કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સબ પોસ્ટ ઓફિસ અને ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડાક ઘર નિર્યાત કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
ગાંધી જયંતિના પાવન અવસર પર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સબ પોસ્ટ ઓફિસ અને ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના “ડાક ઘર નિર્યાત કેન્દ્ર”નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સાથો સાથ “કબા ગાંધીનો ડેલો” પર વિશેષ આવરણનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને ત્રિવેણી સંગમ કહેતા કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગાંધી જયંતિની સાથે પૂર્વ વડાપ્રધાનશ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ પર પોસ્ટ વિભાગની નવી સુવિધાઓનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જે ખરેખર ખુશીની વાત છે. ભારતીય પોસ્ટ વિશ્વસનીયતાનો પર્યાય બનીને જનતાની સુખાકારી માટે કામગીરી કરી રહ્યું છે. ભાવનગરમાં ડાક ઘર નિર્યાત કેન્દ્ર નિકાસકારો માટે ઘણું મહત્વનું સાબિત થશે.
મંત્રી દેવુસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં હરણફાળ ગતિ સાથે નૂતન ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. પોસ્ટ વિભાગ નવા પ્રયાસો અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથે જનતાનો વિશ્વાસ વધુ બળવતર બને એ રીતે કામગીરી કરશે. કોરોનાના કપરા સમયની પોસ્ટ વિભાગની કામગીરીને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં રહેતો શ્રમિક ઉત્તરપ્રદેશમાં રહેતી માં ને નાણાં મોકલી શકે તેવું ઉમદા કામ પોસ્ટ વિભાગે કર્યું છે. આ તકે મંત્રીશ્રીએ રાજકોટ સાથે ગાંધીજીની જોડાયેલી વાતોને યાદ કરી હતી અને મોહનથી મહાત્મા સુધીની સફરમાં રાજકોટનો મહત્વનો ફાળો છે, તેમ જણાવ્યું હતું.
આ અવસરે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે દેશના નાગરિક તરીકે પોતાની જવાબદાર ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યું હતું. ઉપરાંત ખભે ખભો મિલાવીને દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને ભારતની આવનાર પેઢીને શ્રેષ્ઠ ભારત આપવા માટે બનતા પ્રયાસો કરવા કહ્યું હતું.
આ પ્રસંગે સર્વે મહાનુભાવોના હસ્તે સુક્ધયા સમૃદ્ધિ યોજનાની લાભાર્થી પાંચ દીકરીઓને તેમના એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. તેમજ આધાર અપડેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને ટુવ્હીલરની ચાવી એનાયત કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીને સ્મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના પોસ્ટ માસ્ટર જનરલ બી.એલ.સોનલે શાબ્દિક સ્વાગત અને મેયરશ્રી પ્રદિપ ડવે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી કમલેશભાઈ મીરાણી, પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વોટ્સન મ્યુઝિયમ ખાતે મહેર જ્ઞાતિની પ્રતિકૃતિનું ઉદ્દ્ધાટન
વોટસન મ્યુઝીયમમાં 100 વર્ષ પહેલાંની સંસ્કૃતિ કાયમી ધબકતી રહે તે માટે મહેર જ્ઞાતિ ની લોક સાંસ્કૃતિની પ્રતિકૃતિનું કેન્દ્રીય સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે ઉદ્દ્ધાટન. કર્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ સમગ્ર મ્યુઝીયમની મુલાકાત લઈને રાજયના રજવાડા સમયના વિવિધ હથિયારો, પહેરવેશ, કાષ્ટકલા, ધાતુકામ વગેરે વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી. આ મ્યુઝીયમમાં મહાત્મા ગાંધીજીની જન્મભુમિ પોરબંદર ખાતે વસતા મહેર સમાજની આગવી સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાનું નિરૂપણ કરતો મહેર જ્ઞાતિની પ્રતિકૃતી રજૂ કરી કરવામાં આવી છે. આ મ્યુઝીયમમાં આવેલ મહેર પ્રતિકૃતિનું ગુજરાત સરકાર દ્વારા અને મહેર સમાજના સહયોગથી પ્રતિકૃતિ બનવવામાં આશરે રૂ. સાડા ચાર લાખથી વધુના ખર્ચે સંપન્ન થયેલ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા સમસ્ત મહેર સમાજના આગેવાનો, અગ્રણીઓ અને વોટસન મ્યુઝીયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ તથા સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.