સમાજપયોગી 18 સેવા પ્રોજેક્ટ શરૂ કરાશે: સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંગઠન ચેરમેન મનિષ ચાંગેલાએ આપી વિસ્તૃત માહિતી
રાજકોટમાં કડવા પાટીદારના 38 હજારથી વધુ ઘર હોવા છતાં કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું કોઇ મંદિર નહી હોવાની ઉણપ હવે ગણતરીના વર્ષોમાં પૂરી થઇ જશે. રાજકોટમાં વસતા કડવા પાટીદાર પરિવારોનું નૂતનવર્ષને અનુલક્ષીને યોજાયેલા વિશાળ સ્નેહમિલનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
મંદિર નિર્માણ માટે રચાયેલા ટ્રસ્ટ ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ (ઉમિયાધામ રાજકોટ) તેમજ ભગિની સંસ્થા પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) અને પટેલ પ્રગતિ મંડળ રાજકોટ (ફિલ્ડ માર્શલ વાડી)ના સંગઠન ચેરમેન મનીષભાઇ ચાંગેલાએ સ્નેહમિલનમાં ઉ5સ્થિત વિશાળ પરિવારજનોને સંબોધતા જણાવ્યું હતું કે કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના થઇ ગઇ છે તેમજ આ માટે નવા રીંગ રોડ પર ન્યારી નદીના કાંઠે વિશાળ જમીન પણ ટ્રસ્ટે ખરીદી લીધી છે. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં કડવા પાટીદાર પરિવારોની સંખ્યા વર્ષો વર્ષ વધતી રહે છે. હાલ રાજકોટમાં 38 હજારથી વધુ કડવા પાટીદાર પરિવાર વસે છે અને નજીકના વર્ષોમાં તે સંખ્યા 50 હજાર પરિવાર થઇ જશે.
આટલી મોટી સંખ્યામાં જ્યાં કડવા પાટીદાર પરિવાર વસતો હોઇ ત્યાંજ કુળદેવીનું મંદિર ન હોઇ તે ઉણપ ઘણા વખતથી સમાજના વડિલોને જણાતી હતી. સમાજના વડિલો હમેંશા કૂળદેવી ‘માં ઉમિયા’ તરફથી સમાજની અતૂટ અને નિષ્કામ શ્રદ્વાની બુનિયાદ પર સમાજ વિકાસના કાર્યોને જ પ્રાધાન્ય આપતા આવ્યા છે અને એટલે જ કૂળદેવી માં ઉમિયાના ઊંઝા મંદિર, સિદસર મંદિર અને ગાંઠીલા મંદિરના માધ્યમથી સમાજસેવાના નમુનારૂપ કાર્યો શક્ય બન્યા છે.
મનીષભાઇ ચાંગેલાએ જણાવ્યું હતું કે રાજકોટમાં બનનારૂં કૂળદેવી માં ઉમિયાનું મંદિર રાજકોટની ઓળખ બની રહે તેટલું ભવ્ય અને દિવ્ય બનાવવાની પૂર્વ તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. આ મંદિર એટલું દિવ્ય બનશે કે વિભિન્ન સમાજના લોકો માટે પણ તીર્થ સ્થાન બની રહેશે તેવી પણ તેમણે શ્રદ્વા વ્યક્ત કરી હતી. મંદિર નિર્માણ માટે કુલ રૂપિયા 13 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મંદિરનું નિર્માણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્વતિથી થશે અને તેમાં વાપરનારા પત્થરની પસંદગી પણ એ શર્તે થશે કે આ મંદિર પણ ચિરકાલીન બની રહે.
તેમણે ઉમેર્યું હતું કે કડવા પાટીદારોની પરંપરા અનુસાર રાજકોટમાં નિર્માણ પામનાર મંદિર પણ માં ઉમિયાના સંતાનો માટે શ્રદ્વા અને ઉર્જાનું કેન્દ્ર તો બનશે જ પણ આ શ્રદ્વા અને ઉર્જાની બુનિયાદ પર ઉભી થનારી સમાજની એકતાના આધારે સમાજ વિકાસના અનેક કામો પણ હાથ ધરાશે. આ અંગે વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, મંદિરના માધ્યમથી કુળદેવી માં ઉમિયાના સાનિધ્યમાં સમાજપયોગી વિભિન્ન 18 એવા પ્રોજેક્ટ શરૂ થશે. આ તમામ પ્રોજેક્ટને પણ માં ઉમિયાના નામ સાથે સાંકળવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કેન્દ્ર, સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, કૃષિ વિકાસ અને માર્ગદર્શન કેન્દ્ર જેવા 18 પ્રોજેક્ટ દ્વારા સમાજ વિકાસને એક નવી દિશા અને ગતિ સાંપડશે.
ઉપસ્થિત સમુદાયને નુતનવર્ષની ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) અને સમસ્ત ટ્રસ્ટીઓ વતી શુભકામના પાઠવતા રમેશભાઇ ઘોડાસરાએ જણાવ્યું હતું કે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિર નિર્માણનો સંકલ્પ સૌ પરિવારજનોના તન-મન-ધનથી સહયોગ દ્વારા સાકાર થશે ત્યારે સમાજ વિકાસ અને સર્વના વિકાસનો એક નવો પ્રેરણારૂપ ઇતિહાસ આલેખાશે. આ ઇતિહાસનો પાયો આજે નુતનવર્ષે નંખાયો છે. આ સ્નેહમિલનમાં ટ્રસ્ટીઓ અરવિંદભાઇ પટેલ, કિશોરભાઇ ઘોડાસરા, જમનભાઇ ભલાણી, નાથાભાઇ કાલરિયા, પ્રભુદાસભાઇ કણસાગરા, અમુભાઇ ડઢાણીયા, હરીભાઇ કણસાગરા, મગનભાઇ ધીંગાણી, મનસુખભાઇ પાણ, મનીષભાઇ ચાંગેલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કારોબારી સભ્યો સર્વ કાંતિભાઇ મકાતી, સંજયભાઇ કનેરિયા, જગદીશભાઇ પરસાણિયા, પરસોત્તમભાઇ ડઢાણિયા, વસંતભાઇ ભાલોડિયા, રમેશભાઇ ઘોડાસરા, મગનભાઇ વાછાણી, ચેતનભાઇ રાછડિયાની પણ વિશેષ હાજર રહ્યા હતાં. સમગ્ર સ્નેહમિલનની વ્યવસ્થા યુવા સંગઠનના સર્વે ડેનીશભાઇ કાલરિયા, વિજયભાઇ ગોધાણી, પ્રફુલભાઇ સાપરિયા, નરેન્દ્રભાઇ ડઢાણિયા, નીલેશભાઇ સાપરિયા, અરવિંદભાઇ અઘેરા, આર.બી.લાડાણી, જયેશભાઇ ત્રાંબડિયા, રસિકભાઇ ચિકાણી, ચંદ્રેશભાઇ અઘેરા, પ્રવીણભાઇ મણવર, જેનીશભાઇ ઘેટિયા, જયદીપભાઇ ઠોરીયા, જે.બી.માકડિયા, હરેશભાઇ પાડલીયા, વિનુભાઇ લાલકીયાએ સુંદર રીતે સંભાળી હતી.