પિતૃઓના મોક્ષાર્થે પોથી યજમાન બનવા નરેન્દ્રબાપુ દ્વારા અનુરોધ: દર્શનીય વ્યાસપીઠ, ભવ્યમંચ, અદ્યતન સમીયાણો વ્યાસપીઠે રામેશ્વરબાપુ હરીયાણી બીરાજશે, દરરોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ: લાભપાંચમથી કથા પ્રારંભ
રાજકોટ શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા અને શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ (જીવરાજગૃપ) દ્વારા રાજકોટના આંગણે શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ મેદાન, 80 ફુટ રોડ, વાણીયાવાડી ખાતે તા.29 ઓકટોબર લાભ પાંચમ, શનિવારના પવિત્ર દિવસથી તા.4 નવેમ્બર શુક્રવાર સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના સ્થાનિક અથવા બહારગામના કોઇપણ પરિવારને પોથી યજમાન બની કથા મંડપમાં પોતાના પિતૃદેવોનું અલગથી પોથી પાટલો આપવામાં આવશે. જેનુ પૂજન કરવાનો લાભ પાટલમાં બેસનાર તેમજ તેમના કુટુંબીજનોને લેવાનો રહેશે.
શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) અખબારી યાદીમાં જણાવે છે કે શ્રીમદ્ ભાગવત ગીતા કર્મની ગંગા, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી છે. તે વિષાદને પ્રસાદમાં પરિવર્તન કરનારૂ દિવ્ય રસાયણ છે. શ્રીમદ ભાગવતના શ્રવણથી મનુષ્યના વિચાર, ભાવ અને આચાર ઉચ્ચ તેમજ નિર્મળ બને છે. તે માતૃઆત્માઓના મોક્ષ માટે અને જીવંત મનુષ્યોના કલ્યાણ માટે ઉપયોગી છે. માનવની સુષુપ્ત સદ્ભાવનાઓને જગાડી ઉતરોતર પુષ્ટિ કરનાર આર્શીવાદરૂપ લોક હીતકારી ઉત્તમ ગુંથના મંગલમય જ્ઞાનયજ્ઞનું આયોજન સર્વ માટે લાભદાયી છે. આ કાર્ય ઉમદા હેતુથી રાજકોટ શહેરમાં શેઠ હાઇસ્કુલ, 80 ફુટનો રોડ, ભક્તિનગર સર્કલથી આગળ તા.29 ઓકટોબર લાભપાંચમથી તા.4 નવેમ્બર 2022 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. જેના વ્યાસાસને અમદાવાદ નિવાસી સુપ્રસિધ્ધ કથાકાર રામેશ્ર્વરબાપુ હરીયાણી બિરાજી સંગીતમય શૈલીમાં સૌ ભાવિકજનોને કથા શ્રવણ કરાવશે.
આ જ્ઞાનયજ્ઞમાં કોઇપણ કૃષ્ણભકત પરિવાર પોથી યજમાન બની શકશે. પોતાના પિતૃદેવોના ફોટા રાખી પૂજન, કથાશ્રવણ અને સંપૂર્ણ મહાપ્રસાદનો પણ લાભ લઇ શકશે. દરેક પરિવારને સ્વતંત્ર વ્યવસ્થા મુજબ પૂજનનો લાભ મળશે. પોથી યજમાન બનવા માટે પ્રતિકાત્મક શુલ્ક માત્ર રૂા.151 (એકસો એકવાન) રાખેલ છે. જેમાં દરરોજની પૂજન સામગ્રી, પૂજન વિધી વગેરેનો તેમજ દરેક ખર્ચનો સંપૂર્ણ સમાવેશ થઈ જાય છે. પોથી યજનમાને અન્ય કોઇ રકમ આપવાની રહેશે નહી. પોથી યજમાન પરિવારના બધા સભ્યો તેમજ તેમના કુટુંબીજનો તેમજ તેમના સર્વે સગા સંબંધીઓ અથવા તો કોઇપણ માતાઓ બહેનો, ભાઇઓ, યુવાનો, વડીલો કોઇપણ જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર દરેક વ્યક્તિ કથા શ્રવણ કરવા આવતા તમામ ભક્તો માટે કથા વિરામ પછી દરરોજ સાંજે શુદ્ધ ઘીમાં બનાવેલી બે મીઠાઇ, ફરસાણ તેમજ દાળ, ભાત, શાક, રોટલી વગેરેનો દરરોજ અલગ-અલગ મહાપ્રસાદની પણ વ્યવસ્થાઓ રાખેલ છે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારી શરૂ
કથાના દિવસો દરમ્યાન દરરોજ બપોરે 2-30 થી 3-00 વાગ્યા સુધી પોતાના પિતૃઓનું પૂજન કરવાનું રહેશે. તેમજ કથાનો સમય બપોરે 3-00 વાગ્યાથી સાંજે 6-00 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ આવેલ આગેવાનોના સન્માનનો કાર્યક્રમ સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ તમામ ભાવિકો માટે સ્થળ પર જ સ્વાદિષ્ટ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. ભવ્ય આયોજનને અનુરૂપ ભવ્યાતિ ભવ્યમંચ, ભવ્યાતિ ભવ્ય વ્યાસપીઠ તેમજ ભવ્ય સમીયાણો, સુશોભન વગેરેથી પ્રસંગની શોભા વધારવામાં આવશે. કથાના પ્રારંભે વાજતે ગાજતે પોથી યાત્રા નિકળશે. કથાના દિવસોમાં રૂક્ષ્મણી વિવાહ, ગોર્વધનલીલા, નંદોત્સવ વગેરે પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવામાં આવશે.