ઉનાઇથી અંબાજી અને ઉનાઇથી ફાગવેલ સુધીની યાત્રા ર0મી સુધી ચાલશે: કેન્દ્રીય મંત્રીઓ જોડાશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થવાના આડે હવે એક પખવાડીયા જેટલો જ સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે મતદારો સુધી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવા સરકારે કરેલા કામોથી જનતાને માહિતીગાર કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગઇકાલથી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ ગૌરવ  યાત્રાનો આરંભ કરાવ્યા બાદ કેન્દ્રીય ગૃહ  અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે આજે અલગ અલગ બે રૂટની ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી હતી. ર0મી ઓકટોબર સુધી ચાલનારી આ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારના અલગ અલગ વિભાગોના મંત્રીઓ સામેલ થશે.

આજે બપોરે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઇ શાહે નવસારી જિલ્લાના ઉનાઇ માતા તિર્થધામ ખાતેથી ઉનાઇથી ફાગવેલ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ તકે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન  જરદોશ, રાજય સરકારના મંત્રી કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

ર0મી સુધી ચાલનારી આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, દર્શના જશદોસ, જયોતિરાદિત્ય સિંધીયા, અજયકુમાર મિશ્રા, વી.કે.સિંહ, રાજકુમાર રંજન સિંહ, દેવસિંહ ચૌહાણ, સ્મૃતિ ઇરાની, ડો. જીતેન્દ્રસિંહ અને અશ્ર્વિની વૈષ્ણવ અલગ અલગ દિવસે જોડાશે.બપોરે ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઉનાઇથી અંબાજી સુધીના ગુજરાત ગૌરવ યાત્રાના રૂટને લીલી ઝંડી આપી હતી. આ યાત્રામાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ, રાજય મંત્રી પુર્ણેશ મોદી, કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, હર્ષ સંઘવી, જીતુભાઇ ચૌધરી, નિમીષાબેન સુથાર અને પૂર્વ મંત્રી ગણપતભાઇ વસાવા જોડાયા હતા. ર1મી સુધી ચાલનારી આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી શોભા કરંડલા, અર્જુન મુંડા, ફગ્ગનસિંહ ફુલસ્તે, રેણુકાસિંહ સુરૂતા, રામેશ્ર્વર તેલી, અન્નપુર્ણા દેવી ડો. ભારતી પ્રવિણ પવાર અને બિશ્ર્વેશ્ર્વર ટુડુ ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.