દિવાળી બાદ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસીય બેઠક: રવિવારે ગૌરવ યાત્રાનું સમાપન: યોગી આદિત્યનાથ સુરત-મહેસાણા જશે
ભારતીય જનતા પાર્ટીની બે તબક્કામાં ચાલી રહેલી ગૌરવ યાત્રાનું રવિવારે સમાપન થયા પછી સોમવારે રાજ્યભરના ૫૦ હજારથી વધુ બુથના પેઇજ પ્રમુખોનું લગભગ આઠ લાખ કાર્યકરોનું એક મહાસંમેલન ગાંધીનગર નજીક ભાટ ટોલનાકા પાસેના ખુલ્લા મેદાનમાં યોજાનાર છે. આ ઐતિહાસિક મહાસંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બન્ને ઉપસ્થિત રહીને સંબોધન કરવાના છે. વડાપ્રધાન સોમવારે બપોરે આ સંમેલન માટે અમદાવાદ આવશે અને ત્યાંથી સીધા જ સંમેલન સ્થળે પહોંચશે.
હાલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળની ગૌરવ યાત્રા મધ્ય ગુજરાતનો પ્રવાસ પૂરો કરી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી રહી છે જ્યારે પ્રમુખ જીતુ વાઘાણીના નેતૃત્વવાળી યાત્રા દક્ષિણ ગુજરાતના અંતિમ ચરણ તરફ આગળ વધી છે. બુધવારે કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઇરાની દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ફરનારી ગૌરવ યાત્રામાં પ્રમુખ જીતુ વાઘાણી સાથે જોડાશે, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉત્તર ગુજરાતમાં નાયબ મુખ્યપ્રધાન સાથે જોડાશે. આ યાત્રામાં તા.૧૩ અને ૧૪ દરમિયાન ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામેલ થશે. રવિવારે બન્ને યાત્રાઓ ગાંધીનગર પરત ફરશે.
છ મહિનના પૂર્વે ભાજપના બુથ પ્રમુખોનું એક વિશાળ સંમેલન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું હતું, જેને ભાજપ અધ્યક્ષ અમિતભાઇએ ઉપસ્થિત રહીને સંબોધ્યું હતું. આ પછી પ્રથમ વખત બુથની મતદાર યાદીના પ્રત્યેક પેઇજના પ્રમુખો સાથે ભાજપના બન્ને રાષ્ટ્રીય નેતાઓ સંવાદ કરશે, જે દેશમાં ઉત્તર પ્રદેશ પછી પ્રથમ વખત આવું સંમેલન થશે, તેમ ભાજપના સૂત્રોનું કહેવું છે. હાલ આ સ્થળે તૈયારીઓ માટે ખુદ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની દેખરેખ હેઠળ વિવિધ ટીમ કામ કરી રહી છે. આ સંમેલન માટે વડાપ્રધાન સોમવારે બપોરે જ નવી દિલ્હીથી સીધા આવશે અને સંભવત: સંમેલન પૂરું થયા પછી તેઓ પરત ફરશે. આખરી કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. બીજી તરફ ભાજપ અધ્યક્ષ દિવાળીના તહેવારોને અનુલક્ષી પોતાનું રોકાણ ચારેક દિવસ સુધી લંબાવે તેવી શક્યતા છે. પેઇજ પ્રમુખ મહાસંમેલન વાઘબારસના રોજ છે. ભાઇબીજ પછી તુરત જ ચાર દિવસ માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે, જેમાં નિરીક્ષકો, જિલ્લા ટીમને બોર્ડ સાંભળશે.