બોલેરો, રીક્ષા અને વિદેશી શરાબ મળી રૂ 6.39 લાખનો મુદામાલ કબ્જે: ત્રણની ધરપકડ
શહેરની ભાગોળે આવેલી બામણબોર ચેક પોસ્ટ પાસેથી બોલેરોમાંથી વિદેશી દારુની 156 બોટલ તેમજ બીગબજાર નજીક રીક્ષામાંથી શરાબની 43 બોટલ પોલીસે ઝડપી કુલ રૂ. 6.39 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલી બામણબોર ચેક પોસ્ટ પર એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી દરમિયાન ત્યાંથી જીજે ર7 ટીડી 1788 નંબરની બોલેરો શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની 156 બોટલ મળી આવી હતી.
એરપોર્ટ પોલીસે શરાબ અને બોલેરો મળી રૂ. 5.70 લાખના મુદામાલ સાથે બોલેરો ચાલક જીવણરામ ક્રિષ્નારાય વિન્શોઇ અને ભુપેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજાને ઝડપી લઇ વિદેશી દારુ કયાંથી લાવ્યા હતા કયા લઇ જતા આ વગેરે બાબતની પુછપરછ હાથ ધરી છે.
જયારે રાજકોટ તાલુકા પોલીસે અક્ષરનગર-4 ગાંધીગ્રામમાં રહેતો રોશન હોતચંદ નામના રીક્ષા ચાલકને તેની રીક્ષામાંથી વિદેશી દારુની 43 બોટલ સાથે બીગબજાર નજીક અમરનાથ મંદિરચોક નજીકથી ઝડપી લીધો છે.