બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ટેકનીકલ શિક્ષણ સાથે જોડાયેલા અધ્યાપકો માટે નેશનલ એજ્યુકેશન પોલીસી તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન થયેલ હતું. આ કાર્યક્રમમાં કુલ 260 જેટલા અધ્યાપકોએ ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રીન્સીપાલ ડો.અશ્ર્વીન દુધરેજિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા ચાલતા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફેસ્ટીવલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયેલ છે અને કોલેજ દ્વારા ઝોન કક્ષાનો કાર્યક્રમ યોજાયેલ અને તેને ખુબ સારો પ્રતિસાદ પણ મળેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા પ્રયાસો કરવામાં આવેલ છે. આ તબ્બકે તેમણે જણાવ્યું હતું કે બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજ એ હાલમાં એન.આઇ.આર.એફ., એમએચઆરડી, ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા જાહેર થયેલ રેન્કીંગમાં સર્વશ્રેષ્ઠ 125 કોલેજમાં સ્થાન ધરાવે છે અને છેલ્લા સાત વર્ષથી સતત આ સ્થાન ધરાવે છે જે કોલેજ માટે ખૂબ ગર્વની વાત છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવીધાઓ મળે તેવું આયોજન થયેલ છે અને નેશનલ એજ્યુકેશન પોલીસી તેનુ ખુબ સારુ ઉદાહરણ છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને ગેસ્ટ ઓફ ઓનર ડો.નવીન શેઠ વાઇસ ચાન્સેલર ગુજરાત ટેક્નોલોજિકલ યુનીવર્સીટી અમદાવાદથી ખાસ ઉપસ્થીત રહેલ હતા. તેઓએ નેશનલ એજ્યુકેશન પોલીસી પર કહેતા જણાવ્યુ હતુ કે આ પોલીસીનું સંપૂર્ણ અમલીકરણ આગામી 15 વર્ષમાં પૂર્ણ થશે. આ પોલીસી અંતર્ગત વિદ્યાર્થીઓને પુષ્કળ વિકલ્પ મળશે જેમકે સાયબર સિક્યુરિટીનો કોર્સ સીવીલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ ભણી શકશે. આ અંતર્ગત શિક્ષામાં ભારતીયકરણને ખુબ મહત્વ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમની આભાર વિધી કોલેજના પ્રાધ્યાપક ડો.એમ.એમ.સોનીવાલા દ્વારા કરવામાં આવેલ હતી.