વિદેશોમાં બાળકોને પાયાથી જ ઘણી સમજ કેળવીને શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરાય છે: સમર અને વીન્ટરના વેકેશનનો બાળકોના સંર્વાગી વિકાસ માટે શ્રેષ્ઠ ઉ5યોગ કરાય છે
કે.જી. સિસ્ટમથી બાળકોમાં ઘણી સ્કીલ ડેવલપ કરીને તેને પોતાની સંભાળ સાથે વસ્તુઓની જાળવણી અને શિસ્ત-સ્વચ્છતા જેવા ઘણા પાઠો શિખડાવાય છે
આપણી શાળાઓ માત્ર પુસ્તક, ગુણ, ટેસ્ટ આધારીત જ શિક્ષણ કાર્ય કરાવતા હોવાથી પાયાથી જ બાળકોનો અધકચરો વિકાસ થાય છે: ઇત્તર પ્રવૃત્તિ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું મહત્વ સૌએ સમજવાની જરૂર છે
આપણાં દેશમાં વસ્તી વધારાને કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે. આજે ભૌતિક સુવિધા સંપન્ન દેશોમાં નાગરીકોને તમામ સુવિધા મળવા પાછળનું કારણ ઓછી વસ્તી સાથે શિક્ષણનો શ્રેષ્ઠ વ્યાપ અને સમજ છે. દેશની પ્રગતિ તેના શિક્ષણના માપદંડથી નક્કી થઇ શકે છે. વિદેશોમાં પ્રાથમિક શિક્ષણ (પાયાના)ને ખૂબ જ મહત્વ અપાય છે, તેને કારણે જ બાળકોનો સંર્વાગી વિકાસ થાય છે. આપણી અને વિદેશોની શિક્ષણ પધ્ધતીમાં ઘણો ફરક છે. આપણે વર્ષભેર માત્ર પુસ્તકીયા જ્ઞાન આધારિત ગુણાંકને જ મૂલ્યાંકન ગણતા હોવાથી અન્ય બાકી તમામ વસ્તુઓમાં વિદ્યાર્થી કાચો રહી જાય છે. અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સીસ્ટમ સૌથી વધુ શ્રેષ્ઠ હોવી જોઇએ જે આપણે ત્યાં જોવા મળતી જ નથી. અનક્વોલીફાઇડ સ્ટાફ ભણાવતો હોવાથી તમે શું આશા પણ રાખી શકો !!
બાલમંદિર ભણતું વિદેશી બાળક પોતાના સમયે ઉઠીને સ્કુલબેગ તૈયાર કરીને જાતે જ રેડી થઇ જાય છે. તેને શાળામાં પણ તેના ઓવરકોટ, સુઝ વિગેરે યોગ્ય જગ્યાએ રાખવાની ટેવ સાથે શિસ્ત, સ્વચ્છતાના પાઠો બાળપણથી જ અપાતા હોવાથી તે શ્રેષ્ઠ નાગરીક બને છે. શિક્ષણ સિવાયની ઘણી મહત્વની બાબત તેને પ્રારંભિક બાળાશિક્ષા અભ્યાસક્રમમાં અપાતી હોય છે. નાના ભૂલકાને માત્ર શ્રવણ-કથન ઉપર જ ભાર મૂકતા હોવાથી તેનામાં સમજદારી વિશેષ કેળવાય છે. સમર અને વિન્ટરના વેકેશનનો સદ્ઉપયોગ પણ શ્રેષ્ઠ રીતે કરાય છે. દુનિયાના લગભગ બધા મોટા દેશોમાં તેની શિક્ષણ વ્યવસ્થા બેસ્ટ હોવાથી બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે. ફિનલેન્ડ જેવા દેશોની શિક્ષણ વ્યવસ્થાની સરાહના આખી દુનિયા કરી રહી છે.
વિદેશોમાં ઇત્તર પ્રવૃત્તિ સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિને વિશેષ પ્રાધાન્ય અપાતું હોવાથી બાળકોનો શિક્ષણ સાથે તેના રસના વિષયો જેમકે સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ વિગેરેમાં રસ-રૂચી વધતાં તેમા તેને આગળ વધવા માર્ગદર્શન અને પ્રશિક્ષણ અપાય છે. આપણાં વિદ્યાર્થીઓ યુ.કે., ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુ.એસ. જેવા દેશોમાં ભણવા એટલે જ જાય છે, એકવાર થોડો ખર્ચ થાય પણ જીંદગી બની જાય છે. આપણે પણ આ બધુ થઇ શકે પણ આપણા દેશમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઇ જતાં કોઇને બાળ સંર્વાગી વિકાસ કે ચાઇલ્ડ સાયકોલોજી જેવી વસ્તુની અગત્યતા સમજાતી નથી, પરિણામે લાખો વિદ્યાર્થીના કારકીર્દી બગડે છે. ઘણા દેશોમાં પ્રાયમરી ટીચરને સૌથી વધુ માન-પાન અપાય છે એનું કારણ એ જ તેનાં દેશના શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરે છે.
આપણે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવી પડે છે ત્યારે વિદેશોમાં ટબુકડું બાળક પણ કચરો ડસ્ટબીનમાં નાંખતો જોવા મળે છે. બસમાં એકલું આવજાવ કરવું, ટ્રાફિકના નિયમ પાળવા, લાઇનમાં ઉભા રહેવું, ધીમેથી બોલવું જેવા ઘણા ગુણો તેને પાયાના શિક્ષણમાં જ મળી જાય છે. ઘરનું કે બહારનું વાતાવરણ બાળક સતત જોતો હોવાથી તે આપોઆપ સારી ટેવોનું અનુકરણ કરતો થઇ જાય છે અને તે પેઢી દર પેઢી ચાલુ રહેવાથી ત્યાંના નાગરીકોમાં આપણા કરતાં ઘણી સારી ટેવો જોવા મળે છે.
આજની આપની શિક્ષણ પધ્ધતિમાં ભણતરની સાથે ગણતર અને ઘડતર ન હોવાથી સાથોસાથ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ કે ડીગ્રી મેળવ્યા બાદ રોજગારીની તકો ઓછી હોવાથી પણ ઘણા યુવાવર્ગ ટ્રેસ સાથે જીવી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ-2020 આવતા વર્ષથી લાગુ પડ્યા બાદ સ્કીલબેઝને વધુ મહત્વ આપતી હોવાથી ઘણી આશાઓ છે. આપણા દેશોમાં વિદેશો કરતાં શિક્ષણ ઘણું મોઘું છે તો 6 થી 14 વર્ષનાને મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ મફ્ત જોગવાઇ બંધારણમાં હોવા છતાં 10 થી 20 ટકા ભણતાં જ નથી કે થોડા શિક્ષણ બાદ ઉઠી જવા કે ડ્રોપઆઉટની સમસ્યા છે. આપણે સૌ પ્રથમ તો શાળામાં એવું વાતાવરણ નિર્માણ કરવું પડશે જેમાં બાળકને આવવું, બેસવું, ભણવુંને રમવું ગમે.
વિદેશોની જેમ આપણે પણ ઇન્ફરમેશન ટેકનોલોજીના શિક્ષણ યુગમાં ભણી રહ્યા છીએ પણ ત્યાંની અને આપણી વ્યવસ્થા અને નાગરીકોની સમજમાં ઘણો ફરક જોવા મળે છે. મા-બાપ ભણેલા હોય તોજ તેના સહારે હવે ગરીબ મા-બાપના સંતાનો પણ આગળ વધી રહ્યા છે, પણ હજી આપણે પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ યોજવા પડે છે. આજના આપણાં મોટા ધોરણના બાળકોને લખતા-વાંચતા નથી આવડતું જે એટલું જ નગ્ન સત્ય છે.
આપણે પુસ્તકીયા જ્ઞાનની પરીક્ષા લઇને માર્ક આધારીત શિક્ષણ વ્યવસ્થાને આધારે બાળકનું મૂલ્યાંકન કરીએ છીએ પણ તેમનામાં રહેલી વિવિધ ટેલેન્ટ, રૂચિને ક્યારેય ધ્યાને લેતા નથી. આજે બધા જ યુવાવર્ગ ભણવા લાગ્યા છે ત્યારે આગામી પાંચ વર્ષ બાદ બધા ડીગ્રી સાથે બહાર આવશે ત્યારે આપણાં દેશનો પણ સિતારો હશે જ એ બેમત છે. દરેક મા-બાપે પણ બાળકનાં સંર્વાગી વિકાસના કાર્યને અગ્રતા આપવી જરૂરી છે તો શાળાના શિક્ષકે પણ તેના વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને સતત તેને પ્રોત્સાહીત જીવનમૂલ્ય શિક્ષણ આજના યુગની તાતી જરૂરિયાત છે.
આપણાં દેશના ભાવી નાગરીકોને શ્રેષ્ઠ વાતાવરણ સાથે હરિયાળું પર્યાવરણ મળે તે માટે સમાજના દરેક નાગરીકે સતત કાર્ય કરવું જ પડશે. સરકારી કે ખાનગી શાળાએ બન્નેનો એક જ ગોલ હોય કે બાળકોનો શ્રેષ્ષ્ઠ વિકાસ કેમ થઇ શકે. દેખાદેખીમાં ખાનગી શિક્ષણ તરફ મા-બાપનો જુકાવ વધ્યો છે ત્યારે સરકારી શાળાએ પણ કંઇક નોંખુ કંઇક અનોખું કરીને વાલીઓનો વિશ્વાસ જીતવો જ પડશે.
ઓછા માર્ક આવે તો ચાલશે પણ, જીવન કૌશલ્યોનો વિકાસ થવો જરૂરી
આપણી શિક્ષણ પધ્ધતિ માર્ક આધારીત હોવાથી બધાને કેટલા ટકા કે પી.આર. આવ્યા તેમાં જ રસ છે, પણ આ ખોટું છે ખરેખર તો ઓછા માર્ક આવે તો ચાલશે પણ જીવન કૌશલ્યોનો વિકાસ થવો જરૂરી છે. બાળપણથી જ બાળકને પાયાનું શિક્ષણ મળવું જરૂરી છે. એ માટે શાળાનું વાતાવરણ બાળકને ગમે તેવું બનાવવું સૌથી જરૂરી છે. વિદેશોની ઘણી સારી એજ્યુકેશન સીસ્ટમ આપણાં પર્યાવરણ મુજબ અમલ કરવાની તાતી જરૂરિયાત છે. દરેક શિક્ષણ ચાઇલ્ડ સાયકોલોજીનો ઊંડો અભ્યાસી હોવો જરૂરી છે. મૂલ્ય શિક્ષણ સાથે સુટેવો અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન શાળાના પ્રારંભકાળથી છાત્રોને મળે એવી વ્યવસ્થા હોવી જોઇએ. શિક્ષણના ખાનગીકરણ કે વ્યાપારીકરણને કારણે ઘણી મુશ્કેલી ઉભી થઇ છે પણ એ પૈકી સરળ વ્યવસ્થા ઉભી કરીને શ્રેષ્ઠ નાગરીક ઘડતરનું ઉત્તમ કાર્ય સૌના સહિયારા પ્રયાસોથી શક્ય બનશે. રસ, રૂચિ, વલણો શિક્ષણમાં વિવિધ ટેકનિકના ઉપયોગથી બાળક ઝડપથી શિખે અને જાતે સ્વ.અધ્યયન કરતો થાય તેવી વ્યવસ્થા ઉભી થવી જોઇએ.