અમુલ પ્લાન્ટનું ભૂમિપૂજન, ત્રણ બ્રિજના લોકાર્પણ, સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ, રાજકોટ- જામનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ સહિતના રૂ. 5550 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરાશે : તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.19મીએ રાજકોટમાં ભવ્ય રોડ શો યોજવાના છે. આ સાથે તેઓ રૂ. 5550 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરશે. આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11 અને તા.19 એમ બે વખત રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તા.19ના પ્રવાડ દરમિયાન તેઓ રાજકોટમાં રોડ શો યોજવાના છે.જો કે આ અંગે હજુ સુધી સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પણ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તેઓ ભવ્ય રોડ શો પણ યોજવાના છે. બીજી તરફ તેઓના હસ્તે અમુલ પ્લાન્ટનું ભૂમિપૂજન, ત્રણ બ્રિજના લોકાર્પણ, સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ, રાજકોટ- જામનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ સહિતના રૂ. 5550 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ થશે.
જો કે હાલ તંત્ર તા.11ની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચલાવી રહ્યું છે. જે બાદ તા.19ના કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
- પીએમની તા.11મીની મુલાકાત માટે જામકંડોરણામાં હેલિપેડ તૈયાર
- પીડીયુંનો એક વિભાગ બ્લોક કરાશે : સેફ હાઉસની જગ્યા પણ નક્કી કરાશે
વડાપ્રધાન તા.11મીએ જામ કંડોરણા ખાતે જાહેર સભા સંબોધવાના છે. વડાપ્રધાનની આ મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર જામ કંડોરણામાં હાલ હેલિપેડ તૈયાર થઈ ગયું છે. જામ કંડોરણા ખાતે 4 હેલિકોપ્ટર ઉતરશે. બીજી તરફ પીડિયુંનો એક વિભાગ બ્લોક કરી દેવામાં આવશે. આ ઉપરાંત તંત્ર દ્વારા શહેરમાં એક સેફ હાઉસ પસંદ કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમ માટે 43 જેટલા કલાસ વન અને કલાસ 2 ઓફિસરોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રોટોકોલ માટે પણ વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે જિલ્લા કલેક્ટર તૈયારીઓની સમીક્ષા માટે સ્થળ વિઝીટ પણ લેવાના હોવાનું જાણવા મળ્યું છે.