ભગવંત ખુબા, પરસોત્તમ રૂપાલા અને દાનવે રાવસાહેબ દાદરાવ આણંદ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે વડાપ્રધાન અને ગૃહ મંત્રીની સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ પણ ગુજરાતમાં વધી રહ્યા છે. આવતી કાલથી ત્રણ દિવસ માટે અલગ-અલગ ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ધામા નાંખશે અને અલગ-અલગ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
પ્રદેશ ભાજપ મીડીયા સેલની યાદીમાં જણાવ્યાનુસાર કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને રસાયણ-ખાતર મંત્રાલયના મંત્રી ભગવંત ખુબાજી આવતીકાલે રવિવારે આણંદ જિલ્લાના અંકલાવ અને ખંભાત વિધાનસભા બેઠકમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓની સાથે સાંસદ મિતેશભાઇ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા અને રાજકોટ જિલ્લાની ધોરાજી વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ રમેશભાઇ ધડુક પણ ઉપસ્થિત રહેશે. જ્યારે રેલ્વે કોલસા અને ખાણ મંત્રાલયના મંત્રી દાનવે રાવસાહેબ દાદરાવ જૂનાગઢ જિલ્લાની માંગરોળ અને કેશોદ વિધાનસભા બેઠકના વિવિધ સંગઠનોના કાર્યક્રમોમાં હાજરી આપશે.