એક તરફ વિશ્ર્વમાં મંદીનું જોખમ હતું ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા તેજીમાં હતી, હજુ પણ વધુ નોંધપાત્ર માળખાકીય સુધારાથી ભારતીય અર્થવ્યવસ્થા ખીલશે
ભારતીય અર્થતંત્ર 10 ટ્રિલીયન ડોલરે પહોંચવા સક્ષમ છે. એક તરફ વિશ્વમાં મંદીનું જોખમ હતું ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા તેજીમાં હતી. હજુ પણ વધુ નોંધપાત્ર માળખાકીય સુધારાથી ભારતીય અર્થવ્યવસ્થા ખીલશે. તેવું આઈએમએફ દ્વારા જણાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગૌરીનચાસે ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એવા સમયે તેજી કરી રહી છે જ્યારે વિશ્વ મંદીની સંભાવનાનો સામનો કરી રહ્યું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે યુએસના 10 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને સ્પર્શવા માટે ભારત સક્ષમ છે આ માટે ભારતને હજુ પણ વધુ નોંધપાત્ર માળખાકીય સુધારાની જરૂર છે. પિયર-ઓલિવિયર ગૌરીનચાસે જણાવ્યું હતું કે ભારતમાં અમેરિકન અર્થવ્યવસ્થાને સ્પર્શવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે મારો કહેવાનો અર્થ એ છે કે આપણે ભૂતકાળમાં ઘણા દેશોને ખૂબ જ ઝડપથી વિકાસ કરતા જોયા છે પણ ભારતની ઝડપ અદભુત છે. તેમણે કહ્યું કે ઘણા દેશો માટે અમેરિકી અર્થવ્યવસ્થા સાથે મેળ ખાવી થોડી મુશ્કેલ છે પરંતુ ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ચોક્કસપણે વિશાળ સંભાવના છે. આ કરવા માટે, ભારતે અનેક માળખાકીય સુધારા કરવાની જરૂર છે.
- માનવ સંશાધન, માનવ મૂડી, આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણની જરૂર
આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે ભારતે અમેરિકી અર્થવ્યવસ્થાને સ્પર્શવા માટે કેટલાક નક્કર પગલાં ભરવા પડશે. તેમણે કહ્યું કે, અહીં ઈમારતો અને રસ્તાઓમાં રોકાણ થઈ રહ્યું છે, પરંતુ જો માનવ સંસાધન, માનવ મૂડી, આરોગ્ય, શિક્ષણ વગેરેમાં રોકાણ થશે તો ભારત ઝડપથી આગળ વધશે.
- અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ખૂબ સારૂ
પિયર-ઓલિવિયર ગૌરીનચાસે કહ્યું કે ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી, જ્યારે તે ખરેખર 6.8 અથવા 6.1 જેવા નક્કર દરે વધી રહી છે, ત્યારે તે ખરેખર નોંધનીય છે. એક ચિત્રમાં જ્યાં અન્ય તમામ અર્થતંત્રો અને અદ્યતન અર્થતંત્રો ભાગ્યે જ તે ગતિએ વિકાસ કરે છે, ભારત હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે.તે એક સારો સંકેત છે.
- ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ચીન કરતા સારી
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર, ચીનનો જીડીપી ગ્રોથ 2021માં 8.1 ટકા હતો. જે 2022માં ઘટીને 3.2 ટકા થઈ ગયો છે. વર્ષ 2023 માટે પણ ચીનનો વિકાસ દર 4.4 ટકા રહેવાનો અંદાજ છે. તેની સરખામણીમાં, 2023 માટે ભારતનો અંદાજિત વૃદ્ધિ દર 6.1 ટકા રહેશે. મંદીના ખતરા વચ્ચે આ અંદાજ ભારત માટે રાહતરૂપ છે.આમ ચીન કરતા પણ ભારતની વૃદ્ધિ સારી રહેવાની છે.
- આઈએમએફએ ચેતવણી પણ આપી, આવનારા સમયમાં અર્થતંત્ર માટે સતર્કતા જરૂરી
- 2023માં વિશ્ર્વના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડીને 2.7% અને ભારતના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને ઘટાડીને 6.8% કરી દેવાયો
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક જાહેર કર્યું છે. આવનારા વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં રહેવાની ધારણા છે. 2023માં વિશ્વનો આર્થિક વિકાસ દર ઘટીને 2.7% થઈ જશે. જો કે આઇએમએફ એ ભારતના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને ઘટાડીને 6.8% કરી દીધો છે. જુલાઈમાં તે 7.4% રહેવાનો અંદાજ હતો. તે જ સમયે, આઈએમએફ માને છે કે 2023 માં ભારતની અર્થવ્યવસ્થા 6.1% ના દરે વૃદ્ધિ કરશે. જો કે, આઈએમએફએ એવું પણ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનું ભવિષ્ય વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં એટલું અંધકારમય નથી. વિકાસનું અનુમાન ડાઉનગ્રેડ કરવામાં આવે તો પણ ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. ભારતનો વિકાસ દર અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, રશિયા, ચીન, બ્રાઝિલ જેવા દેશો કરતાં ઘણો વધારે હશે.