રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે જલશો:પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીપાવલિ પર્વ પ્રસંગે આગામી તા.22 ઓક્ટોબરને શનિવારના રોજ સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.તેવી જાહેરાત આજે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્રારા કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયાએ જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી, સફાઈ અને આરોગ્ય સેવા સહિતની પાયાની સુવિધાઓ તેમજ અન્ડરબ્રીજ, ઓવરબ્રીજ, કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, બાલક્રિડાંગણની સુવિધા શહેરીજનો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આનંદ પ્રમોદ માટે દર વર્ષે લોકડાયરો, હસાયરો, મ્યુઝીકલ નાઈટ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દીપાવલિ પર્વ પ્રસંગે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજી નિહાળવા લાખોની સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે ઉમટી પડે છે. કોરોના વૈશ્વિક મહામારીને લીધે સોસીયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખી, વર્ષ 2020 તથા 2021માં આતશબાજી યોજવામાં આવેલ ન હતી. ચાલુ વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે તા.22 ને શનિવારના રોજ ધનતેરસના પાવન પર્વ પ્રસંગે સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.