જૂનાગઢ યુનિવર્સિટીનું ભોપાળું સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત્ત બારોટે છતું કર્યું: જૂનાગઢ યુનિ.ના કુલપતિ અને ડીન સામે જો કાર્યવાહી નહિ કરવામાં આવે તો પીઆઇએલ કરી કોર્ટના માધ્યમથી સજા આપવામાં આવશે: નિદત્ત બારોટ
ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં હોશિંયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય ફૂટવા જેવી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.બી.એ. અને બી.કોમ.ના પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મહાભગો સામે આવ્યો છે. ગત 15 ફેબ્રુઆરીના રોજ જુનાગઢ યુનિવર્સિટીની બી.એડ. સેમ-1ની પરીક્ષા હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા સેમ-1ને બદલે સેમ-2નું પેપર ધાબડી દેવામાં આવ્યું હતું. વિશેષમાં તો ઠોઠ વિદ્યાર્થીઓએ ખબર હોવા છતાં પરીક્ષા પણ આપી દીધી અને એનાથી પણ શરમજનક વાત કે યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને 100 ટકા માર્ક્સ સાથે પાસ પણ કરી દીધાં. શિક્ષણની તો જાણે ઘોર ખોદાઇ ગઇ હોય તેમ એક બાદ એક ભોપાળાઓ સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢની ઘટના તો એવી છે કે ‘તેરી ભી ચુપ, મેરી ભી ચુપ’. આજે આ સંદર્ભે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત્ત બારોટે પત્રકાર પરિષદ સંબોધીને જૂનાગઢ યુનિવર્સિટીનું ભોપાડું છતું કર્યું હતું સાથોસાથ આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ સૌરાષ્ટ્ર પ્રભારી રામકૃષ્ણ ઓઝા, ધારાસભ્ય લલીત કથગરા તેમજ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ હાજર રહ્યા હતાં.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. હાલમાં ‘ગૌરવ યાત્રા’ પણ ચાલી રહી છે ત્યારે ગુજરાતની અસ્મિતાને અને ગુજરાતના શિક્ષણને દાગ લગાડી દે તેવી ઉપરા-ઉપરી ઘટના સામે આવી રહી છે. 15 ફેબ્રુઆરી, 2022 ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢની બી.એડ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં હિન્દી મેથર્ડ એક વિષય હતો. આ પરીક્ષા સેમ-1ની હતી. વિદ્યાર્થીઓ સેમ-1નો અભ્યાસક્રમ વાંચી પરીક્ષા આપવા ગયા જ્યારે પરીક્ષામાં સેમ-2ના પ્રશ્ર્નો પૂછાયા. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓએ આ વાત રજૂ કરી પરંતુ કુલપતિ અને ડીનની સૂચનાથી વિદ્યાર્થીઓએ પેપરમાં ગમે તે લખો તેમ કહી પરીક્ષા અપાવી અને 100 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી બધા જ વિદ્યાર્થીઓને 90 થી 100 ટકા માર્ક્સ પણ આપી દેવામાં આવ્યા અને યુનિવર્સિટીમાં ગુજરાતમાં ન થયું હોય તેવું અદ્ભૂત ઉદાહરણ પુરૂં પાડવામાં આવ્યું.
આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજ્યપાલને તમામ વિગતો મોકલવામાં આવશે. ટૂંક સમયમાં જો કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવે તો સમગ્ર બાબતને પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન દ્વારા હાઇકોર્ટમાં લઇ જવામાં આવશે અને વ્યવસ્થાને ખોરવવાનું કામ કરતા લોકોને કડકમાં કડક સજા અપાશે.
રાજ્યની તમામ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિઓને દૂર કરો: ડો.નિદત્ત બારોટ
આજે પત્રકાર પરિષદ સંબોધતતા ડો.નિદત્ત બારોટે જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા વર્ષોમાં પરીક્ષા લેવી, પેપર લીક થવા, લાગવગ, ભલામણ અને પૈસાના જોરે થતા પોતાનાઓને નોકરી આપવા માટે જે કૌભાંડો થઇ રહ્યા છે તે ખૂબ જ શરમજનક બાબત છે. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં કાર્યકારી કુલપતિથી ગાડુ ગબડાવવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પેપર લીક થયાનો મામલો સામે આવ્યો હતો અને જૂનાગઢ યુનિવર્સિટીનું પણ ભોપાળું છતું થયું છે. તો તાકીદે જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિને તેની જગ્યાથી હટાવવામાં આવે ઉપરાંત રાજ્યની તમામ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિઓને તાકીદે દૂર કરવામાં આવે તેવી મારી માંગ છે.