માંગણી ન સંતોષાય તો ઇંટ ઉત્પાદનની કામગીરી બંધ રાખવાની કરી જાહેરાત

રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષના ઈંટ ઉદ્યોગકારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કરવામાં આવેલ રજુઆતો પછી પણ સરકારની ઢીલી નીતીઓને લઈને ઈંટ ઉત્પાદકોમાં રોષની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ ઉત્પાદક સંઘના નેજા હેઠળ સૌરાષ્ટ્રના ઈંટ ઉત્પાદકો રાજકોટ ખાતે એકઠા થયા હતા અને સરકાર સમક્ષના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઈંટ ઉત્પાદનની કામગીરી બંધ રાખવા તેમજ સૌરાષ્ટ્રમાં ક્રમાનુસાર તમામ જીલ્લા અને તાલુકા મથકોએ રેલીઓના આયોજનો કરવા અને સબંધીતોને આવેદનપત્રો પાઠવવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.

ઈંટ ઉત્પાદકોના ઈંટ ઉત્પાદનની કામગીરી બંધ રાખવાની જાહેરાતને લઈને ઈંટ ભઠ્ઠામાં કામ કરતા હજારો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવનાઓની સાથો સાથ આગામી દિવસોમાં બાંધકામ ક્ષેત્ર પણ ઈંટોની અછતના કારણે પ્રભાવિત થઇ શકે તેવી શકયતાઓ ઉભી થઈ છે.

ઈંટ ઉત્પાદક સંઘના મહામંત્રી ચંદુભાઈ જાદવના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ઈંટ ભઠ્ઠી માલીકોના કબજા ભોગવટાવાળી જમીનને રેગ્યુલરરાઈઝ કરવા અને આ માટે ઈંટ ઉત્પાદકોને પ્રર્વમાન જંત્રીના એકવડા દરથી જમીન ફાળવવા સરકારમાં સને 2016 થી કલેકટર રાજકોટ દ્વારા નિતિવિષયક દરખાસ્ત રજુ કરાયેલ છે. પરંતુ સરકાર દ્વારા મંજુર કરવામાં આવતી નથી.

સરકારે ઉદ્યોગો માટે હાલમાં જ આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 નો પ્રારંભ કરેલ છે. જેને લઈને સૌરાષ્ટ્રના ઈંટ ઉત્પાદકો આત્મનિર્ભર બને તેમજ ઈંટ ઉદ્યોગના વિકાસ અને ઉત્થાન માટે સરકારે ઈંટ ઉદ્યોગના જમીન સહિતના પ્રશ્નોનો આત્મનિર્ભર યોજના અંતર્ગત ઉકેલ લાવવો જોઈએ તેવી ઈંટ ઉત્પાદકોની માંગ છે. આ ઉપરાંત કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા ઈંટ પરનો જીએસટી પ% માંથી 12% કરવામાં આવેલ છે. તેમજ સીપીસીબી દ્વારા જે નિયંત્રણો લાગુ કરાયા છે તેમાં હવેથી ઈંટ ઉત્પાદકોએ ઝીગઝેગ પધ્ધતિથી ઈંટો પકાવવાનું યુનિટ બનાવવા સહિતની કેન્દ્ર સરકારની નિતિઓને લઈને પણ ઈંટ ઉત્પાદકોમાં રોષ ફેલાયેલો છે. અને આ માટે અખિલ ભારતીય ઈંટ અને ટાઈલ્સ નિર્માતા મહાસંઘ – ન્યુ દિલ્લી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ રજુઆતો કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ઝોનના ઈંટ ઉત્પાદકોની રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય માંગ છે કે, ઈંટ ઉત્પાદકોને જંત્રીના એકવડાદરથી જમીન ફાળવવાની નિતિવિષયક દરખાસ્ત મંજુર કરવી, ઈંટ ભઠ્ઠી માલીકોને એકમ દીઠ 2500 ચો.મી. જમીન ફાળવવાની મર્યાદા નિર્ધારીત કરવી, ખાસ હેતુઓ સારૂ જમીનો નીમ કરવાની મહેસુલની જોગવાઈઓ મુજબ ઈંટ માટી લેવા માટે સરકારી જમીનનો ટુકડો નિમ કરી આપવાની સબંધિત તંત્રને સુચનાઓ જાહેર કરવા, ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.7-2-20 ના પત્રમાં ઈંટ માટી પરિવહન માટેની 10 કિ.મી.ની ત્રિજ્યાની જોગવાઈઓ સંપુર્ણ રદ કરવામાં આવે.

ઈંટ ઉત્પાદકો પોતાની ઉપરોકત માંગને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જીલ્લા અને તાલુકા મથકોએ રેલીઓના આયોજનો નિર્ધારીત કરી રહયા છે. જેના ભાગરૂપે પ્રથમ રેલી ચાલુ વિકના અંતમાં અમરેલી ખાતે આયોજીત થશે અને જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાશે. તેઓ નિર્ધાર ઈંટ ઉત્પાદકોએ રાજકોટ ખાતે મળેલ બેઠકમાં જાહેર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.