બીઆરટીએસ રૂટ પર બાઈક અને પીસીઆર વચ્ચે સર્જાયો અકસ્માત: એરબેગ ખુલી જતા પોલીસ કર્મીનો બચાવ
અબતક રાજકોટ
રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસના રૂટ પર પિસીઆર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળ પર જ એક તરૂણનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય તરુણને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તો બીજી તરફ અકસ્માતના પગલે પીસીઆર વેનની એરબેગ ખુલી જતા પોલીસ કર્મીનો બચાવ થયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓમનગર સર્કલ નજીક બીઆરટીએસ રોડ પર પોલીસ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસની જીજે-03-એજી-1979 નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-03-ઇજી-6983 નંબરના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર વલ્લભ વિદ્યાનગર રોડ પર રહેતા પિયુષ કરણભાઈ ઝરિયા નામના 17 વર્ષના તરૂણનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ. જ્યારે તેની સાથે રહેલા કુશ સવજીભાઈ ચાંદેદરા નામના 16 વર્ષના કિશોરને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતમાં પોલીસની પીસીઆર વાનમાં પણ આગળના ભાગે નુકશાન થયું છે. પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆરવાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીસીઆર વાનમાં આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. જ્યારે બાઈકનો પણ કચડઘામ નીકળી ગયો હતો.