એક્ઝિક્યુટીવે 13 ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી બનાવટી પહોંચ ધરબી સંચાલકોની જાણ બહાર કારની ડિલિવરી આપી કરી છેતરપિંડી: ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા કરાઈ ધરપકડ
અબતક,રાજકોટ
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ એક કાર શો રૂમના કર્મચારીએ તેની જ કંપની સાથે છેતરપિંડી કરી કુલ રૂ. 99.31 લાખ ચાઉ કરી ગયો હતો. આ મામલે શોરૂમ સંચાલકોને જાણ થતા તેને ક્રાઈમ બ્રાન્ચમાં શોરૂમ સેલ્સ એક્ઝિક્યુટિવ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરે છે. જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,સેલ્સ એક્ઝિક્યુટિવ 13 જેટલા ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી તેમને બનાવટી પહોંચ ધરબી દીધી હતી અને તે સંચાલકોની જાણ બહાર કારની ડીલેવરી આપી દેતો હતો.
વિગતો મુજબ 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ જય ગણેશ ઓટો હબ નામના કાર શો રૂમમાં સીઇઓ તરીકે નોકરી કરતા સંદીપભાઇ પ્રહલાદભાઇ ખરચરિયાએ તેને ત્યાં જ કામ કરતા રૈયાધાર, સિટી કોટયાર્ડમાં રહેતો સેલ્સ એક્ઝિક્યુટિવ ધાર્મિક દિલીપ મેર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને ફરિયાદમાં જણાવાયું હતું કે,તેમને ધાર્મિક મેરને સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે રૂ.14 હજારના પગાર પર નોકરીએ રાખ્યો હતો. તેનું કામ શો રૂમમાં કાર ખરીદવા આવતા ગ્રાહકોને કારની કિંમત તેમજ અંદરની સુવિધાઓ સમજાવવાનું તેમજ ગાડીનું બુકિંગ થયા બાદ ગ્રાહકો પાસેથી આવતી રકમ કંપનીમાં જમા કરાવવાનું, ગ્રાહકોને કારની ડિલિવરી કરી આપવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતુ. દરમિયાન એક મહિના પહેલા કારની ખરીદી કરી જનાર ગ્રાહકો આરટીઓ તથા વીમા પોલિસીના ડોક્યુમેન્ટ લેવા આવ્યા હતા. ત્યારે રજિસ્ટર તપાસતા તે ગ્રાહકોના કાર પેટે અમુક રૂપિયા જમા કરાવવાની બાકી હોવાનું જણાવ્યું હતું.
જેથી ગ્રાહકોએ તમામ રૂપિયા ચૂકવી આપ્યાનું જણાવતા ધાર્મિકને બોલાવી આ મામલે પૂછપરછ કરી હતી. પરંતુ તેને કોઇ સ્પષ્ટ વાત ન કરી ગોળ ગોળ વાતો કરી હતી. ત્યાર બાદ ધાર્મિક ગત સપ્ટેમ્બરમાં નોકરી મૂકી જતો રહ્યો હતો. બાદમાં ગ્રાહકો શો રૂમ પર આવી ધાર્મિકે તેમની પાસેથી મેળવેલી રકમોની પહોંચ બતાવી હતી. જે પહોંચમાં ધાર્મિકે એકાઉન્ટન્ટ તરીકેની સહીઓ કરી હતી. જેની સત્તા તેની પાસે ન હતી.
જ્યારે તે પહોંચમાં સિક્કો પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના ક્વોટેશન પર મારવામાં આવતો સિક્કો મારી બનાવટી પહોંચ ગ્રાહકોને ધાબડી તેમની પાસેથી રૂ.99.31 લાખની રકમ મેળવી લઇ ગ્રાહકોને કારની ડિલિવરી કરી આપી હતી. જે રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના ગજવામાં નાંખી છેતરપિંડી કરી હતી. આમ પોતાના આર્થિક લાભ મેળવવા માટે કંપનીના અધિકારીઓની જાણ બહાર ગ્રાહકોને ખોટી પહોંચ ધાબડી દઇ તેમની પાસેથી રકમ મેળવી છેતરપિંડી કરી છે. સીઇઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધાર્મિક મેરની ધરપકડ કરી છે.