ધન તેરસ અને દિવાળી ની વચ્ચે નો દિવસ એટલે કાળી ચૌદશ. આ દિવસ માં કાલીને સમર્પિત હોય છે. કાળી ચૌદશના દિવસે માં કાલી ની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે છે. બંગાળમાં કાળી ચૌદશના દિવસ ને માં કાલી નાં જન્મદિવસ તરીકે ઉજવાય છે.
કાળી ચૌદશની રાત્રીએ માં કાલી ની ઉપાસના કરીને ભક્તો, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાના આશીર્વાદ મેળવે છે. જે સાધકો તંત્ર સાધના કરતા હોય તેઓ કાળી ચૌદશના દિવસે માં કાલી ની સાધનાને વધારે પ્રભાવશાળી માને છે. કારણકે માં કાલીની પૂજાથી જીવનના દરેક દુઃખો નો અંત થઈ જાય છે અને શત્રુઓનો નાશ થાય છે. કહેવાય છે કે માં કાલી ના પૂજન થી જન્મકુંડળી માં બેઠેલા રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે.
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી નરકાસુર રાક્ષસ નો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, ત્યારથી આ દિવસનું નામ નરક ચતુર્દશી પડ્યું.
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ૧૬૧૦૦ કન્યાઓને નરકાસુર રાક્ષસે બંદી બનાવી હતી. આ બધી કન્યાઓને ભગવાન શ્રીકૃષ્ણએ તેમના નરક જેવા જીવનમાંથી મુક્ત કરી ત્યારે તે બધી કન્યાઓ કહેવા લાગી કે હવે અમારી સાથે વિવાહ કોણ કરશે? જેથી ભગવાન શ્રીકૃષ્ણએ, તે ૧૬૧૦૦ કન્યાઓના પાણી ગ્રહણ કરીને, એમને પોતાની રાણી બનાવી ત્યારે નગરજનોએ દીપમાળા પ્રગટાવીને અંધારી રાત્રીને રોશન કરી હતી.
નરક ચતુર્દશી ઉપર બીજી એક કથા છે. અસુર રાજ બલિ અભિમાની બનીને દેવતાઓને હેરાન કરવા માંડ્યો ત્યારે તેના ઘમંડ ને ચકચૂર કરવા ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને અસુર રાજ બલી પાસે દાન લેવા આવ્યા. શંકરાચાર્ય બલીના રાજ ગુરુ હતા તે ભગવાન વિષ્ણુને ઓળખી ગયા તેથી તેમણે અસુર રાજ બલીને દાન આપવાની ના કહી, પરંતુ બલિએ તેમની વાત ન માનતા દાન આપવાનો સંકલ્પ કરવા માટે કમંડળમાંથી પાણી લેવા ગયા ત્યારે શુક્રાચાર્ય નાના જંતુનું રૂપ લઈને કમંડળમાં ઘૂસી ગયા, પરિણામે કમંડળ નું મોં બંધ થઈ ગયું. વામન અવતાર શ્રી વિષ્ણુજીએ શુક્રાચાર્યની આ હરકત જાણીને કમંડળમાં કૌશો ઘુસાડ્યો, જેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ અને કમંડળમાંથી પાણી નીકળ્યું. બાદમાં અસુર રાજ બલીએ દાન માટે સંકલ્પ કર્યો. વામન સ્વરૂપ વિષ્ણુજીએ સાડા ત્રણ પગ જમીન માંગીને બલી પાસેથી બધું છીનવી લીધું, અને ત્રીજું પગલું તેના માથા ઉપર મૂકીને તેને નરકમાં ધકેલી દીધો.
અસુર રાજ બલીએ ભગવાન પાસે ક્ષમા માંગતા, ભગવાન વિષ્ણુએ આજનો એક દિવસ અંધારી નરકમાં પણ અછવાળા થશે એવું વરદાન આપ્યું. ત્યારથી કાળી ચૌદશ ને નરક ચતુર્દશી કહેવાય છે.
આમ આજનો દિવસ નકારાત્મક શક્તિઓનો નાશ કરીને જીવનમાં સકારાત્મક વિચારો અને તેનું મહત્વ સમજાવે છે. ઘણા લોકો કાળીચૌદશના દિવસને અશુભ માનતા હોય છે, પરંતુ દિવાળીના આ પંચરત્ન પર્વો માં કંઇ અશુભ હોઈ શકે જ નહીં, તેથી જ તો કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહેવાય છે.
આની પાછળ પણ એક સત્ય કથા છે. એક યોગી ખૂબ તપ કરતા હતા, તપના કારણે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું અને તે કદરૂપા થઈ ગયા. તેઓ ખૂબ દુઃખી થયા કે મે સારા મનોભાવ થી તપ કર્યું તો પણ મારું રૂપ કેમ કરમાય ગયું? બરાબર તે સમયે નારદજી ત્યાં પધાર્યા, તે યોગીને દુઃખી જોઈને નારદજી એ તેમને કહ્યું કે યોગીજી તમે શરીર આચરણમાં લીધું નથી તેથી તમારું રૂપ બળી ગયું છે. આસો વદ ચૌદશના દિવસે શારીરિક ક્રિયા કરીને વ્રત પૂજન કરવાથી તમારું રૂપ પાછું આવશે. નારદજીના કહ્યા પ્રમાણે તે યોગીએ કાળી ચૌદશના દિવસે વ્રત કર્યું અને તેના આશ્ચર્ય વચ્ચે તેઓ પહેલા કરતાં પણ સુંદર બની ગયા. ત્યારથી કાળી ચૌદશ ને રૂપ ચૌદશ પણ કહેવાય છે.