બાઇક અથડાવી ખૂનની કોશિષ કર્યાનો નોંધાતો ગુનો: યુવકની હાલત ગંભીર
અબતક,રાજકોટ
પોરબંદર તાલુકાના બગવદર પાસે આવેલા ફટાણા ગામના વૃધ્ધે પોતાના ગામમાં વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવતા ચારેક વર્ષથી ચાલતી અદાવતના કારણે બુટલેગરે બાઇક અથડાવી માથે ફેરવી દઇ હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફટાણા ગામે રહેતા દેવશીભાઇ મેરૂભાઇ બથવાર નામના 60 વર્ષના વૃધ્ધ ગત તા.28મીએ પોતના સમાજની ગરબી જોઇ પરત જઇ રહ્યા હતા ત્યારે તેના જ ગામના વિજય લખમણ ખૂટી નામના શખ્સે બાઇક ભટકાડી પછાડી દીધા બાદ ફરી બાઇક નીચે કચડી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિજય ખૂટી પોતાના ગામમાં દારૂનો ધંધો કરતો હોવાથી પોલીસમાં પકડાવી દારૂનો ધંધો બંધ કરાવી દેતા ચારેક વર્ષથી દેવશીભાઇ બથવાર અને વિજય ખૂટી વચ્ચે અદાવત ચાલતી હોવાથી ખૂની હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઇ બથવારને જામનગર અને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે દેવશીભાઇ બથવારની ફરિયાદ પરથી હત્યાની કોશિષ અને જ્ઞાતિ અંગે હડધૂત કર્યાનો ગુનો નોંધી એસટીએસસી સેલના ડીવાય.એસ.પી. ઋતુ રાબા અને બગવદર પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.