- 68- રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક વર્ષોથી પાટીદાર સમાજની બેઠક છે ઓબીસી સમાજ ક્યારેય કોઇના હક્ક પર તરાપ મારવામાં માનતો નથી: પાટીદારોને વધુ બેઠક પર ટિકિટ મળે તેની સામે અમારો વિરોધ નથી પરંતુ ઓબીસી સમાજને પણ ટકાવારી પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જોઇએ: નરેન્દ્ર બાપુ
- જો ભાજપ મને 70- રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ટિકિટ આપશે તો ચૂંટાયા બાદ સરકાર, સંગઠન અને સમાજ સાથે સંકલન સાધી સતત લોકસેવાના કાર્યો કરતો રહીશ: નરેન્દ્રભાઇ સોલંકી
ગુજરાતમાં ઓબીસી સમાજની વસતી 54 ટકાથી પણ વધુ છે. સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની 54 બેઠકો પૈકી 18 થી 22 બેઠકો પર વિશ્ર્વકર્મા સમાજમાં આવતી અલગ-અલગ જ્ઞાતિઓનું પ્રભુત્વ છે. જો સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર વિશ્ર્વકર્મા સમાજને ટિકિટ આપવામાં આવશે તો તેની અસર માત્ર સૌરાષ્ટ્રમાં નહી પરંતુ રાજ્યસભરમાં પોઝીટીવ પડશે તેવો મત આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા અને રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવારના મજબૂત દાવેદાર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્ર બાપુ)એ વ્યક્ત કર્યો હતો.
તેઓએ ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે હું 20 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે રહ્યો હતો અને છેલ્લા 30 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. રાજકોટની જનતા જનાર્દન નરેન્દ્ર સોલંકી અને નરેન્દ્ર બાપુ એમ બંને નામોને વ્યક્તિગત રીતે ઓળખે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં ડેપ્યૂટી મેયર, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના ઓબીસી નિગમના ચેરમેન અને પ્રદેશ ભાજપના બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યો છું.
તમામ સમાજને સાથે રાખીને ચાલવું તે મારો પાયોનો સિધ્ધાંત છે. સરકાર, સંગઠન અને સમાજ એમ ત્રણેયના સંકલનને સાથે રાખીને હું કામ કરૂં છું. આ ત્રણેય માધ્યમથી લોકોની સેવા કરી રહ્યો છું. જેને ધ્યાનમાં રાખી હું 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના એક મજબૂત દાવેદાર તરીકે આગળ વધી રહ્યો છું. આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં 60 થી 70 ટકા મતદારો ઓબીસી સમાજના છે. ઓબીસી સમાજની પેટા જ્ઞાતિ એવા વિશ્ર્વકર્મા સમાજમાં આવતી વિવિધ જ્ઞાતિની 10 ટકા વસતી સમગ્ર ગુજરાતમાં છે. આ સમાજને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકસભાની ચુંટણીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોના કારણે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. દક્ષિણ વિધાનસભા બેઠક ખરેખર ઓબીસી સમાજની બેઠક છે.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર પણ આપનું નામ ચર્ચામાં છે તેવા સવાલના જવાબ આપતા નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે રાજકોટ પૂર્વ બેઠક પાટીદાર સમાજ સીટ છે. ઓબીસી સમાજ ક્યારેય કોઇ સમાજના હક્ક પર તરાપ મારવામાં માનતો નથી. જ્યારે રાજકોટ શહેરમાં ત્રણ સીટ હતી ત્યારે પણ એક સીટ પર ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ રહેતું હતું. 2012 બાદ નવા સિમાંકનમાં ત્રણને બદલે ચાર સીટ થઇ છે. આવામાં 2012માં વજુભાઇ વાળાને ભાજપે ટીકીટ આપી હતી અને ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું હતું ત્યારબાદ તેઓ રાજ્યપાલ બનતા વિજયભાઇ રૂપાણીને પેટા ચૂંટણી લડાવ્યા હતા. 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે 2017 વિધાનસભાની ચૂંટણીમાં સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રથમ વખત રાજકોટની બે બેઠકો પર પાટીદાર સમાજને ટિકિટ આપી હતી.
તેઓએ ઉમેર્યું હતું કે પાટીદાર સમાજને ટીકીટ મળે તેમાં અમારો કોઇ જ વિરોધ નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ટકાવારીને ધ્યાનમાં રાખી ઓબીસી સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઇએ. સૌરાષ્ટ્રમાં દરેક જ્ઞાતિએ વિશ્ર્વકર્મા સમાજને ચાર થી પાંચ ટિકિટ આપવા માટે ખરેખર વિચારણાં કરવી જોઇએ. કારણ કે આ સમાજ 18 થી લઇ 22 સીટો પર પ્રભુત્વ ધરાવે છે. રાજકોટને સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે. અહી જે નિર્ણય લેવામાં આવતા હોય છે તેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જો રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર વિશ્ર્વકર્મા સમાજને ટિકિટ આપવામાં આવશે તો સૌરાષ્ટ્રભરમાં તેની પોઝીટીવ અસર જોવા મળશે.
નરેન્દ્ર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ એકાત્મ માનવતાવાદમાં માને છે. સર્વ સમાજના લોકોને સાથે રાખી ચાલનારી પાર્ટી છે. તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપે છે. મને આશા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સર્વ સમાજને પ્રતિનિધિત્વ મળી રહે તેની હર હંમેશ ચિંતા કરે છે. જો અમને ટિકિટ મળશે તો સામાજીકતા અને ધાર્મિકતાને જોડી રાજકીય ક્ષેત્રમાં આગળ વધીશું. છેલ્લા 30 વર્ષથી રાજકારણમાં છું છતાં કોંગ્રેસ સહિતની એકપણ પાર્ટી મારા પર ક્યારેય કોઇ આક્ષેપ કરી શકી નથી. ચૂંટાયા પછી પણ જ્ઞાતિવાદ વિના તમામ સમાજને સાથે રાખીને ચાલવું તે મારો સિધ્ધાંત છે.
- ધર્મપીઠને રાજપીઠ મળે તો સમાજ, રાજ્ય અને દેશનો ઉધ્ધાર થાય: ડો.રામેશ્ર્વર બાપુ
પ્રખર કથાકાર ડો.રામેશ્ર્વર બાપુ હરીયાણીએ જણાવ્યું હતું કે આપણે ત્યાં આજસુધી ઇતિહાસ જોવામાં આવે તો ક્યારેય કોઇ રાજપુરૂષે ચુંટાયા બાદ અન્નક્ષેત્ર શરૂ કર્યા નથી. દિનદુ:ખીયા માટે ક્યારેય યજ્ઞો કર્યા નથી. ચૂંટણીમાં 60 થી 62 ટકા વધીને 70 ટકા જેટલું મતદાન થાય છે. 40 ટકા વર્ગ એવો છે કે જે રાજકીય પક્ષથી તદ્ન અલગ રહે છે. રાજકારણમાં સાધુ પુરૂષ ખૂબ જ ઓછા હોય છે. દેશની વર્તમાન પરિસ્થિતિ પર નજર કરવામાં આવે તો યુપીમાં યોગીજીના શાસન બાદ સનાતન ધર્મનો ઉદય અને હિન્દુત્વ વધુ મજબૂત બન્યું છે. જો ધર્મપીઢને રાજપીઢ મળી રહે તો સમાજ, રાજ્ય અને દેશનો ઉધ્ધાર થાય સાથોસાથ જો સાધુ-સંતો રાજકારણમાં આવે તો લોકોમાં રાજનીતી પ્રત્યેની જે નફરત છે તે પણ ઘટે. દરેક સમાજ કે જ્ઞાતિ પોતાના સંખ્યાબળના આધારે ટિકિટની માંગણી કરતો હોય છે.
ત્યારે એક સાધુ તરીકે હું એવી માંગણી કરૂં છું કે માનવતાવાદને ટકાવી રાખવા માટે સાધુને પણ ટિકિટ આપવી જોઇએ. નરેન્દ્રભાઇ ચિંતન કરેલા સાધુ છે તે ચૂંટાશે તો સમાજની ચિંતા દૂર થશે. એક સાધુ જો ગાંધીનગર જશે તો વિધાનસભાને પણ સાધુતા મળી રહેશે. આજે આપાગીગાના ઓટલા થકી રોટલો ઘર-ઘર સુધી પહોંચાડ્યો છે. હવે ગાંધીનગર સુધી આ સાધુતા પહોંચે તે જરૂરી છે. કારણ કે સાધુની વિવેક અને વાણી અલગ જ હોય છે. નરેન્દ્ર બાપુ નામ કે પ્રતિષ્ઠા કરતા વિઝન સાથે આગળ વધી રહ્યા છે. રામરાજ્ય અને કૃષ્ણરાજમાં પણ સાધુના મત લેવામાં આવતા હતા. ત્યારે હવે રાજકારણમાં પણ સાધુને પ્રતિનિધિત્વ મળી રહે તે ખૂબ જરૂરી બન્યું છે.