સતત ત્રીજી જીત સાથે ભારતીય ટીમ એશિયા કપ પોઇન્ટ ટેબલમાં ટોપ પર !!
બાંગ્લાદેશમાં રમાઈ રહેલા વુમન્સ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ યુએઇને 104 રન હરાવ્યું હતું.
પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 178 રન કર્યા હતા. જેના જવાબમાં યૂએઇની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે માત્ર 74 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રેગ્યુલર કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી હતી. આ અગાઉ ભારતીય ટીમ શ્રીલંકા અને મલેશિયાને હરાવી ચૂકી છે.
ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે નોટઆઉટ 75 રન અને દીપ્તિ શર્માએ 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ અને દયાલન હેમલતાએ 1 વિકેટ લીધી હતી. મહિલા એશિયા કપ 2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. તેમણે શ્રીલંકાની સામે પહેલી મેચમાં 41 રનથી અને બીજી મેચમાં મલેશિયા સામે 30 રને જીત મેળવી હતી.
આશ્ચર્ય ભરી વાત એ છે કે યૂએઇની માત્ર 4 વિકેટ પડી, પરંતુ તેમ છતાં તેના બેટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો. યૂએઇની ટીમે 76 બોલમાં એક પણ રન બનાવ્યો ન હતો. મતલબ કે આ ટીમે કુલ 76 ડોટ બોલ રમ્યા હતા. રેણુકા સિંહે ભારત માટે સૌથી વધુ 18 ડોટ બોલ ફેંક્યા હતા. તેના પછી પૂજા વસ્ત્રાકરે 15 અને સ્નેહ રાણાએ 12 બોલ ડોટ બોલ્ડ કર્યા હતા.
ભારત તરફથી દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિગ્સે શાનદાર અડધી સદી ફટકારી હતી. દીપ્તિએ 49 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમિમાએ 45 બોલમાં 75 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે મહિલા એશિયા કપમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે પહેલા સ્થાને છે જ્યારે પાકિસ્તાન બીજા નંબર પર છે.