રાજકોટમાં છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઇ
રોણકીની જમીનના ખોટા કાગળો કરવી વેપારી સાથે ચાર શખ્સોએ કરી રૂ.1 કરોડની ઠગાઈ
રાજકોટ શહેરમાં છેતરપિંડીની બે ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં પ્રથમ કાલાવડ રોડ પર રહેતા અને જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલા વુધ્ધે તેના મિત્રને રૂ.5 કરોડ કારખાનું શરૂ કરવા આપ્યા બાદ મિત્રે રકમ પરત કરવાની આવતા તેને કરોડો રૂપિયાનું બૂચ મારી દીધું હતું.અને મિત્રતાનો ધર્મ નિભાવનાર વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થતા તેના પત્ની અને પુત્રે રકમ પરત મેળવવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ ગદાર મિત્રએ તેમને એક પણ રૂપિયો પરત ન આપતા તેને અંતે તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજા બનાવમાં જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતા આધેડ વેપારીને રોણકીની એક જમીન વેચવાની છે તેમ કહી ચાર શખ્સોએ બોગસ કાગળો બનાવી એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. અને જેની જાણ વેપારીને થતા તેને પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે ચાર સામે ગુનો નોડથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
પ્રથમ બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં પાર્થ વિનોદભાઇ ભીમાણી (ઉ.વ.20)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પિતાના મિત્ર જામનગર રોડ પરના અરિહંત એવન્યૂમાં રહેતા ભરત શિવજી લીંબાણીનું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પિતા જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતા હતા અને ભરત લીંબાણી તેના ખાસ મિત્ર હતા. 2020માં ભરત લીંબાણી તેના મિત્ર વિનોદભાઇના ઘરે ગયો હતો અને મેટોડામાં ખુરશી બનાવવાનું કારખાનું ચાલું કરવું હોય પાંચ કરોડ હાથ ઉછીના માગ્યા હતા.વિનોદભાઇએ મિત્રતાનો ધર્મ નિભાવી તે સમયે રૂ.1.10 કરોડ અને ત્યારબાદ સગા સબંધીઓ પાસેથી પણ લઇને ભરતને રૂ.5 કરોડ આપ્યા હતા.
સમયાંતરે વિનોદભાઇ રકમની માગ કરતા ત્યારે ભરત કોઇને કોઇ બહાના કરતો હતો અને છેલ્લે તેણે કારખાનામાં ભાગીદાર બનાવી દેવાની પણ લાલચ આપી હતી પરંતુ તે રકમ પરત કરતો નહોતો, 2021ના મે માસમાં વિનોદભાઇનું કોરોનાથી મૃત્યુ થયું હતું.ભરતને રૂ.5 કરોડ હાથઉછીના આપ્યાની પાર્થ અને તેની માતાને જાણ હોવાથી માતા-પુત્ર ભરતના ઘરે ગયા હતા અને વિનોદભાઇએ આપેલા રૂ. 5 કરોડ ચૂકવી આપવાનું કહેતા ભરતે પાંચ ચેક લખી આપ્યા હતા અને રકમ ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી, ચેક આપ્યાના છ મહિના વિતવા છતાં ભરતે રકમ નહી ચૂકવતા પાર્થ અને તેના માતા ફરીથી ભરતના ઘરે ગયા હતા તો ભરતની પત્નીએ કહ્યું હતુ કે, પાંચેક મહિનાથી તેનો પતિ ભરત ઘર છોડીને જતો રહ્યો છે અને તેનો મોબાઇલ પણ બંધ છે, ભરતે આપેલો ચેક બેંકમાં રજૂ કરતા તે રિટર્ન થયો હતો, અંતે પાર્થ ભીમાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જ્યારે બીજા બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર રૂરલ હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ ક્વાટર્સમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતાં પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા (ઉ.વ.47)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ રાણા મકવાણા, જીતેન્દ્ર સોમા મકવાણા, ભરત મુછડિયા અને હિરા પમા સાગઠિયાના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે, 2019ના મિત્ર મારફત ચારેય આરોપીઓ ફરિયાદીને કાલાવડ રોડ પર રોયલ શોરૂમ પાસે મળ્યા હતા, ચારેય આરોપીઓએ રોણકીની જમીન પૈકીની એક એકર 20 ગુંઠા જમીન વેચવાની છે તે જમીન તેમની સંયુક્ત માલિકીની હોવાની વાત કરી જમીનનો સોદો રૂ. 1 કરોડ 1 લાખમાં નક્કી કર્યો હતો,
આરોપીઓએ પોતે જમીનના સંયુક્ત ભાગીદાર હોવાના કેટલાક દસ્તાવેજ પ્રદીપસિંહને બતાવ્યા હતા.પ્રદીપસિંહે રૂ.1 લાખનો ચેક અને રૂ. 50 લાખ રોકડા સુથી પેટે આપ્યા હતા, ત્યારબાદ કટકે કટકે તમામ રકમ પૂરી કરી આપી હતી પરંતુ આરોપીઓએ દસ્તાવેજ કરી આપ્યા નહોતા, દસ્તાવેજ કરવાની વાત આવે ત્યારે આરોપીઓ અલગ-અલગ બહાના આપતા હોવાથી પ્રદીપસિંહને શંકા જતા તેમણે તપાસ કરતાં તે જમીન રમેશ બાબુભાઇ પરસાણાની હોવાનું ખુલ્યું હતું, આરોપીઓ દસ્તાવેજ કરી આપતા નહીં હોવાથી છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં અંતે તેમને ચાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથધરી છે.