અમદાવાદથી પુણે જતી વેળાએ આવેલો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો
રાજકોટના પનોતા પુત્ર અને ભારતમાં વિન્ડ એનર્જીના પ્રણેતા તુલસી તંતીનું નિધન થયું. હાર્ટ એટેક બાદ 64 વર્ષની વયે નિધન થતાં વેપાર અને ઉદ્યોગ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ સુઝલોન એનર્જીના સ્થાપક હતા. તુલસી તંતીના રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટી નામના ધરાવે છે. વિન્ડ ફાર્મ ક્ષેત્રે તેઓએ સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો.
ભારતમાં વિન્ડ મેનના નામથી ફેમસ સુઝલોન એનર્જિના સંસ્થાપક તુલસી તંતીનું શનિવારે 64 વર્ષની ઉંમરે નિધન થયું છે. 1958 માં રાજકોટમાં જન્મેલા તુલસી તંતીએ રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. તેઓ સુઝલોન એનર્જિના પ્રમોટરમાંથી એક હતા, જેની સ્થાપના તેમણે 1995 માં કરી હતી. તુલસી તંતી અમદાવાદથી પુણે જઈ રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવારમાં દીકરી નિધિ અને દીકરો પ્રણવ છે. તુલસી તંતી ઈન્ડિયન વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના અધ્યક્ષ પણ હતા. 1995 માં સુઝલોન એનર્જિની સ્થાપનાની સાથે ભારતમાં પવન ક્રાંતિના નેતૃત્વનું શ્રેય તેમને જાય છે.
વિન્ડ એનર્જીના પ્રણેતા
તાંતીએ 1995 માં કાપડના વ્યવસાયથી શરૂઆત કરી હતી. પરંતુ ઓછી વીજળીને કારણે તેમને ઉત્પાદનની સમસ્યા નડતી હતી. તેના બાદ તેમણે 1995 માં કપડાની કંપનીની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનમાં ડગ માંડ્યા અને સુઝલોન એનર્જિની સ્થાપના કરી.
આ રીતે રાખવામાં આવ્યું સુઝલોન નામ
કંપનીના સુઝલોન નામ રાખવા પાછળની એક રોચક વાત છે. સામાન્ય રીતે ગુજરાતીઓ સુઝ-બુઝ શબ્દનો અવાર નવાર ઉપયોગ કરતાં હોય છે. આ સુઝ-બુઝ પૈકી સુઝ અને લોન એટલે કે બેન્ક લોન, આ બંને શબ્દ મળીને સુઝલોન નામ પસંદ કરવામાં આવ્યું છે.
હરિત ઉર્જાના વિકલ્પ માટે પ્રોત્સાહિત કર્યાં
તેના બાદ 2001 માં તેમણે કાપડનો વ્યવસાય વેચી નાંખ્યો. 2003 માં સુઝલોનને દક્ષિણી-પશ્ચિમી મિનેસોટામાં 24 ટર્બાઈનની આર્પૂતિ કરવા માટે ડેન્માર એન્ડ એસોસિયેટ્સથી યુએસએમાં પોતાનો પહેલો એવોર્ડ મેળવ્યો. હાલ સુઝલોન એનર્જિનું માર્કેટ કેપ 8535.90 કરોડ રૂપિયા છે. તંતીએ 1995 માં સુઝલોન એનર્જિની સ્થાપના કરી હતી, અને સાથે જ પવન ઉર્જાના ક્ષેત્રમાં ડગ માંડ્યા હતા. આ વેપારનો વ્યાપ વધારવા માટે નવુ મોડલ અપનાવ્યું, જેમાં કંપનીઓને હરિત ઉર્જા વિકલ્પ અપનાવવા પ્રોત્સાહિત કરાતા હતા.
ફોર્બ્સમાં મળ્યું છે સ્થાન
સુઝલોનને વિશ્વભરમાં જાણીતા પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્સમાં સ્થાન મળ્યું છે. ફોર્બ્સ મેગેઝીને 2007માં બહાર પાડેલી ભારતના ટોપ-10 ધનવાનોની યાદીમાં તુલસી તંતીને 10મો ક્રમ મળ્યો હતો. આ ઉપરાંત 2008માં વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં 368મો નંબર મળ્યો હતો. ફોર્બ્સની 2013ની યાદી મુજબ ભારતના ધનાઢ્યોની યાદીમાં તેમનો 33મો નંબર હતો.