માના પટેલે પોતાનો જ સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ મેળવ્યો: આર્યન નહેરા સિલ્વર જીત્યો
36મા રાષ્ટ્રીય ખેલ અંતર્ગત રાજકોટમાં ચાલતી સ્વિમિંગની સ્પર્ધામા ગુરૂવારે ભારે રસાકસી સર્જાઈ હતી અને નવા ચાર નેશનલ ગેમ્સ રેકોર્ડ બન્યા હતા.
પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધા શ્વાસ થંભાવી દેનારી બની રહી હતી. કુલ આઠ સ્પર્ધકો વચ્ચે થયેલી આ ગ્રાન્ડ ફાઇનલ સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમે આવેલા તરવૈયા માત્ર માઇક્રો સેકંડથી જીત્યા હતા અને ત્રણેય તરણવીરોએ જૂનો નેશનલ ગેમ્સ રેકોર્ડ (8:15.49) તોડ્યો હતો. પ્રથમ ક્રમે આવેલા મધ્ય પ્રદેશના અદ્વૈત પાગેએ નવો રેકોર્ડ (8:12.24) બનાવ્યો હતો. તે આર્યન નહેરાથી માત્ર 0.6 માઇક્રો સેકંડથી આગળ રહ્યો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે શરૂઆતથી આગળ રહેલા ગુજરાતી તરણવીર આર્યન નહેરાએ રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો. બીજા ક્રમથી માત્ર 0.24 માઇક્રો સેકંડથી પાછળ રહેલા કેરળના સાજન પ્રકાશે કાંસ્ય ચંદ્રક અંકે કર્યો હતો.
મહિલાઓની 100 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામાં વિખ્યાત ગુજરાતી સ્વિમર માના પટેલે વર્ષ 2015નો પોતાનો જ નેશનલ ગેમ્સ રેકોર્ડ (1:05.32) તોડયો અને નવો વિક્રમ (1:04.35) સ્થાપિત કરી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. કર્ણાટકની રિદ્ધિમા કુમારે રજત, જ્યારે મહારાષ્ટ્રની પલક જોશીએ કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.
પુરુષોની 100 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામાં પણ ભારે ઉત્તેજના સર્જાઈ હતી. કર્ણાટકના શ્રીહરિ નટરાજે ગત રાષ્ટ્રીય ખેલનો 57.62 સેક્ધડનો રેકોર્ડ તોડી નવા 55.80 સેક્ધડના રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે સર્વિસિસના વિનાયક વી. તથા કર્ણાટકના શિવા એસ. એકીસાથે બીજા ક્રમે આવ્યા હતા.
મહિલાઓની 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં દિલ્હીની ભવ્યા સચદેવાએ સુવર્ણ, તેલંગાણાની વૃત્તિ અગરવાલે રજત તથા કર્ણાટકની હશિકા રામચંદ્રાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
મહિલાઓની 50 મીટર બટર ફ્લાય સ્પર્ધામાં કર્ણાટકની નીના વેંકટેશએ 28.38 સેક્ધડનો નવો રેકોર્ડ સ્થાપિત કરી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે હરિયાણાની દિવ્યા સતીજાએ રજત તથા કર્ણાટકની તનીશી ગુપ્તાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે પુરુષોની 50 મીટર બટર ફ્લાય સ્પર્ધામાં કેરળના સજન પ્રકાશે સુવર્ણ, તમિલનાડુના બેનેડિક્શન રોહિતે રજત તથા હરિયાણાના હર્ષ સરોહાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.