શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા કે રાસ પૂર્ણિમા
હિંદુ પંચાંગ પ્રમાણે આસો મહિનાની 15 મી તિથિને “શરદ પૂનમ” કહેવામાં આવે છે. સાથે સાથે તેને કોજાગરી પૂનમ કે રાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આખા વર્ષમાં ફક્ત આ એક જ દિવસે ચંદ્રમાં સોળે કળાએ પરિપૂર્ણ હોય છે અને આ પૂનમની રાત્રે જ ચંદ્રમાના કિરણોમાંથી અમૃત વરસે છે.
શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ નો વિશેષ મહિમા છે. પૌરાણિક માન્યતા પ્રમાણે વૈભવની દેવી મા લક્ષ્મી સમુદ્ર મંથન થી શરદપૂર્ણિમાના દિવસે જ ઉત્પન્ન થયા હતા. આ કારણે આ દિવસે માં લક્ષ્મી શ્રીહરિ સાથે પૃથ્વીલોક પર ભ્રમણ કરવા આવે છે. ત્યારે મા લક્ષ્મી જોવે છે કે કોણ જાગે છે? તેથી તેને કોજાગરી પૂર્ણિમા કહેવાય છે. આ રાત્રે જે લોકો જાગતા હોય તેના ઘરમાં મા લક્ષ્મી પધારે છે અને સુખ સમૃદ્ધિ આપીને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.શરદપૂર્ણિમા વ્રજ ના ખાસ તહેવારોમાં નો એક મુખ્ય તહેવાર છે.
આ રાતે ભગવાન શ્રીકૃષ્ણએ 16108 ગોપીઓની ઈચ્છા પૂરી કરવા મહારાસ ની રચના કરી હતી. આજથી 5200 વર્ષ પહેલા વૃંદાવનમાં યમુના કિનારે શરદ પૂનમની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા, ત્યારે તે જોવા ચંદ્રમાં થોભી ગયા હતા. ચંદ્રમાં આ રાસ જોવામાં એટલા મગ્ન થયા કે છ મહિના સુધી હલ્યા જ નહીં. આ રાસમાં દરેક ગોપીઓ ઇચ્છતી હતી કે શ્રીકૃષ્ણ તેની સાથે નૃત્ય કરે ત્યારે શ્રીકૃષ્ણએ એક એક ગોપી સાથે 16108 સ્વરૂપ ધારણ કરીને નૃત્ય કર્યું હતું. જેથી શરદ પૂનમને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આ રાસમાં કોઈ પણ પુરુષને પ્રવેશ ન હતો, પરંતુ ભગવાન ભોળાનાથ આ અદભુત મહારાસ ને જોવા ની લાલચ રોકી શક્યા નહીં અને વ્રજભૂમિ આવ્યા. પુરુષ હોવાને કારણે યમુના મહારાણીએ ભગવાન શિવને મહારાસ જોવા અંદર આવવા દીધા નહીં. તેથી ભગવાન શિવ શણગાર સજી ગોપી બની ગયા. ત્યારથી ભગવાન શિવનું આ સ્વરૂપ ગોપેશ્વર નાં નામે જાણીતું બન્યું અને આજે પણ વૃંદાવન માં યમુના કિનારે ગોપેશ્વર મહાદેવ મંદિર પ્રખ્યાત છે.
શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસતું હોવાથી આ રાત્રે ખીર તેમજ દૂધ પૌવા બનાવીને પુરી રાત ચંદ્રની ચાંદની માં રાખવાનો રિવાજ છે. માન્યતા છે કે ચ્યવન ઋષિ ને આરોગ્ય નો પાઠ અને ઔષધીનું જ્ઞાન અશ્વિની કુમારોએ આપ્યું હતું. આ જ જ્ઞાન આજે હજારો વર્ષો પછી પણ આપણને પરંપરા ના રૂપમાં મળેલ છે. અશ્વિની કુમાર આરોગ્યના દાતા છે અને પૂર્ણ ચંદ્રમાં અમૃત નો સ્ત્રોત છે, તેથી એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા ની રાત્રે આકાશમાંથી અમૃત ની વર્ષા થાય છે. માટે શરદપૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશ નીચે ઘરના ફળિયામાં કે અગાસીમાં ખીર કે દૂધ પૌવા બનાવીને રાખવાનું પ્રચલન આજે પણ છે.
કહેવાય છે કે ખુલ્લા આકાશ નીચે દૂધમાં ચંદ્રમાની અમૃત ની બુંદો ભળી જાય છે, જેનું સેવન કરવાથી દરેક પ્રકારની બીમારી દૂર થાય છે અને શરીર નિરોગી બને છે.આમ, હિન્દુ ધર્મમાં શરદપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ચંદ્રમાની સાથે મહાલક્ષ્મી ની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, તેમજ આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય પણ સારુ થાય છે. તેમજ શરદપૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના ગોપી રાસ ની યાદ માં આજે પણ ગામે-ગામ અને ચોરે-ચૌટે રાસની રમઝટ થાય છે.