- ઉત્તરકાશીમાં બરફના તોફાનોમાં ફસાયા પર્વતારોહી: 10ના મૃતદેહ મળ્યા
- જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત 21 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકોને બચાવી લેવાયા છે.
ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર અંદાજે 45 થી 50 લોકોને લઈ જઇ રહેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછાં 25 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ડીજીપી અશોક કુમારે માહિતી આપતા જણાવ્યું કે, ’ધુમાકોટના બિરોખાલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને એસડીઆરએફએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.’
મળતી માહિતી અનુસાર, જાનૈયાથી ભરેલી આ બસ લાલધાંગથી કારા તલ્લા જઈ રહી હતી. ત્યારે અંદાજે 45 થી 50 મુસાફરો ભરેલી બસ બેકાબુ બની બિરોખલ નજીક ખીણમાં ખાબકી હતી. બસ એક લગ્નપ્રસંગ પતાવીને આવી રહી હતી કે જેમાં 50 જાનૈયાઓ સવાર હતા. જોકે આ ઘટના બાદ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ગામલોકોએ પણ સ્થળ પર જ મૃતદેહોની શોધખોળ માટે વહીવટી તંત્ર સાથે મળીને પણ કામગીરી હાથ ધરી હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં વહીવટી તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં પૌડી ગઢવાલ જિલ્લામાં આ ભયાનક બસ દુર્ઘટનાના સમાચાર મળતા જ ગઇકાલે જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા. તેઓએ મીડિયાને જણાવ્યું કે, ’આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. બસમાં લગભગ 45 લોકો સવાર હતા. મે ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. હું પોતે બધા સાથે વાતચીત કરી રહ્યો છું કે બચાવ કાર્ય જલ્દીથી શરૂ કરવામાં
આવે.’ બીજી ઘટનામાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમસ્ખલન થતા 29 પર્વતારોહી ફસાઈ ગયા હતા. જેમાંથી 10ના મૃતદેહો મળી આવ્યા છે. બાકીના પર્વતારોહીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવાયા મુજબ, નેહરુ પર્વતારોહણ સંસ્થાના 122 સભ્યોની ટીમ બેઝિક અને એડવાન્સ કોર્સ પર નીકળી હતી. જેમાંથી 29 લોકો હિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
ઉત્તકાશીના ભટવાડીમાં દ્રૌપદી કા ડાંડા-2માં હિમસ્ખલનથી 29 પર્વતારોહી ફસાઈ ગયા હતા. બચાવ ટીમના સભ્યોએ અત્યાર સુધીમાં 8 લોકોને રેસ્ક્યુ કર્યા છે. જ્યારે 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના પર્વતારોહીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેહરુ પર્વતારોહણ સંસ્થાના 122 સભ્યોની ટીમ બેઝિક અને એડવાન્સ કોર્સ પર નીકળી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ ધામીએ જાણકારી આપતા જણાવ્યું કે, ’દ્રૌપદી કા ડાંડા-2 પર્વત ચોટીમાં હિમસ્ખલનમાં ફસાયેલા તાલીમાર્થીઓને જલદીમાં જલદી હેમખેમ બહરા કાઢવા માટે એનઆઈએમની ટીમની સાથે જિલ્લા પ્રશાસન, એનડીઆરએપ, એસડીઆરએફ, સેના અને આઈટીબીપીના જવાનો દ્વારા ઝડપથી રાહત અને બચાવ કાર્ય ચલાવાઈ રહ્યું છે. હિમસ્ખલન થવાથી નેહરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશીના તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી છે.’
આ દરમિયાન 6 થી 8 ઓક્ટોબર સુધી ભારે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. કુમાઉ ક્ષેત્રમાં વધુ વરસાદ થશે, જ્યારે ગઢવાલ વિસ્તારમાં પણ અસર રહેશે. તો, દારમા ઘાટીમાં ચીન સરહદ નજીક આવેલી અંતિમ ચોકીની નજીક આ સીઝનની ત્રીજી બરફ વર્ષા થઈ છે. અહીં 1 ફૂટ બરફ પડ્યો છે, તે પછી હિમાલયના ઊંચા વિસ્તાર દારમા ઘાટીના 14 ગામો અને વ્યાસ ઘાટીના સાત ગામોમાં ઠંડી વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં કેદારનાથની પાસે 1 ઓક્ટોબરે ગ્લેશિયર ખસકવાની ઘટના સામે આવી હતી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે, હિમાલય ક્ષેત્રમાં સવારે હિમસ્ખલન થયું હતું, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. બરફનો પહાડ ખસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો, તેમાં જોવા મળી રહ્યું હતું કે, બરફનો પહાડ જોત-જોતામાં તૂટી પડ્યો હતો.