પ્લોટની હરરાજીથી મનપાને એક લાખથી વધુની આવક
જ્યાં 33 કરોડ દેવી – દેવતાઓના બેસણા છે અને સંતો, મહંતો તથા અઘોરીઓની તપોભૂમિ છે તેવા ગરવા ગઢ ગિરનારની દશકાઓથી યોજાતી લીલી પરિક્રમા કોરોના કાળ દરમિયાન બે વર્ષ બંધ રહ્યા બાદ આ વર્ષે શરૂ થઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અને ઉતારા મંડળો દ્વારા અહીં આવતા લાખો ભક્તોને વિવિધ વ્યંજનો પીરસી ભાવિકા ભક્તજનોની આતરડી ઠારવા તથા તેમના ઉતારા માટેની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભવનાથ ખાતે લીલી પરિક્રમા માટે પ્લોટોની હરાજી શરૂ થવા પામી હતી જેમાં પ્રથમ દિવસે જ 9 પ્લોટો વેચાયા હતા અને મનપાને તેમાંથી એક લાખથી વધુની આવક થઈ હોવાનો મનપા માંથી જાણવા મળી રહ્યું છે.
અનેક દસકાઓથી સોરઠના પાટનગર જુનાગઢ ખાતે સ્થિત ગરવા ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક શુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. આ દરમિયાન યાત્રીકો વન વિસ્તારમાં ચાર રાત્રી અને પાંચ દિવસ કુદરતના ખોળે વિહાર કરી, પોતાની ભક્તિનું ભાથું બાંધે છે. જો કે, છેલ્લા બે વર્ષ કોરોનાએ આ લીલી પરિક્રમાને ગ્રહણ લગાડ્યું હતું અને લીલી પરિક્રમા વર્ષો બાદ સતત બે વર્ષ સુધી બંધ રહેવા પામી હતી. દરમિયાન આ વર્ષે કોરોનાની બીમારી શૂન્યવત થઈ જતા તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને પરિક્રમા માટે મીટીંગોના દોર અને લાગતા વળગતા તંત્રો દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
આ સાથે દસ લાખથી વધુ ભાવિકો લીલી પરિક્રમામાં સરેરાશ દર વર્ષે આવે છે ત્યારે આ ભાવિકો માટે ઉતારા મંડળો દ્વારા વિવિધ ભાતના મીઠાઈ સહિતના ભજનો, ચા, ઠંડા પીણા, છાસ અને શરબત વિતરણ સહિતની વ્યવસ્થાની સાથે યાત્રિકો આરામ કરી શકે તે માટે રહેવા અને ઉતરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે ઉતારા મંડળ દ્વારા પણ ભાવિકોની સુંદર વ્યવસ્થા જળવાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ મનપા દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર લીલી પરિક્રમા માં કુલ 114 પ્લોટ પાડવામાં આવ્યા છે અને ગઈકાલે ભવનાથ ખાતે પરિક્રમા માટે પ્લોટોની હરાજી શરૂ હતી અને પ્રથમ દિવસે 9 પ્લોટોની હરાજી થઈ હતી. આ હરાજીમાં જૂનાગઢ મનપાને રૂ. 1 લાખથી વધુની આવક થઈ હતી અને આગામી 4 નવેમ્બર સુધી આ હરાજીની કામગીરી શરૂ રહેશે તેમ મનપા દ્વારા જાણવા મળેલ છે.