વિકાસની દોડમાં સમાજની પ્રાપ્તીનો રોડમેપ તૈયાર કરાશે
જુનાગઢ મહાનગરમાં 25 હજારથી વધુ કડવા પાટીદારોનું એક મહાસંમેલન આવતીકાલે ગુરુવાર તા. 6 ના રોજ યોજાશે. આ મહા સંમેલનમાં જુનાગઢ તથા ગીર સોમનાથના પાટીદારો જોડાશે અને વિકાસની દોડમાં સમાજની પ્રાપ્તિનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે જો કે આ સંમેલનમાં કોઈ રાજકીય ચર્ચા નહીં થાય પરંતુ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણનો પ્રયાસ કરાશે. આ માટે 142 ગામોમાં ઘરે ઘરે જઈ પત્રિકા પહોંચાડવામાં આવી છે, અને સંમેલન બાદમાં માં ઉમિયાની સહસ્ત્ર દીપ મહા આરતી યોજાશે અને ઉમા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
ઉમિયા માતાજી મંદિર ગાઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રમુખ જયરામભાઈ વાંસળીયાની ઉપસ્થિતિ વચ્ચે શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર અને શ્રી ઉમિયા માતાજી મંદિર ગાઠીલાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ગુરુવાર તા. 6 ના રોજ જૂનાગઢના બાયપાસ સ્થિત ફળદુ વાડીમાં સાંજના સાડા ચાર કલાકે કડવા પાટીદારનું આ સામાજિક સંમેલન યોજાશે, જેમાં કોઈ રાજકીય ચર્ચા કરવામાં નહીં આવે, અને મંચ પર માત્ર બંને મંદિરોના પ્રમુખો જ બેશસે તથા પરિવારમાં માત્ર એક જ દીકરી છે તેના હાથે દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મુકાશે.આ સંમેલન અંગે ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ મુકંદભાઈ હિરપરા અને મંત્રી મહેન્દ્રભાઈ કાલરીયા તથા જ્ઞાતિ અગ્રણી નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડીયા, વાલજીભાઈ ફળદુ, મુકુંદભાઈ હિરપરા, ચેતનભાઇ ફળદુ, રાકેશભાઈ ધુલેશિયા વગેરે એ જણાવ્યા અનુસાર, આ મંદિરમાં કડવા પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાના ધંધા – રોજગાર બંધ રાખશે, આ સાથે 142 થી વધુ ગામોમાં નિમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે અને મહા સંમેલનમાં સમૂહ ભોજન સહિતની તમામ વ્યવસ્થા સુચારુ રીતે થાય તે માટે 15 જેટલી સમિતિ બનાવવામાં આવી છે.