- રાજકોટમાં જનસંઘના નેતા ચીમનભાઇ શુકલ અને સૂર્યકાન્તભાઇ આચાર્યએ ગુંડાગીરી વિરોધી સમિતિ બનાવી હતી, તે જમાના પણ જનસંઘ લડયું હતું: વડાપ્રધાન
- નરેન્દ્રભાઈ મોદી: જાહેરસભા પૂર્ણ થયા બાદ પૂવ રાજયપાલ વજુભાઇ વાળા સાથે બે થી ત્રણ મીનીટ મોદીએ એકાંતમાં ચર્ચા કરી: રાજકોટનો ચિતાર જાણી લીધો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે રાજકોટમાં અબજો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા બાદ રેસકોર્સ ખાતે એક જંગી જાહેરસભા સંબોધી હતી. ભાષણ દરમિયાન પીએમએ જનસંઘના નેતાઓને યાદ કર્યા હતા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપવા માટે આ નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની તેઓએ સરાહના કરી હતી. સાથો સાથ પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સાથે ગુફતેગુ કરી હતી. જે ઉડીને આંખે વળગી હતી.
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે જન સંઘના જમાનામાં રાજકોટમાં ચીમકકાકા (સ્વ. ચિમનભાઇ શુકલ) અને સૂર્યકાન્તભાઇ આચાર્યએ ગુંડા વિરોધી સમિતીની રચના કરી હતી. જન સંઘએ જમાનામાં ગુંડાગીરી સામે લડયું હતું. ભાજપ સરકાર બન્યા બાદ ગુજરાતમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિમાં ખુબ જ સુધારો આવ્યો છે. માથા ફરેલા અને માથાભારે લોકોથી ગુજરાતની જનતાને મુકિત મળી છે.જનસંઘના નેતાઓને યાદ કરી તેઓએ ફરી એક સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો કે રાજકોટ જનસંઘની સ્થાપના કાળથી રાજકોટમાં મજબૂત અને સલામત છે.જાહેરસભા પૂર્ણ થયા બાદ પીએમએ સ્ટેજ પર ઉ5સ્થિત તમામ નેતાઓનું અભિવાદન કર્યુ હતું. બે હાથ જોડી પ્રણામ કર્યા હતા દરમિયાન પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાને પોતાની પાસે બોલાવી વાતચીત કરી હતી. આટલું જ નહી તેઓ વજુભાઇને સતત પોતાની સાથે રાખ્યા હતા. એકિઝટ ગેટ પાસે મોદી અને વાળા બે થી ત્રણ મીનીટ કોઇ ગંભીર મુદ્દા પર વાતચીત કરતા નજરે પડયા હતા. વજુભાઇના હાથના ઇશારા અને ચહેરાની મુદ્રા જોઇ લાગતું હતું. કોઇ ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હોય પ્રદેશ ભાજપ, શહેર ભાજપ સંગઠન અને અન્ય નેતાઓએ તેની નોંધ લીધી હતી.
વિજયભાઇ રૂપાણીને પોતાની પાસે બોલાવી મોદીએ કરી વાત !
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જામકંડોરણામાં જાહેર સભાની માફક રાજકોટની જાહેરસભામાં પણ પોતાની પાસે બોલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાનમાં કશુંક કહ્યું હતું એકવાર નહીં બે વાર પોતાની પાસે બોલાવી વાતચિત કરી હતી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજયભાઇ રૂપાણીને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો માટે કોઇ મોદી જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો શરૂ થઇ જવા પામી છે.
સી.આર.પાટીલની સુચક ગેરહાજરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે જયારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને સતત પોતાની સાથે રાખતા હોય છે એક સ્થળેથી બીજી જગ્યાએ જતી વેળાએ મોદી પોતાની ગાડીમાં બેસાડી ચર્ચા કરતા હોય છે પરંતુ ગઇકાલે તેઓએ ચાર મુખ્ય પૈકી એક પણ કાર્યક્રમમાં પાટીલને પોતાની સાથે રાખ્યા ન હતા.
અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમનું આગમન થયું ત્યારે સી.આર. પાટીલે તેઓને આવકાર્યા હતા. ત્યારબાદ અમદાવાદ, અડાલજ, જુનાગઢ અને રાજકોટ એમ ચાર પૈકી એક પણ કાર્યક્રમમાં સી.આર. વડાપ્રધાન સાથે દેખાયા ન હતા.