અબતક,રાજકોટ
જ્યારે કોઈ જાતનો અકસ્માત સર્જાય છે, કોઈ પ્રકારની મેડીકલ ઈમરજન્સી આવે ત્યારે આપણાં મનમાં તાત્કાલીક સારવાર માટે એક જ નંબર આવે. એ નંબર એટલે 108. જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરવાના પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના રાજકોટ જિલ્લાના ઈ.એમ.ઈ. શ્રી વિરલભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, ગોંડલના કોલીથડ ગામ પાસે ભાર્ગવભાઈ ચીમનભાઈ અમીપરા નામના કારચાલકે વાહન ઉપર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થયો હતો. હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે 108માં જાણ કરવામાં આવી હતી.
108 ના ઈ.એમ.ટી. કિશન રાજાણી પાયલોટ ચંદ્રેશ પંડ્યા સાથે ગણતરીની મીનીટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. આ તકે તેઓને 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈ.એમ .ટી. કિશન રાજાણી અને પાયલોટ ચંદ્રેશ પંડ્યાએ ઘાયલ દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી 58000 રૂપિયા રોકડા, 44000 ની કિંમતના બે મોબાઈલ તેના પાર્ટનર અંકીતભાઈને સુપરત આપ્યા હતા.
આ તકે ઘાયલના પરિવારજનોએ 108ની ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ 108ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.