પુરવઠા વિતરણમાં ખામી: ગોડાઉનમાં ખાંડનો જથ્થો નથી
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ રાજયના અનેક વિસ્તારમાં રેશનિંગ કાર્ડ ધરાવતા ગ્રાહકોને ચાલુ મહિનાની ખાંડ અને કેરોસીનનું વિતરણ થઇ શકયું નથી. કેટલીક દુકાનો પર ખાંડ-કેરોસીન પહોંચ્યું છે પરંતુ મોટાભાગની દુકાનો પર જથ્થો પહોંચ્યો ન હોવાથી ગ્રાહકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સ્થિતિ માટે પુરવઠા વિભાગની અયોગ્ય વિતરણ વ્યવસ્થા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ દસ દિવસ પછી દિવાળી છે ત્યારે રેશનિંગની મોટાભાગની દુકાનો પર ખાંડ અને કેરોસીનનું તમામ ગ્રાહકોને વિતરણ શરૂ કરી શકાયું નથી. રેશનિંગના દુકાનદારોને ખાંડ આપવાની હોય તે માટેનો પૂરતો જથ્થો પુરવઠા વિભાગના ગોડાઉનમાં જ નહીં હોવાનું બહાર આવ્યું છે. તહેવારોના કારણે રેશન કાર્ડ પર મળતી ખાંડ ઉપરાંત વધારાની એક કિલો ખાંડ પણ આપવાની થાય છે પરંતુ ૭૦ ટકા દુકાનોમાં ખાંડનો જથ્થો પહોંચ્યો નથી. બીપીએલ-અંત્યોદય કાર્ડધારકોને ૨૨ રૂપિયે કિલો મુજબ ખાંડ આપવામાં આવે છે. ઓકટોબરમાં ૩૧૦૦ બોરીઓ સામે હજુ ૧૩૦૦ જેટલી બોરી જ આવી છે તેથી અનેક દુકાનોને ખાંડનો જથ્થો પહોંચાડી શકાયો નથી.