ડીવાય.એસ.પી.ની ૩૩૩ જગ્યામાંથી ૯૫ ખાલી હોવાની ચૂંટણી પંચ સમક્ષ કબૂલાત
ચૂંટણી કમિશન સમક્ષ આજે રાજ્યના સિનિયર આઈ.પી.એસ. દ્વારા કરાયેલા પ્રેઝન્ટેશનમાં ડીવાય એસ.પી.ની ૩૩૩માંથી ૨૩૮ જ્ગ્યા ભરેલી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેનો મતલબ પ્રમોશન ડ્યૂ હોવા છતાં ગૃહ મંત્રાલયમાં ટલ્લે ચડેલી પ્રમોશનની ફાઈલથી ૯૫ જેટલી જગ્યાઓ ખાલી રહેતા બઢતીના ધારાધોરણમાં આવતા અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે. સૂત્રોનું કહેવું છે કે, હાલમાં જ ૨૪ હથિયારી પી.આઈને. ડીવાય એસ.પી.ના પ્રમોશન અપાયાં. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જવાબદારી બિન હથિયારી અધિકારીઓની હવા છતાં તેમને પ્રમોશન નહીં આપી પોલીસ બેડાને જાણી જોઈને નારાજ કરવામાં આવી રહ્યો હોવાના મતલબના વોટ્સએપ મેસેજ પણ પોલીસ ગ્રૂપમાં ફરતા થયાં છે.
હાલમાં જ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી ડીવાય એસ.પી.ની બદલીઓમાં કુલ દસ પી.આઈ.ને બઢતી આપવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે સી.પી.આઈ (સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર)ની પોસ્ટ રદ કરીને કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે આ તમામ જગ્યા પર ડીવાય એસ.પી. કક્ષાના અધિકારીઓને નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય લેવાયો તે પહેલાના ત્રણ મહિનામાં અનેક ડીવાય એસ.પી. કક્ષાના અધિકારીઓ વય નિવૃત્ત થઈ જતા ૯૦થી વધુ જગ્યાઓ ખાલી પડી હતી.
ચૂંટણી પહેલા ૨૦૦૧ બેચના બીજા જથ્થાને પ્રમોશન આપી દેવાશે તેવી વાતો વહેતી થઈ હતી. પરંતુ ચૂંટણીનું જાહેરનામું ગમે તે ઘડીએ પ્રસિધ્ધ થાય તેવી સ્થિતિ હોવા છતાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરોને પ્રમોશન નહીં અપાતા રોષ ભભૂકી ઊઠ્યો છે.
આધારભૂત સૂત્રોનું કેહવું છે કે, આજે ચૂંટણી કમિશન સમક્ષ રજૂ કરાયેલા આંકડામાં સિનિયર આઈ.પી.એસ. અધિકારીઓએ કુલ ૯૫ જગ્યાઓ ખાલી પડી હોવાની વાત પણ સ્વીકારી છે. પરંતુ ગૃહ વિભાગ પી.આઈ.ઓને પ્રમોશન આપવામાં વગર કારણે વિલંબ કરી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગ્રૂપમાં પણ પ્રમોશનને લઈને સરકારની નીતિ વિરૂધ્ધ ભારોભાર રોષ ભભૂકી ઊઠ્યો છે.
એક અધિકારીએ આ બાબતે પૂછતા નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, હથિયારી પી.આઈ.ને પ્રમોશન અપાયાં તેમા બિન હથિયારી પી.આઈ.ને વાંધો નથી. પરંતુ ચૂંટણી દરમિયાન સુપરવિઝન કક્ષાના અધિકારીઓ તો બિન હથિયારી જ હોય છે. હવે ૯૫ જેટલી જગ્યાઓ ખાલી હોય અને તે નહીં ભરવાનું કોઈ કારણ પણ ન હોવાથી અધિકારીઓમાં રોષ ફેલાયો હોવાની વાત સાચી છે