ટ્રેનના થર્ડ જનરેશનના મોડેલને ત્રણ વર્ષની અંદર ટ્રેક ઉપર દોડાવવાશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મહત્વની જાહેરાત
હમણાં જ શરુ થયેલી મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ છેલ્લા થોડા દિવસથી લાઇમ લાઇટમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2025 સુધીમાં વંદે ભારત એક્સપ્રેસને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાશે તેવી મહત્વની જાહેરાત કરી છે.
ગુજરાત આવેલા રેલવે મંત્રીએ શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ડ્રાઈવિંગ ડબલ એન્જિન વિષય પર યુવાસંવાદનું આયોજન થયું હતું. જેમાં બોલતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં વંદે ભારત એક્સપ્રેસની થર્ડ જનરેશન ટ્રેન આવી જશે, જેની ટોપ સ્પીડ 220 કિમી પ્રતિ કલાકની હશે. મુંબઈ-ગાંધીનગર વંદે ભારતને નડેલા અકસ્માત અંગે રેલવે મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે દેશમાં રેલવે ટ્રેક જમીન પર પથરાયેલા હોવાથી આવી ઘટના બનતી રહે છે. જોકે, આ ટ્રેન ખૂબ જ મજબૂત છે, અકસ્માતથી તેનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો જેનું તાત્કાલિક રિપેરિંગ કામ પણ કરી દેવાયું હતું.
આમ તો મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત પણ 180 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડી શકે છે, પરંતુ આ રુટ પર તેને મહત્તમ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે જ દોડાવવામાં આવે છે. રેલવે ટ્રેકની મજબૂતાઈ, રુટ પર આવતા વળાંકો ઉપરાંત, ઓવરહેડ ઈલેક્ટ્રીક લાઈનની ક્ષમતા સહિતની અનેક બાબતો ટ્રેનની ઝડપ નિર્ધારિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાલની વંદે ભારત આટલી સ્પીડે દોડતી હોવા છતાંય જાનવરો સાથે ટકરાઈને ક્ષતિગ્રસ્ત થઈ રહી છે, ત્યારે માળખાકિય સુવિધાઓ ઉભી કર્યા સિવાય તેને ટોપ સ્પીડ પર દોડાવવી હાલ તો ખૂબ જ મુશ્કેલ કામ મનાઈ રહ્યું છે.
3 વર્ષમાં 150 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે
રેલવે આગામી ત્રણ વર્ષમાં 150 જેટલી વંદે ભારત એક્સપ્રેસ શરુ કરવાનું આયોજન ધરાવે છે. જેમાંથી હાલ માત્ર ત્રણ જ ટ્રેન ઓપરેશનલ છે. દિલ્હી-વારાણસી, દિલ્હી-કટરા અને મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. જેમાં મુંબઈ-ગાંધીનગર વચ્ચે શરુ કરાયેલી વંદે ભારત સેક્ધડ જનરેશનની ટ્રેન છે, જેની ઝડપ અગાઉની બે ટ્રેનો કરતા વધારે છે. હવે જો થર્ડ જનરેશનની ટ્રેન 220 સળાવની ટોપ સ્પીડ ધરાવતી હોય તો તેના માટે કયો રુટ પસંદ કરવામાં આવશે તે પણ જોવાનું રહે છે.
વંદે ભારત માત્ર સાડા પાંચ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચે છે
મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડી રહેલી વંદે ભારત સાડા પાંચ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જાય છે. વચ્ચે આ ટ્રેન માત્ર સુરત અને વડોદરા જ ઉભી રહે છે. તેમાંય સુરતમાં તેને બે મિનિટ જ્યારે વડોદરામાં પાંચ મિનિટનું જ સ્ટોપેજ અપાયું છે. આ ટ્રેન વડોદરાથી જેટલી વારમાં અમદાવાદ પહોંચે છે લગભગ તેટલો જ સમય તે અમદાવાદથી ગાંધીનગર પહોંચવામાં લગાડે છે.