પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો હાજરી આપશે, ગુજરાતના 45 લાખ પ્રજાપતિઓના પરિવારજનોને ગાંધીનગર ખાતે ઉમટી પડવા દલસુખભાઇ પ્રજાપતિની હાંકલ

ગુજરાતમાં માટીકામ કરતાં, રોજિંદા જીવન વપરાશ માટે માટીની ચીજવસ્તુઓના કારીગરો, ઈંટોના ભઠ્ઠા અને જાતે ઇંટો પાડતા નાની ભઠ્ઠીવાળાઓને પડતી મુશ્કેલીઓમાં સુચારુ પરિવર્તન આવે એવા ઉદ્દેશથી પ્રજાપતિ જ્ઞાતિનો સર્વે શાખા, ગોળ મંડળના ગુજરાતભરના હોદ્દેદારો, સમાજના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો તથા પ્રેસ-મિડીયા સહિતના બુધ્ધિજીવીઓ દ્વારા આ આવશ્યક ચિંતન બેઠક-સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્રભાઇ પ્રજાપતિએ જણાવેલ છે કે, 45 લાખ ઉપરાંતની વસ્તી ધરાવતો પ્રજાપતિ સમાજ સંગઠિત છે, એક અવાજે એક છત્ર નીચે આવી જાય એવી સમજ છે એટલે ગુજરાત સરકારના વહીવટના ભાગીદાર થવા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડને સ્વતંત્ર દરજ્જો આપી નિગમ બનાવવા તથા શૈક્ષણિક હેતુ માટે ગાંધીનગરમાં રાહત દરે જમીન ફાળવવા તેમજ પ્રજાપતિ સમાજના છેવાડાના ગામડા સુધી પહોંચવા જનજાગૃતિ અભિયાન ચલાવવા આ ચિંતન સંમેલનમાં ગંભીરતાપૂર્વક ચર્ચા થશે.

ગુજરાતના પ્રજાપતિ સમાજ ચિંતન સંમેલન શનિવાર તા.8, ઓકટોબર બપોરે 2 વાગ્યે પ્રેક્ષા ભારતી આશ્રમ, કોબા સર્કલ, શ્રી કમલમ સામે, કોબા – ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ યાદગાર ચિંતન સંમેલનને નિરાંત ધામ, મહેસાણાના સંત મહેન્દ્રરામ મહારાજ તથા આપા ગીગાનો ઓટલોના મહંત નરેન્દ્રબાપુ સોલંકીએ આશીર્વાદ આપ્યા છે. આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કૃષિ ઉર્જા મંત્રી મુકેશભાઇ પટેલ, ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, સાંસદ દિનેશભાઇ અનાવડિયા, પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ તથા મહિલા મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ હાજરી આપશે.

મોભી દલસુખભાઇ પ્રજાપતિએ આ ચિંતન સંમેલન સંદર્ભે ગુજરાતના 45 લાખ પ્રજાપતિઓને આ સંમેલનમાં ઉમટી પડવા અપીલ કરી છે. સંમેલનના આયોજક અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉપેન્દ્રભાઇ પ્રજાપતિ, મનહરભાઇ પ્રજાપતિ, ધનજીભાઇ પ્રજાપતિ, વસંતભાઇ ચૌહાણ, મોહનભાઇ વાડોલીયા, દલસુખભાઇ જાગાણી, ગોરધનભાઇ કાપડીયા, યોગેશભાઇ ઉનાગર, જગદીશભાઇ પ્રજાપતિ, ઇન્દરભાઇ પ્રજાપતિ તથા પ્રજાપતિ સમાજના નવેનવ ગોળના મુકેશભાઇ, દેવેન્દ્રભાઇ, અજીતભાઇ, દામજીભાઇ સતાપરા તથા ભુપતભાઇએ ગુજરાતભરના જાગૃત પ્રજાપતિઓને શનિવારે બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતેના સંમેલનમાં હાજરી આપવા આગ્રહભરી અપીલ કરી છે. રાજકોટમાંથી નાના મોટા વાહનો તથા બસો દ્વારા વિશાળ સંખ્યામાં પ્રજાપતિઓ હાજરી આપશે એવું વસંતભાઇ ચૌહાણની યાદીમાં જણાવાયું છે. ગાંધીનગર ખાતેના આ કાર્યક્રમની વિગતો માટે કનુભાઇ મારૂ- મો. 93774 37788 તથા યોગેશભાઇ પ્રજાપતિ – મો. 98793 28432નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.