માર્કેટમાં મંદીની માર હોય, રિસેસનની રાડ હોય, કે નાણાભીડની મુંઝવણ… આ બધું એક બાજુ રહેશે અને દિવાળી તો ધમાકેદાર ઉજવાશે જ આ વખતે..! બે વર્ષ બાદ પહેલીવાર દેશવાસીઓને ભયમુક્ત દિવાળી ઉજવવાનો મોકો મળ્યો છે તેથી સૌ ખરીદીનાં મૂડમાં છે. દેશનાં અગ્રણી વ્યવસાયિક સંગઠન કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ( સી.એ.આઇ.ટી)નાં સર્વેક્ષણ પ્રમાણે 26મી સપ્ટેમ્બર-22 થી એટલે કે નવરાત્રિથી શરૂ થયેલી આ વખતની તહેવારોની મોસમ કારોબારીઓ માટે અતિ લાભદાયી રહેવાની શક્યતા છે. કારણ કે આ વખતે તહેવારોની સિઝનમાં આશરે 60 ટકા જેટલું વેચાણ વધવાની ધારણા મુકાઇ છે. એમાંયે તે ભારતીય ઇન્ડસ્ટ્રી માટે એક સારા સમાચાર એ પણ છે કે લોકોની ભારતીય પ્રોડક્ટ ખરીદવાની વધેલી માનસિકતાનાં કારણે ચીનનાં ભારતમાં વેપારને આશરે 50000 કરોડ રૂપિયાનો ફટકો પડશે. જે ગત વર્ષનાં 40000 કરોડ રૂપિયાની ખાધ કરતા પણ આશરે 10000 કરોડ રૂપિયા વધારે હશે.
ભારતનાં દિવાળીના તહેવારોમાં પારિવારીક અને કોર્પોરેટ ગિફ્ટીંગ મળીને કુલ પાંચ કરોડ આઈટમોની ખરીદી થતી હોય છે. ગત સિઝનમાં તહેવારોનું સેલ્સ 1.25 લાખ કરોડ રૂપિયાનું હતું. જે આ વખતે વધીને 2.50 લાખ કરોડ થવાની ધારણા મુકાઇ છે. ઉદ્યોગ જગતનું અનુમાન છે કે આ વખતે નવરાત્રિમાં જ એફ.એમ.સી.જી. સેક્ટરમાં જ આશરે 12 ટકાનું સેલ્સ વધ્યું છે. જ્યારે ક્ધઝયુમર ડ્યુરેબલ્સમાં 15 ટકા, ઇલેક્ટ્રોનિક્સમાં 20 ટકા, મોબાઇલમાં 10 ટકા, ગ્રોસરીમાં 20 ટકા તથા રમકડાંનાં વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. આમ તો ઓગસ્ટ-22માં યુગોવ નામની રિસર્ચ કંપનીએ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 36 ટકા શહેરીજનો કોવિડ-19 ડરથી હળવા થઇને દિવાળીમાં જોરદાર ખરીદી કરવાના મૂડમાં હતા.
કોવિડ-19 ની મહામારી બાદ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે ગ્રાહક હવે કોઇપણ ચાઇનીઝ માલનો ભારતીય વિકલ્પ શોધે છે, તેની ગુણવત્તા જુએ છે અને ભાવમાં જો બહુ મોટો ફરક હોય તો જ ચાઇનીઝ માલ ખરીદે છે નહિતર ભારતીય પ્રોડક્ટ ઉપર પસંદગી ઉતારે છે.
દિવાળીનાં વેચાણમાં આશરે 11.80 અબજ ડોલરનું વેચાણ ઇ-કોમર્સવાળા આંચકી જવાની શક્યતા વ્યક્ત થઇ છે. જે ગત વર્ષનાં ઓનલાઇન સેલ્સ કરતા 28 ટકા વધારે રહેવાની ધારણા છે. નવરાત્રિના સપ્તાહમાં જ ફ્લિપકાર્ટ 62 ટકા હિસ્સા સાથે ટોચના સ્થાને રહી હતી. જ્યારે અમેઝોન 26 ટકા, તથા મીસો 21 ટકા હિસ્સા સાથે બજારમાં છવાયેલા હતા. 22 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બરના ગાળામાં આશરે 40000 કરોડ રૂપિયાનું સેલ્સ નોંધાયું હોવાનું જાણવા મળે છે.
અત્રે ખાસ નોંધનીય બાબત સામે આવી છે જે ભારતની તહેવારોની પરંપરાને અર્થતંત્ર સાથે જોડે છે. આજે આખું વિશ્ર્વ મંદી જુએ છે, સૌ વ્યાજદર વધારે છે જેથી લોકની ખરીદશક્તિ ઘટે અને ફૂગાવો ઘટે, રશિયા-યુક્રેન બોંબ ધડાકા અને આગજની કરે છે, આઇ.એમ.એફ. વૈશ્ર્વિક મંદીની ચેતવણી આપે છે ત્યારે સામાપક્ષે આ તહેવારોમાં ભારતના નાગરિકોની માનસિકતા મંદીની ઐસી તૈસી કરીને ઉમંગથી તહેવાર માણવાની છે, જેનાથી વૈશ્ર્વિક સમુદાય ભારતમાં પોતાનો માલ વેચવા ઉત્સુક બન્યો છે. આમેય તે વિશ્ર્વનાં ઘણા દેશો એવા છે જેની કુલ વસ્તી જેટલી વસ્તી તો આપણા મુંબઇ, દિલ્હી તથા કોલકત્તા જેવા શહેરોની છે. આ શહેરો જ્યારે ખરીદી માટે બહાર નીકળે ત્યારે સ્વાભાવિક રીતે જ અન્ય નાના દેશોની ઇકોનોમી જેટલું વેચાણ થઇ જાય. આમેય તે દિવાળી આખા દેશનો તહેવાર છે. જેમાં 140 કરોડની વસ્તીમાંથી 120 કરોડની વસ્તી લાભ-શુભની ભાવના ધરાવતી હોય છે. જે આ તહેવારની દેશની ઇકોનોમી સાથે જોડાયેલી પરંપરા છે.
આ સિઝનમાં જાહેરાતનાં ધંધામાં પણ 20 ટકા જેટલો વધારો થયાનું અનુમાન મુકાયું છે. આ વખતે સૌથી અચરજ વાળી વાત એ છે કે ઇ-કોમર્સ અને નવા ઉત્પાદનો વાળી બ્રાન્ડ બહુ સાવચેતીથી જાહેરાત કરે છે જ્યારે પરંપરાગત કારોબારીઓ જોરદાર જાહેરાતોના મુડમાં છે. આ વખતે અખબારોની જાહેરાતો કોવિડ-19નાં સમયગાળામાં જેટલી થઇ હતી તેટલી થવાની ધારણા મુકાઇ છે. જો આ ધારણા સાચી પડે તો અખબારોએ કોવિડ-19 નાં બે વર્ષમાં જે જાહોજલાલી ગુમાવી છે તે ફરી પાછી આવી શકે છે. આજે અખબારોમાં જાહેરાતો બુક કરવા માટે અમુકવાર સ્પેસની સમસ્યા નડતી હોવાનું એજન્સીઓ જણાવે છે. સામાપક્ષે ટેલિવિઝનમાં જાહેરાતોનો મારો ગત વર્ષ જેટલો જ રહેવાની ધારણા છે.
આ વખતે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કરવા ઉપરાંત રેલ્વેનાં કર્મચારીઓને બોનસની જાહેરાત થઇ હોવાથી મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધશે. આ બન્ને જાહેરાતથી સરકારી તિજોરીનાં હજારો કરોડ રૂપિયા બજારમાં આવશે અને તહેવારોમાં નાણાની પ્રવાહિતા વધશે. આ બધા દિવાળીમાં ભારતીયોનાં ચહેરા હસતાં રાખવા માટેનાં વધારાના પરિબળો કહી શકાય. ખેર વિશ્ર્વ ગતે તે કરે. રશિયા-યુક્રેનનાં આકાશમાં ભલે અંધારી રાતમાં મિસાઇલોનાં લિસોટા દેખાય પણ ભારતનાં આકાશમાં તારામંડળ ટમટમતાં હશે આ વાત નક્કી છે…!