બોરિસ જોન્સન પીએમ પદની રેસમાંથી હટી ગયા: મૂળ ભારતીય ઉમેદવાર ઋષિના સમર્થનમાં અંદાજે 150 જેટલા સાંસદો
અબતક, નવી દિલ્હી
બ્રિટનમાં વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામા બાદ હવે નવા પીએમની પસંદગી થવાની છે. આ રેસમાં ભારતીય ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે ટક્કર થવાની આશા હતી. પરંતુ બોરિસ જોન્સને આ રેસથી પોતાને દૂર કરી લીધા છે. આ પછી હવે ઋષિ સુનકને બ્રિટનના આગામી વડાપ્રધાન માનવામાં આવે છે. બોરિસ જોન્સને કહ્યું કે મારી પાસે આપવા માટે ઘણું છે, પરંતુ આ યોગ્ય સમય નથી. લગભગ 150 સાંસદો ખુલ્લેઆમ ઋષિ સુનકને સમર્થન આપે છે, જ્યારે બોરિસના સમર્થનમાં માત્ર 60 સાંસદો છે. વડા પ્રધાન લિઝ ટ્રુસની તેમની નબળી અર્થવ્યવસ્થા માટે ટીકા થઈ હતી, જેના પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
નિયમો અનુસાર, જો કોઈ ઉમેદવારને ક્ધઝર્વેટિવ પાર્ટીના 100 સાંસદોનું સમર્થન મળે છે, તો તેને આજે વડા પ્રધાન તરીકે નોમિનેટ કરવામાં આવશે. જો બે ઉમેદવારોને 100 સાંસદોનું સમર્થન મળે છે તો પાર્ટીમાં તેમની વચ્ચે જંગ જામશે.
ઋષિ સુનકે બોરિસ જ્હોન્સનના ઉમેદવારીમાંથી પાછા ખેંચવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઋષિએ લખ્યું, ’બોરિસ જોન્સને બ્રેક્ઝિટ અને વેક્સીન આપી. અમે અત્યાર સુધીના સૌથી મુશ્કેલ પડકારોમાંથી દેશનું નેતૃત્વ કર્યું અને પછી યુક્રેનમાં પુતિન અને તેના બર્બર યુદ્ધનો સામનો કર્યો. અમે તેમના હંમેશ માટે આભારી રહીશું. તેણે આગળ લખ્યું, ’જોકે, તેણે ફરીથી પીએમ માટે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે. મને આશા છે કે તેઓ દેશ-વિદેશમાં જાહેર જીવનમાં યોગદાન આપતા રહેશે.