પારિવારિક ડખ્ખામાં માનસિક સમતુલન ગુમાવતા હવામાં કર્યો ગોળીબાર: નોંધાતો ગુનો
રાજકોટમાં ચૂંટણી પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકમાં બેરેક્માં એક એસઆરપી જવાને ફાયરિંગ કરતાં પોલીસ મથકમાં નાસભાગ મચી ગઇ હતી. પારિવારિક ડખ્ખામાં માનસિક સમતુલન ગુમાવતા છતમાં ગોળીબાર કર્યાની એસઆરપી જવાને કબૂલાત આપી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ બી ડિવિઝન મથકના ઉપરના માળે ગઇ કાલે ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. આ નગે જાણ થતાં પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતા ગોંડલના એસઆરપી ગ્રુપનો ઉતારો બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના માળે આવેલા બેરેકમાં આપ્યો હતો.
જેમાં ગોંડલ એસઆરપી ગ્રુપ-8, બી-કંપનીમાં ફરજ બજાવવા આવેલા રમેશભાઈ રામાભાઈ કોલી નામના જવાને ગત રાત્રીના છતમાં ગોળીબાર કરતા પોલીસ મથકમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટના અંગે જાણ થતાં આસપાસના એસઆરપી જવાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.
જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રમેશભાઈ કોલી ગઇ કાલે સાંજે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના એસ્કોર્ટ ડ્યુટીમાં ફરજ બજાવી રમેશભાઈ કોલી ઉતારાએ ગયા હતા. જ્યાં રાત્રીના પોતાના પારિવારિક ડખ્ખામાં માનસિક સમતુલન ગુમાવતા પોતાની પાસે રહેલા ફરજના હથીયારમાંથી છતમાં ગોળીબાર કર્યો હતો.આ અંગે જાણ થતાં આસપાસ રહેલા જવાનો તેમના બેરેકમાં દોડી આવ્યા હતા અને રમેશભાઈ કોલી પાસે રહેલું હથિયાર ઝૂંટવી લીધું હતું. ત્યાર બાદ પોલીસે રમેશભાઈ કોલી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. એક તરફ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે સજ્જડ પોલીસ બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે તો બીજી તરફ પોલીસ મથકમાં જ ફાયરિંગની ઘટનાથી પોલીસ બેડામાં નાસભાગ મચી ગઇ છે.