેટયાર્ડ થી રાજકમલ ચોક સુધી આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં ઝુલતા પુલ તૂટવાથી થયેલ ભયંકર દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોને મૌન કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી મૃતકોના પરિવારને ભગવાન આં દુ:ખ ને સહન કરવાની શક્તિ આપે એવી રાર્થના કરાઇ. મોરબી માથે આવેલ આફતમાં જોઈએ તો 1979 માં થયેલ મચ્છુ ડેમ તૂટવાથી ભયંકર દુર્ઘટના સર્જાઇ હતી અને સેંકડો લોકો માર્યા ગયા હતા પછી 2001 માં થયેલ ભુકંપ માં પણ મોરબી ઉપર અણધારી આફત આવી હતી અને મોરબી શહેરને તબાહ કરી નાખ્યું હતું અને ગતરોજ સાંજે થયેલ આ દુર્ઘટનામાં તો દિવાળીના તહેવારોની રજા હોવાથી બહારથી ફરવા આવેલ અને આ ઝૂલતા પુલ ની મજા માણવા આવેલા લોકો પણ બાળકો સહિત દુર્ઘટનાનો ભોગ બન્યા જેમાં અનેક પરિવારો નોંધારા બન્યા છે અને અનેક પરિવારોના લોકો ઘાયલ થયા છે તો આ તમામ લોકોને દિવંગતોને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ થયેલા લોકોને ભગવાન જલ્દી સાજા કરે એવી પ્રાર્થના સાથે અમરેલીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા મૌન કેન્ડલ માર્ચ અમરેલીના રાજમાર્ગ તેમજ રાજકમલ ચોકમાં કરી હતી.
પ્રથમ ગૃહમંત્રી, રાષ્ટ્રની અખંડિતતા અને એકતાના હિમાયતી તથા લોખંડી પુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ઉપલક્ષમાં પ્રતિ વર્ષ ’એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ’રાષ્ટ્રીય એકતા દોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશના પ્રસાર માટે યોજાતી ’એકતા દોડ’ ની પૂર્વે મૌન પાળીને, રવિવારે રાજ્યના મોરબીમાં થયેલી દુર્ઘટનામાં અવસાન પામનારા હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દોડમાં સહભાગી થયેલા જિલ્લાના અધિકારીઓ પોલીસકર્મીઓ, કર્મચારીઓ, નાગરિકો સહિત તમામે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા એકતા દોડને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હીમકર સિંઘે પ્રસ્થાન કરાવ્યુ હતુ. અમરેલી જિલ્લા પોલીસ પરેડ મેદાનથી પ્રસ્થાન થતાં નગરના રાજકલમ ચોક થઈ ફરી પોલીસ પરેડ મેદાન પર ’એકતા દોડ’નું સમાપન થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, અમરેલીના નાગરિકો સહભાગી થયા હતા.
ધારાસભ્ય ઠુંમર
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી બાળકો/મહિલાઓ/પુરુષોના મોત થયા. પાણીની અંદર છેલ્લા શ્વાસ માટે આ પીડિતો કેટલાં મૂંઝાયા હશે; કેટલાં વલખા માર્યા હશે; તે વિચારમાત્રથી ધ્રૂજી જવાય છે ! પરંતુ ભ્રષ્ટતંત્રને કશોય ફેર પડતો નથી ! આ પુલના સમારકામ બાદ પાંચમાં દિવસે આ ગોજારી ઘટના બની ! મોરબી નગરપાલિકાએ 5 માર્ચ-2022ના રોજ કરારના આધારે ઘછઊટઅ કંપનીને 15 વર્ષ માટે ઝૂલતો પુલ સોંપ્યો હતો. કરાર મુજબ, વર્ષ 2022-23 દરમિયાન 12 વર્ષથી ઉપરના દરેક મુલાકાતી માટે રુપિયા 15 અને નાના બાળકો માટે રુપિયા 10 વસૂલવાના હતા, પરંતુ ઓરેવા કંપનીએ પહેલા દિવસથી જ મોટી વ્યક્તિના રુપિયા 17 અને નાના બાળકોના રુપિયા 12 ઉઘરાવ્યા હતા ! આ પુલ એ કંપનીએ ખરીદી લીધો હોય તે રીતે પુલ ઉપરથી કે ટીકીટમાંથી નગરપાલિકાનું નામ કાઢી નાંખ્યું હતું ! વળી આ પુલ વડીલોપાર્જિત મિલકત હોય તે રીતે જે કંપની એ 26 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતા પુલનું ઉદઘાટન કર્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ યોજીને પુલની મજબૂતાઇની વાહવાહી કરી હતી ! આ કંપનીએ કેટલો ખર્ચો કર્યો છે અને ક્યાં-ક્યાંથી મટીરિયલ લીધું, તેની મોટી-મોટી વાતો કરી હતી ! પરંતુ પાંચ દિવસમાં જ આ કંપનીની નબળી કામગીરીની પોલ ખૂલી ગઈ ! ઉદઘાટન સમારોહમાં નગરપાલિકાના કોઈ સભ્ય કે અધિકારી હાજર ન હતા ! આ દુર્ઘટના સંદર્ભે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જવાબદારો સામે IPC કલમ-304 (સાપરાધ મનુષ્ય વધ, સજા આજીવન કેદ), 308 (સાપરાધ મનુષ્ય વધનો પ્રયાસ, સજા સાત વરસની કેદ), 114 (ગુના સમયે હાજરી, સજા ગુના મુજબ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ ઝૂલતા પુલ ઉપર અને ટીકીટમાં જે નામ છે તે કંપનીનું નામ FIR માંથી ગાયબ છે ! જો તમે ઉદ્યોગપતિ હો તો પોલીસ/સરકાર તમારું નામ FIRમાં ન આવે તેની અતિ સંવેદનશીલ કાળજી લે છે !
માણાવદર
ગત દિવસે વંથલી તાલુકાના સાંતલપુરમાં સરદાર પટેલ ચોક ખાતે સરદાર યુવા મંડળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની147 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપંચ વીપુલ ભાઈ કાપડિયા.સહકારી મંડળી ના મંત્રી નાગજીભાઈ પેથાણી.એડવોકેટ નરેન્દ્રભાઇ મોણપરા. ઉપસ્થિત રહ્યા હતા ભરત મોણપરા એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જ મોરબીમાં આવેલ ઝુલતોપુલ તૂટવાના હચમચાવનાર સમાચાર ખૂબ જ દુ:ખદાઈ છે લોકો બ્રિજ પર મજા માણવા ગયા હતા અને આ અવસર દુર્ઘટનામાં પલટી ગયો હતો. તમામ મૃતક આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને મૃતકોના પરિવારજનો પર આવી પડેલી આ અણધારી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણીએ પ્રાર્થના કરી છે
મોરબી
મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા ને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનો ને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.સદ્ગત નાં આત્મા ના શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.3-11-2022 ના રોજ સાંજે 5 થી 6 દરમિયાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવા માં આવેલ છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે 4 થી 6 દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.
એસ.જી.વી.પી.
ગુજરાતના મોરબી શહેરમાં તારીખ 30 ઓક્ટોબરના રોજ ગોજારી હોનારત સર્જાઈ. આ દુર્ઘટનાથી સમગ્ર વિશ્વમાં વસતા લોકોના હૈયા હચમચી ગયા છે. ઝૂલતા પુલના ટૂટવાથી ખૂબ મોટી સંખ્યામાં બાળકો તથા સ્ત્રી-પુરુષોના જીવ ગયા છે. હાલમાં SGVP ગુરુકુલ પરિવાર અમદાવાદના સંતો-ભક્તોની સત્સંગસાધના શિબિર ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતન આશ્રમમાં ચાલી રહી છે ત્યારે મા ગંગાના પાવન કિનારે મોરબી હોનારતમાં દિવંગત આત્માઓની શાંતિ માટે તથા એમના કુટુંબીઓને ધીરજ મળે એવી હેતુથી પ્રાર્થના કરવામાં આવી.ભાગીરથી ગંગાના કિનારે સાયં આરતી પ્રસંગે પરમાર્થ નિકેત આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય ચિદાનંદજી (મુનિજી) મહારાજ, જૠટઙ ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજી, પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ખૂબ મોટી સંખ્યામાં સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાનના નામની ધૂન,પ્રાર્થના તથા મૌન પાળીને સહુએ ભીની આંખે અને રડતા હૃદયે સહુ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
રાજુલા
રાજુલામાં મોરબી ખાતે જુલતા પુલ તુટવા ની બનેલી ગમખ્વાર દુર્ઘટના મૃત્યુ પામેલા લોકો ને ભાવ પુર્ણ શ્રદ્ધાંજલિ આપવા નો કાર્યક્ર્મ કોંગ્રેસ પક્ષ દ્વારા સાંજે ના સાડા પાંચ કલાકે માર્કેટિંગ યાર્ડ ચોક શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો બીજી બાજુ ભાજપ પક્ષ દ્વારા રાજુલા શહેર ના આંબેડકર સર્કલ પાસે 6:30 મિનિટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવા મા આવેલો હતો મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને બંને પક્ષો દ્વારા કેન્ડલ પ્રગટાવી અને બે મિનિટનું મૌન પાળી ને બંને પક્ષો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વાંકાનેર
મોરબી ખાતે ઝુલતો પુલ તુટવાની ઘટના બની જેમાં નાના બાળકો, બહેનો, પુરૂષો સહીત અનેક લોકોના મૃત્ય નિપજયા હતા જેકાળજુ કંપાવી દીયે તેવી દુર્ધટનાના દિગવંતોને સમસ્ત હિન્દુ સમાજના અગ્રણી આગેવાનો દ્વારા જીતુભાઇ સોમાણીની આગેવાની હેઠળ માર્કેટ ચોક ખાતે આવેલ શ્રી રામ કોમ્પ્લેકસ ખાતે શ્રઘ્ધાંજલી સભા યોજાઇ હતી. લોહાણા અગ્રણી વિનુભાઇ કટારીયા દ્વારા તમામ મૃતકોને શ્રઘ્ધાંજલી અર્પણ કરી બે મીનીટ મૌન ધારણ કરી સાચા હદયથી શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે લોહાણા મહા પરિષદ અમદાવાદ તથા વાંકાનેર લોહાણા મહાજન એ પણ ઉંડા દુ:ખની લાગણી અનુભવી હતી.
જામજોધપુર
મોરબી દુર્ધટનાને કારણે જામજોધપુર જલારામ મંદિરે જલારામ જયંતિના શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો રદ કરી સાદાઇથી મહાઆરતીમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા, સંજયભાઇ રાણીંગા લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ વિવિધ સમાજના ધર્મ પ્રેમી ભાઇ બહેનો ઉ5સ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા અને આગેવાનોએ મહાઆરતી બાદ મોરબી દુર્ધટનામાં મૃત પામેલને આત્માની શાંતિ અર્થે મીણબતી પ્રગટાવી શ્રઘ્ધાંજલી અર્પણ કરાઇ હતી.
ગારીયાધાર
ભાવનગરના ગારીયાધારમાં. રાત્રે મોરબી ખાતે જે બ્રિજ ની જે ઘટના બની મૃત્યુ પામ્યા છે તેની આત્મા ને શાંતિ માટે એક મૌન રેલી કરવામાં આવી હતીગારીયાધાર ભામાશા એવા સુધીરભાઈ વાઘાણી દ્વારા કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન તે લોકોને આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતીમોરબી ખાતે બ્રિજની જે ઘટના બની છે તેમાં સૌ કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે તેને લઈ ને આમ આદમી પાર્ટી અગ્રણીઓ દ્વારા મૌન રેલી કેન્ડલ માર્ચ નું આયોજન કરવા માં આવ્યું તું આમ આદમી પાર્ટી વાળા રેલીમાં કહેવામાં આવ્યું કે દોશીતોને કડકમાંથી કડક સજા પણ થાય તેવી લોકોની માંગ છે.
ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણી એ જણાવાતા કહયું હતું કે પ્રથમ તો મોરબી ની મચ્છુ નદીમાં આવેલા ઝુલતા પુલ ની ગોઝારી દુર્ધટનાથી મચ્છુનો પટ મરણચીસોથી ગાજી ઉઠયો હતો. ત્યારે જીવ ગુમાવનાર 143 કરતા પણ વધુ સ્વજનો તેમજ ઇજાગ્રસ્ત નાગરીકોને જોઇને તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. અને ફરવા આવેલા લોકો મોતના ખપ્પરમાં હોમાઇ જતા હાહાકાર મચ્યો છે અને એક જ પરિવારના અનેક લોકોના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. અને સમગ્ર ગુજરાત અને દેશ જયારે શોકમાં ડુબ્યુ છે ત્યારે તેમના પરિવારજનો પ્રત્યે ઉંડા દુ:ખની લાગણી તેમજ સંવેદના વ્યકત કરું છું.
જૂનાગઢના સંતો
જૂનાગઢના સાધુ સંતોએ મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટનાના પગલે સર્જાયેલા દુર્ઘટનામાં દિવંગત થયેલ આત્માઓને શોકાંજલિ અર્પી છે તે સાથે દોષિતોને કડક સજા થાય તેવી માંગ પણ કરી છે.જૂનાગઢના અંબાજી મંદિરના મહંતતનસુખગીરી બાપુએ જગતજનની માં અંબા અને ગુરુદત્ત મહારાજ સમક્ષ મૃતકોના આત્માને શાંતિ આપવા પ્રાર્થના કરી હતી, તે સાથે તેમણે સરકારે સમક્ષ દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરી છે.આ સાથે જૂનાગઢના ઉપલા દાતારના મહંત ભીમ બાપુ એ પણ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી, મૃતકોને શોકાંજલી અર્પિત કરી હતી. તો રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ શોકની લાગણી વ્યક્ત કરી, ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી હતી કે, મૃત્યુકોને પોતાના શરણમાં સ્થાન આપે અને ઇજાગ્રસ્તો જલ્દી સારા થાય.